સુરત : સુરતના પૂના વિસ્તારમાંથી પસાર થતી ખાડીના કિનારે સહયોગ, ગૌતમ અને સમ્રાટ સહિતની અનેક સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટીઓની પાછળની ખાડીઓમાં લાંબા સમયથી ગંદકી અને કચરો જમા થતાં મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય બની ગયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સમસ્યા અંગે કોર્પોરેટરો અને મનપાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી ન હતી. પરિણામે વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધ્યો હતો અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ ઊભી થઈ હતી.
બે દિવસ પહેલાં અસરગ્રસ્ત સોસાયટીઓના રહેવાસીઓ એકત્રિત થયા અને મનપાની કામગીરી સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી. આ દરમિયાન એક સ્થાનિક મહિલાએ આક્રોશ ઠાલવતાં મેયરને પોતાના ઘરે ભજિયા ખાવા અને પાંચ દિવસ રોકાવા માટે કટાક્ષભર્યું આમંત્રણ આપ્યું. મહિલાનું કહેવું હતું કે જો મેયર અહીં પાંચ દિવસ રોકાય અને બીમાર ન પડે તો તેઓ મેયરના પગે પડી માફી માગશે, અન્યથા ખાડીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો પડશે.
આ વિરોધ અને કટાક્ષભર્યા આમંત્રણ બાદ મનપાનું તંત્ર હરકતમાં આવ્યું. સોસાયટીઓની પાછળની ખાડીઓમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી. જ્યાં કર્મચારીઓ માટે પહોંચવું મુશ્કેલ હતું ત્યાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો. સોસાયટી વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા ફોગિંગ સહિતની કામગીરી પણ કરવામાં આવી.
જોકે સ્થાનિકો હવે માત્ર સફાઈ અને દવાના છંટકાવ પૂરતું સંતોષ માનતા નથી. તેઓ ખાડીઓની નિયમિત સફાઈ અને મચ્છરોના ઉપદ્રવનો કાયમી ઉકેલ આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.