મારું શહેર

21 દિવસના વેકેશન બાદ કાલથી શાળાઓમાં ફરી કિલકિલાટ ગૂંજશે

દિવાળીના ૨૧ દિવસના લાંબા વેકેશન બાદ ૨૬ નવેમ્બરથી શહેરની શાળાઓ ફરી વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠશે. વેકેશન દરમિયાન સૂમસામ બનેલા શાળાના પરિસરોમાં ફરી એકવાર બાળકોની ચહલપહલ જોવા મળશે. બીજી તરફ શહેરના રસ્તાઓ પર વહેલી સવારથી જ સ્કૂલ બસો, વાન અને રિક્ષાઓની અવરજવર શરૂ થશે. વેકેશનના કારણે બદલાઈ ગયેલી વાલીઓ અને વિદ્યાર્થીઓની દિનચર્યા પણ હવે ફરી રાબેતા મુજબ બનશે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ સત્રની શરૂઆત ૮ જૂનથી થઈ હતી. પ્રથમ સત્રમાં ૧૨૦ કાર્યકારી દિવસો બાદ ૪ નવેમ્બરના રોજ શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયું હતું. ત્યારબાદ ૫ નવેમ્બરથી ૨૫ નવેમ્બર સુધી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. હવે વેકેશન પૂર્ણ થતાં આજથી શાળાઓમાં દ્વિતીય સત્રનો પ્રારંભ થશે. દ્વિતીય સત્ર ૨૬ નવેમ્બરથી શરૂ થઈને ૨ મે, ૨૦૨૭ સુધી ચાલશે.

આ સત્રમાં વિદ્યાર્થીઓને કુલ ૧૨૪ દિવસ શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે, જ્યારે રવિવાર સહિત કુલ ૩૪ દિવસ જાહેર રજાઓ રહેશે. શાળાઓમાં લાંબા વેકેશન બાદ પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ મિત્રો સાથે ફરી મળશે અને વર્ગખંડોમાં અભ્યાસની પ્રવૃત્તિઓનો ધમધમાટ શરૂ થશે. બીજી તરફ કોલેજોમાં પણ દિવાળી વેકેશન પૂર્ણ થતાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થશે. જોકે, કોલેજોના વિદ્યાર્થીઓ માટે વેકેશન બાદ તરત જ યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થવાની હોવાથી અભ્યાસ અને પરીક્ષાની તૈયારીનો માહોલ જોવા મળશે. આમ, ૨૧ દિવસના વિરામ બાદ શાળા-કોલેજોમાં ફરી શિક્ષણનું નિયમિત ચક્ર ગતિમાન બનશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો