મારું શહેર

હવે ખાનગી શાળાના શિક્ષકોએ પણ વસ્તી ગણતરી કરવા જવું પડશે!

વસ્તી ગણતરી-૨૦૨૭ની કામગીરી માટે સુરત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. વસ્તી ગણતરીના બીજા તબક્કાની કામગીરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝરોની નિમણૂક કરવાની હોવાથી હવે શહેર અને જિલ્લામાં આવેલી સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓની વિગતો મંગાવવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તમામ ખાનગી શાળાઓના આચાર્યો અને સંચાલકોને પરિપત્ર પાઠવી સાત દિવસમાં સંપૂર્ણ માહિતી મોકલી આપવા તાકીદ કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાના તા. ૧૮ નવેમ્બર, ૨૦૨૬ના પત્રના સંદર્ભમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ સૂચના આપવામાં આવી છે. વસ્તી ગણતરી-૨૦૨૭ના બીજા તબક્કાની કામગીરી ૨૫ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝરોની નિમણૂક કરવાની સાથે તેમને જરૂરી તાલીમ પણ આપવાની રહેશે. આ માટે ખાનગી શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ, શાળાઓએ ચોથા વર્ગના કર્મચારીઓને બાદ કરતાં તમામ શિક્ષકો અને કર્મચારીઓના નામ, ફોન નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર સહિતની સંપૂર્ણ વિગતો નિયત પત્રકના કોલમ ૧થી ૨૨માં ભરવાની રહેશે. ખાસ કરીને કોઈ કર્મચારીનું નામ યાદીમાં રહી ન જાય તેની તકેદારી રાખવાની રહેશે. આ સાથે તમામ કર્મચારીઓનો સમાવેશ થયો હોવા અંગે સંબંધિત શાળાના આચાર્યનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે. તમામ વિગતો માઇક્રોસોફ્ટ એક્સેલમાં અંગ્રેજી ભાષામાં તૈયાર કરી તેની સોફ્ટ કોપી અને બે નકલમાં હાર્ડ કોપી સુરત મહાનગરપાલિકાના ચૂંટણી અને વસ્તી ગણતરી વિભાગના સ્પેશિયલ ઓફિસર, રૂમ નંબર-૧૨માં સાત દિવસમાં જમા કરાવવાની રહેશે. સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને પણ તેની જાણ કરવાની રહેશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો