શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આજે બપોરે એક ઘટાદાર વૃક્ષ અચાનક ધરાશાયી થતાં નીચે પાર્ક કરેલી બે કાર તેની લપેટમાં આવી ગઈ હતી. વૃક્ષનો મોટો ભાગ કાર ઉપર પડતાં એક કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે બીજી કારને પણ નુકસાન થયું હતું. આ દરમિયાન એક કારમાં સવાર ત્રણ મહિલાઓ વૃક્ષ નીચે દબાઈ જતાં ઘાયલ થઈ હતી. બનાવને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ, દિવસ દરમિયાન સતત વાહનોથી ધમધમતા આ વિસ્તારમાં વૃક્ષ પડવાને કારણે રસ્તો અવરોધાતાં ટ્રાફિક જામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં.બનાવની જાણ થતાં જ વેસુ ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
વેસુ ફાયર સ્ટેશનના ફાયર સબ ઓફિસર કિશોર પટેલે જણાવ્યું હતું કે, આજે બપોરે 12 વાગ્યે વૃક્ષ ધરાશાયી થવાની જાણ કરતો કોલ મળ્યો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન એક ઘટાદાર વૃક્ષ બે કાર ઉપર પડ્યું હોવાનું જણાયું હતું. તે પૈકીની એક કારમાં સવાર 35 વર્ષીય હેમાક્ષી મીના, 36 વર્ષીય કુસુમ મીના અને 50 વર્ષીય ભાનુ દેવી વૃક્ષ નીચે ફસાઈ જતાં ઘાયલ થયાં હતાં. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ ત્રણેય ઘાયલોને 108 એમ્બ્યુલન્સની મદદથી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બીજી તરફ, વૃક્ષ કાર ઉપર પડ્યું હોવાથી વાહનોને ભારે નુકસાન થયું હતું. ખાસ કરીને એક કારનો આગળનો અને ઉપરનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે વૃક્ષના ભારે થડ અને ડાળીઓ કાપીને હટાવવાની કામગીરી કરી હતી. વૃક્ષ રસ્તા પર પડ્યું હોવાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. વૃક્ષ હટાવ્યા બાદ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.