મારું શહેર

ઉઘના-ભેસ્તાન રોડની કંપનીના વોટર પ્લાન્ટમાં આગ, સાયરન વાગતા દોડધામ

ઉઘના-ભેસ્તાન રોડ સ્થિત નવીન ફ્લોરાઈડ ઈન્ટરનેશનલ કંપનીમાં આજે બપોરે વોટર પ્લાન્ટ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગને પગલે કંપનીમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, સ્મોક ડિટેક્ટર દ્વારા ચેતવણી મળતાં જ વોર્નિંગ સાયરન વાગી હતી અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતાં ઉઘના અને ભેસ્તાન ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ફાયર સબ ઓફિસર વિજય સોલંકીએ જણાવ્યું હતું કે, બપોરે 12:30 કલાકે ફાયર કંટ્રોલ રૂમ તરફથી કોલ મળ્યો હતો કે કંપનીના વોટર ઇન્સ્યુલેશન એરિયામાં આગ લાગી છે. જેથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. કંપનીના જે વિસ્તારમાં આગ લાગી હતી ત્યાં વેસ્ટેજ કચરાનો ઢગલો હતો, જેમાંથી ધુમાડો નીકળ્યો હતો. ધુમાડો સ્મોક ડિટેક્ટરમાં નોંધાતાં જ ચેતવણીરૂપે વોર્નિંગ સાયરન વાગી હતી.સાયરન વાગતાં જ કંપનીના કર્મચારીઓ સતર્ક થઈ ગયા હતા. બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમ પણ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમયસર ફાયર બ્રિગેડ પહોંચી જતાં આગ વધુ પ્રસરે તે પહેલાં જ સ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી અને જાનહાનિ થતાં રહી ગઈ હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો