સુરત : ગત ચોમાસામાં ત્રણ વખત આવેલા ખાડી પૂરે સુરતના અનેક વિસ્તારોમાં ભારે મુશ્કેલી ઊભી કરી હતી. પાણી ભરાવાથી અસરગ્રસ્ત લોકોના રોષ બાદ આ મુદ્દો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો. બેઠકો અને સમીક્ષાઓ પછી હવે માત્ર મીઠી ખાડી પૂરતી સીમિત રહેલી ડ્રેજિંગની કામગીરીને વિસ્તારવાનો નિર્ણય લેવાયો છે. સુરતને આગામી ચોમાસામાં ખાડી પૂરથી બચાવવા ત્રણેય મુખ્ય ખાડીઓમાંથી કાંપ અને ગાદ દૂર કરવાની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
મીઠી ખાડીનું ટેન્ડર હાલ સ્ક્રુટિનીમાં છે. તેની સાથે વરાછા અને ભેદવાડ ખાડીની સફાઈ માટે પણ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી પૂરી થઈ ગઈ છે. ત્રણેય ખાડીઓમાંથી કાંપ અને ગાદ દૂર કરવા પાછળ અંદાજે રૂ. ૫૬.૩૭ કરોડનો ખર્ચ થવાનો છે.
ખાડી પૂર નિવારણના ટૂંકા ગાળાના આયોજનમાં મીઠી ખાડીને પ્રથમ તબક્કામાં લેવામાં આવી હતી. ૧૩ કિલોમીટરના વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ ઊંડાઈ સુધી ડ્રેજિંગ કરવાનું નક્કી કરાયું છે. આ કામગીરી માટે રાજ્ય સરકારે ટેન્ડર પ્રસિદ્ધ થાય તે પહેલાં જ રૂ. ૩૧.૩૭ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે. ખાડીના પટમાં વર્ષોથી જમા થયેલો કાંપ, કાદવ અને અન્ય અવરોધો દૂર કરીને પાણીના વહેણને સરળ બનાવવાનું આયોજન છે.
હવે વરાછા ખાડીના અંદાજે ૬.૫૦ કિલોમીટરના વિસ્તારમાં ડ્રેજિંગ માટે રૂ. ૧૦ કરોડ અને ભેદવાડ ખાડીના ૧૧ કિલોમીટરના પટ્ટામાંથી ગાદ દૂર કરવા માટે રૂ. ૧૫ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. બંને ખાડીઓ માટે ટૂંક સમયમાં ટેન્ડર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવશે.
ખાસ વાત એ છે કે આ વખતે ચોમાસું આવ્યા પછી સફાઈ શરૂ કરવાને બદલે અગાઉથી જ કામ હાથ ધરાઈ રહ્યું છે. જૂન-જુલાઈમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં ત્રણેય ખાડીઓમાં ડ્રેજિંગની કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ટેન્ડરથી લઈને કોન્ટ્રાક્ટ ફાળવણી અને વાસ્તવિક કામગીરી સુધીના તબક્કા ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી છે. ગત વર્ષના અનુભવે ખાડીમાં પાણીના વહેણમાં અવરોધ અને ગાદ જમા થવાના પ્રશ્નને ફરી કેન્દ્રમાં લાવી દીધો છે. હવે કરોડોના ખર્ચે થનારી આ કામગીરી આગામી ચોમાસામાં કેટલી રાહત આપે છે તેના પર અસરગ્રસ્ત વિસ્તારોની નજર રહેશે.