ધર્મ

ધાર્મિક સ્વતંત્રતાના સમર્થનમાં ઇટાલીના વિદેશ મંત્રાલયનું મકાન લાલ રંગે ઝળહળ્યું! અનોખી પહેલથી વિશ્વનું ધ્યાન ખેંચાયું

વિશ્વના અનેક દેશોમાં ધાર્મિક સ્વતંત્રતા સામે ઊભા થતા પડકારો તરફ ધ્યાન દોરવા ઇટાલીએ એક પ્રતીકાત્મક પહેલ કરી છે. 20 નવેમ્બરે રોમ સ્થિત ઇટાલીના વિદેશ મંત્રાલયના મુખ્યાલય ‘ફાર્નેસિના’ને લાલ રંગની રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ‘રેડ વીક 2026’ અભિયાનના ભાગરૂપે કરવામાં આવેલી આ પહેલનો હેતુ ધાર્મિક માન્યતાઓના આધારે થતા ભેદભાવ, અત્યાચાર અને સ્વતંત્રતા પરના પ્રતિબંધો અંગે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવાનો છે. લાલ રંગ ધાર્મિક શ્રદ્ધા માટે બલિદાન આપનારા લોકોના સંઘર્ષ અને બલિદાનનું પ્રતીક છે 

આ અભિયાનનું આયોજન પોન્ટિફિકલ ફાઉન્ડેશન ‘એઇડ ટુ ધ ચર્ચ ઇન નીડ’ (ACN) દ્વારા કરવામાં આવ્યું છે. આ સંસ્થા વિશ્વભરમાં ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અને ખાસ કરીને સતાવણીનો સામનો કરતા ખ્રિસ્તી સમુદાયોની સ્થિતિ અંગે જાગૃતિ ફેલાવવા કાર્યરત છે. ઇટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાનીએ નેપલ્સમાં યોજાયેલા ‘મેડિટેરેનિયન ડાયલોગ્સ 2026’ દરમિયાન મંત્રાલયની ઇમારતને લાલ રંગે પ્રકાશિત કરવાની જાહેરાત કરી હતી. 

413 મિલિયન ખ્રિસ્તીઓ ધાર્મિક સ્વતંત્રતાના સંકટનો સામનો કરી રહ્યા છે

ઇટાલીના વિદેશ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, વિશ્વમાં આશરે 41.3 કરોડ (413 મિલિયન) ખ્રિસ્તીઓ એવા દેશોમાં રહે છે જ્યાં ધાર્મિક સ્વતંત્રતાનું ગંભીર ઉલ્લંઘન થાય છે. તેમાંથી લગભગ અડધા લોકો સીધી ધાર્મિક સતાવણીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ, ACNના આંકડા અનુસાર વિશ્વના 62 દેશોમાં ધાર્મિક સ્વતંત્રતા પર પ્રતિબંધો છે અને આશરે 5.4 અબજ લોકો એવા દેશોમાં રહે છે જ્યાં આ મૂળભૂત અધિકાર પર ગંભીર નિયંત્રણો છે. 

ધાર્મિક સહિષ્ણુતા અને સંવાદનો સંદેશ

ઇટાલીના વિદેશ મંત્રી તાજાનીએ જણાવ્યું હતું કે ધર્મ અને માન્યતાની સ્વતંત્રતાનું રક્ષણ ઇટાલીની વિદેશ નીતિની પ્રાથમિકતાઓમાં સામેલ છે. તેમના મતે, ધાર્મિક અસહિષ્ણુતા, નફરત અને ભેદભાવ સામે લડવા માટે દ્વિપક્ષીય તથા આંતરરાષ્ટ્રીય મંચો પર પ્રયાસો જરૂરી છે.

આ પહેલ માત્ર ખ્રિસ્તી સમુદાયોની સ્થિતિ તરફ ધ્યાન દોરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ દરેક વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા અનુસાર જીવવાનો અધિકાર મળે તેવા વ્યાપક સંદેશ સાથે જોડાયેલી છે. લાલ પ્રકાશ દ્વારા ઇટાલીએ ધાર્મિક સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના મુદ્દાને જાહેર ચર્ચામાં લાવવાનો પ્રયાસ કર્યો છે.


ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો