મારું શહેર

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સૌથી પહેલા તૈયાર થયું સુરત સ્ટેશન, નવા ફોટા જાહેર

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતે ફરી બાજી મારી છે. આખા પ્રોજેક્ટમાં સૌથી પહેલા તૈયાર થયેલું સ્ટેશન સુરતનું છે. રેલવેએ સુરત બુલેટ ટ્રેન સ્ટેશનના નવા ફોટા જાહેર કર્યા છે, અને ફોટા જોતાં જ ખ્યાલ આવે છે કે આ સ્ટેશન નથી, પણ ડાયમંડ સિટીની નવી ઓળખ છે.

જાહેર થયેલા ફોટામાં સ્ટેશનનો ભવ્ય ફસાડ, ચમકતો ઇન્ટિરિયર, વિશાળ કોન્કોર્સ, સ્કાયલાઈટથી આવતો કુદરતી પ્રકાશ અને એરપોર્ટ જેવી સુવિધાઓ સ્પષ્ટ દેખાય છે. સુરત-બારડોલી રોડ પર અંત્રોલી ગામ પાસે બનેલું આ સ્ટેશન હવે લગભગ સંપૂર્ણ તૈયાર છે.
હીરા જેવું સ્ટેશન
સુરત હીરા માટે જાણીતું છે, એટલે જ સ્ટેશનની ડિઝાઇન હીરાની ફેસેટ પરથી બનાવાઈ છે. બહારથી જોતાં સ્ટેશન હીરાના પાસાની જેમ ચમકે છે. ફોટામાં આ ડિઝાઇન સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે.

નવા ફોટામાં શું-શું દેખાયું?
ફોટામાં જોવા મળે છે કે,58,352 ચો.મી.માં ફેલાયેલું 3 લેવલનું ભવ્ય સ્ટેશન. ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ, પિક એન્ડ ડ્રોપ બે, સિક્યોરિટી ચેક, કોન્કોર્સ લેવલ પર એરકન્ડિશન્ડ વેઇટિંગ લાઉન્જ, ટિકિટ કાઉન્ટર, ટિકિટ વેન્ડિંગ મશીન, કિઓસ્ક, કસ્ટમર કેરનર્સરી, બેબી ફીડિંગ રૂમ, ફર્સ્ટ એઈડ રૂમપ્લેટફોર્મ લેવલ પર AFC ગેટ, દરેક પ્લેટફોર્મ માટે અલગ લિફ્ટ-એસ્કેલેટર, 2 આઈલેન્ડ પ્લેટફોર્મ અને 4 ટ્રેકમુસાફરો માટે એરપોર્ટ જેવો અનુભવ. ફોટામાં સ્ટેશનની અંદરની સુંદરતા સ્પષ્ટ દેખાય છે. સ્કાયલાઈટથી કુદરતી પ્રકાશ, વેન્ટિલેશન, ગ્રેનાઈટ ફ્લોરિંગ, લેકર્ડ ગ્લાસ ક્લેડિંગ, સ્ટેનલેસ સ્ટીલ પેનલ્સ અને ફાયર-રેટેડ ACPથી સ્ટેશનને પ્રીમિયમ લૂક આપવામાં આવ્યો છે. વડીલો, દિવ્યાંગો અને બાળકો સાથેના પરિવારો માટે રેમ્પ, એક્સેસિબલ ટોયલેટ, ટેક્ટાઇલ પાથવે, બ્રેઈલ સાઈનેજની વ્યવસ્થા ફોટામાં પણ દેખાય છે.

કેટલું મોટું છે સ્ટેશન?

કુલ ઊંચાઈ: 26.3 મીટર

કુલ બિલ્ટ-અપ એરિયા: 58,352 ચો.મી.

2 આઈલેન્ડ પ્લેટફોર્મ અને 4 ટ્રેક સાથેનું ઓલ-સ્ટોપ સ્ટેશન

ત્રણ લેવલમાં વહેંચાયેલું સ્ટેશન

1. ગ્રાઉન્ડ લેવલ: પાર્કિંગ, પિક એન્ડ ડ્રોપ બે (કાર, બસ, ઓટો), સિક્યોરિટી ચેક, લિફ્ટ, એસ્કેલેટર

2. કોન્કોર્સ લેવલ: વેઇટિંગ લાઉન્જ, રેસ્ટરૂમ, કિઓસ્ક, ટિકિટિંગ કાઉન્ટર, ટિકિટ વેન્ડિંગ મશીન, કસ્ટમર કેર

3. પ્લેટફોર્મ લેવલ: AFC ગેટથી સીધો પ્લેટફોર્મ પર પ્રવેશ, દરેક પ્લેટફોર્મ માટે અલગ લિફ્ટ-એસ્કેલેટર

મુસાફરો બંને બાજુથી ફ્રી કોન્કોર્સ એરિયાથી સ્ટેશનમાં પ્રવેશી શકશે. સિક્યોરિટી ચેક બાદ અનપેઇડ કોન્કોર્સમાં જઈ શકાશે. આ વિસ્તાર સંપૂર્ણ એરકન્ડિશન્ડ હશે.

વડીલો, દિવ્યાંગો અને બાળકો માટે ખાસ સુવિધા

સ્ટેશનમાં વડીલો, દિવ્યાંગો અને બાળકો સાથેના પરિવારોની ખાસ કાળજી લેવાઈ છે. નર્સરી, બેબી ફીડિંગ રૂમ, ફર્સ્ટ એઈડ, રેમ્પ, એક્સેસિબલ ટોયલેટ, ટેક્ટાઇલ પાથવે અને બ્રેઈલ સાઈનેજ જેવી સુવિધાઓ છે. સ્પષ્ટ સાઈનેજ, ઈન્ફોર્મેશન કિઓસ્ક, ટ્રેન ઈન્ફોર્મેશન ડિસ્પ્લે અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી મુસાફરોને ક્યાંય ભટકવું નહીં પડે.

મેટ્રો-બસ માત્ર 300 મીટર દૂર
સુરત મનપા અને સુડા સાથે મળીને સ્માર્ટ પ્રોજેક્ટ હેઠળ મલ્ટી-મોડલ ઇન્ટિગ્રેશન કરાયું છે. BRTS સ્ટોપ માત્ર 330 મીટર અને પ્રસ્તાવિત મેટ્રો સ્ટેશન માત્ર 280 મીટર દૂર છે. સુરત સ્ટેશન 11 કિ.મી., ચલથાણ સ્ટેશન 5 કિ.મી. અને NH-48 પણ 5 કિ.મી. દૂર છે.

ગ્રીન સ્ટેશન
IGBC મુજબ રેઈન વોટર હાર્વેસ્ટિંગ, લો-ફ્લો ફિટિંગ્સ, ઇકો-ફ્રેન્ડલી પેઇન્ટ, EV પાર્કિંગ, સ્થાનિક વૃક્ષો, ગાર્ડન અને શેડેડ વોક-વે પણ તૈયાર છે. બુલેટ ટ્રેનના રૂટ પર સુરત સ્ટેશન સૌથી પહેલા તૈયાર થતાં સુરતનું નામ ફરી આખા દેશમાં ગાજશે. ફોટા વાયરલ થયા બાદ સુરતવાસીઓ હવે બુલેટ ટ્રેનમાં બેસવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો