મારું શહેર

મોબાઇલ અને સોશિયલ મીડિયા ના વધતા ઉપયોગ વચ્ચે વધતી ગુનાખોરી સાથે કેદીઓ ની સંખ્યા પણ વધી

આધુનિકતા અને ટેક્નોલોજીના ઝડપથી બદલાતા યુગમાં ગુનાખોરી થી દૂર રહીને સ્વસ્થ અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવું એક મોટો પડકાર બની રહ્યો છે. સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં હાલમાં કાચા અને પાકા કામની મળીને કુલ 107 મહિલા કેદીઓ બંધ છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ મહિલા કેદીઓ પૈકી ચાર બાળકો પણ જેલની અંદર પોતાની માતા સાથે રહી રહ્યા છે. માતાની સાથે જેલમાં રહેવાની પરિસ્થિતિમાં આ બાળકોનું બાળપણ અને ભવિષ્ય પણ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, ગુનામાં સંડોવાયેલી મહિલાઓની સંખ્યા વધવી એ માત્ર કાયદો અને વ્યવસ્થાનો વિષય નથી, પરંતુ તેની સાથે અનેક સામાજિક અને પારિવારિક પાસા પણ જોડાયેલાં છે. પરિવારની જવાબદારી અને બાળકોના ભવિષ્ય વચ્ચે મહિલાઓ ગુનાના માર્ગે કેમ વળે છે તે અંગે સમાજે આત્મમંથન કરવાની જરૂર છે.બીજી તરફ યુવક, યુવાનો અને વૃદ્ધ કેદીઓની સંખ્યા પણ ચિંતાનો વિષય બની રહી છે. લાજપોર જેલમાં હાલમાં કાચા અને પાકા કામના યુવાન, યુવકો અને વૃદ્ધ કેદીઓની સંખ્યા 2862 સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે. જ્યારે જેલની કુલ ક્ષમતા 2987 કેદીઓની છે. એટલે કે જેલની નિર્ધારિત ક્ષમતા કરતાં પણ કેદીઓની સંખ્યા વધી ગઈ છે.વર્તમાન સમયમાં મોબાઇલ અને સામાજિક માધ્યમોનો વધતો ઉપયોગ, ખોટી સંગત, ક્ષણિક આવેશ, લાલચ અને ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિઓ યુવાનોના જીવનને અસર કરી શકે છે. ઘણી વખત ક્ષણિક નિર્ણય વ્યક્તિનું આખું જીવન બદલી નાખે છે અને તેની અસર માત્ર આરોપી પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ માતા-પિતા, બાળકો અને પરિવારજનોને પણ ભોગવવી પડે છે.આ સ્થિતિ સમાજ માટે આત્મચિંતન નો વિષય છે. બાળકો અને યુવાનોમાં નૈતિક મૂલ્યોનું સિંચન, પરિવારનો સંવાદ, યોગ્ય માર્ગદર્શન, શિક્ષણ અને કાયદા પ્રત્યેની જાગૃતિ વધારવી સમયની માંગ છે. સાથે જ કેદીઓના સુધારણા, પુનર્વસન અને સમાજની મુખ્યધારામાં પુનઃસ્થાપન માટે પણ યોગ્ય તકો ઉભી કરવી જરૂરી છે. લાજપોર જેલના આ આંકડા સમાજે સમયસર જાગૃત થવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે.

લાજપોર જેલમાં કેદી માતા સાથે રહેતા 4 બાળકો બાળપણ વિતાવે છે : આ બાળકોને બી.ટેક. ભણેલી મહિલા કેદી  શિક્ષણ આપે છે.

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં માતા સાથે રહેતા બાળકોના શિક્ષણ અને પોષણની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. જેલની અંદર બાળકો માટે બાળ મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં બી.ટેક.નો અભ્યાસ કરેલી એક મહિલા કેદી બાળકોને શિક્ષણ આપી રહી છે. બાળકોને અભ્યાસની સાથે પોષણયુક્ત આહાર પણ આપવામાં આવે છે. સવારે ચા અને બ્રેડ, બપોરે શાક-રોટલી તથા સાંજે કેળા, દૂધ, દાળ-ભાત અને ઈંડાં સહિતની ખાદ્યસામગ્રી આપવામાં આવે છે. આ રીતે જેલમાં બાળકોના શિક્ષણ અને આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે છે.

જેલમાં શિસ્ત ભંગ કરનારા કેદીને સજાના ભાગે  હાઈ સિક્યોરિટી બેરેકમાં રખાય છે

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અથવા જેલની અંદર શિસ્ત ભંગ કરનારા કેદીઓ માટે હાઈ સિક્યોરિટી બેરેકની વ્યવસ્થા છે. હત્યા, લૂંટ, એનડીપીએસ જેવા ગંભીર ગુનાઓના આરોપીઓ તેમજ અન્ય કેદીઓ સાથે ઝઘડો કરનારા કેદીઓને જેલના સત્તાધીશો દ્વારા નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી હેઠળ અલગ રાખવામાં આવે છે. આ માટે આશરે 8 બાય 10 ફૂટની અને 10 ફૂટ ઊંચાઈ ધરાવતી અલગ બેરેકમાં એકલામાં રાખવામાં આવે છે. મળતી માહિતી મુજબ, આવી સજા એકથી બે મહિના સુધીની હોઈ શકે છે. આ ઉપરાંત કેન્ટીનની સુવિધા અને પરિવાર સાથેની મુલાકાત પર પણ નિયંત્રણ મૂકવામાં આવે છે. કેદીઓને કેન્ટીનમાં ખરીદી માટે મળતી કૂપન પણ બંધ કરવામાં આવે છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો