મારું શહેર

સુડા વિસ્તારમાં માળખાગત સુવિધાના પરફેકટ આયજોન માટે પ્રથમ જીઆઇએસ આધારિત સર્વે થશે

સુરત મહાનગરપાલિકા શહેરના વિસ્તરણ સાથે માળખાકીય સુવિધાઓ અને જળસ્ત્રોતોનું આયોજન વધુ ચોકસાઈથી થાય તે માટે શહેર તેમજ સુડા વિસ્તારનો પ્રથમવાર જીઆઇએસ આધારિત સર્વે કરાવવાની તૈયારી શરૂ કરી છે. કુલ ૭૨૨ ચોરસ કિલોમીટર (મનપાના ૪૬૨ ચો.કિ.મી. સહિત સુડા વિસ્તાર)માં થનાર આ સર્વેમાં ભૌગોલિક સ્થિતિથી માંડીને ભૂગર્ભ યુટિલિટી નેટવર્ક સુધીની વિગતો એકત્રિત કરી ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. આ કામગીરી પાછળ અંદાજે રૂ. ૩.૫૦થી ૪ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

સર્વેમાં સ્ટોર્મ વોટર, ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇનો કયા માર્ગે પસાર થાય છે, તેનું નેટવર્ક કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે તથા ક્યાં જોડાય છે તેની માહિતી મેળવવામાં આવશે. રસ્તા, ઇમારતો, રહેણાંક વિસ્તારો અને ખુલ્લી જગ્યાઓનું એરિયલ મેપિંગ પણ કરાશે. અલગ-અલગ વિભાગોમાં છૂટી પડેલી માળખાકીય વિગતોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાનો આ પ્રયાસ છે.

ચોમાસામાં ખાડી પૂરની સ્થિતિ વારંવાર પડકાર ઊભો કરતી હોવાથી વોટર બોડીઝ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે. ખાડી, નહેર અને નદીની ભૌગોલિક સ્થિતિ, ઊંડાઈ અને તળિયાની રચના જાણવા બેથિમેટ્રિક સર્વે કરવામાં આવશે. કઈ ખાડી કયા વિસ્તારમાંથી પસાર થાય છે, તેના વળાંક ક્યાં છે અને આસપાસના વિસ્તારો પર કેવી અસર થઈ શકે તેની વિગતો એકત્રિત થશે. આધુનિક સોનાર ટેક્નોલોજીની મદદથી પાણીના તળિયાની ઊંચાઈ-નીચાઈ, કાંપના જથ્થા અને પ્રવાહમાં અવરોધની શક્યતા વિશે માહિતી મળશે, જે ડ્રેજિંગ અને પૂર નિયંત્રણના આયોજનમાં ઉપયોગી બનશે.

વોટર બોડીઝની આસપાસની જમીન સરકારી છે કે ખાનગી અને કયા વિભાગના હસ્તક છે તે જાણવા લેન્ડ પાર્સલ સર્વે પણ હાથ ધરાશે. આથી જળસ્ત્રોતોની આસપાસની જમીન અને વહીવટી હક અંગેની સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ થશે. ભવિષ્યમાં ખાડી સફાઈ, ડ્રેજિંગ, પૂર નિયંત્રણ, ડ્રેનેજ નેટવર્ક અને શહેરી વિકાસના પ્રોજેક્ટ તૈયાર કરતી વખતે આ ડેટા આધારરૂપ બની શકે છે.

મનપા તંત્રએ આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. ટૂંક સમયમાં ટેન્ડર નોટિસ પ્રસિદ્ધ કરીને એજન્સીને કામગીરી સોંપવામાં આવશે. સર્વેના અહેવાલના આધારે સુરત શહેર અને સુડા વિસ્તારની વર્તમાન સ્થિતિનો એક સંકલિત ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે, જે આગામી વર્ષોમાં વિકાસલક્ષી આયોજન માટે મજબૂત આધાર પૂરો પાડશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો