મારું શહેર

સફાઈ કામગીરી કાગળ પર નહીં, ફિલ્ડ પર દેખાવી જોઈએ: VMC કમિશનરની આકરી ટકોર

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરવા માટે યોજાયેલી રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની કામગીરી સામે આકરી નારાજગી વ્યક્ત કરી કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં સફાઈ વ્યવસ્થા અને ડ્રેનેજની વધતી જતી ફરિયાદોને લઈને કમિશનરે વોર્ડ ઓફિસરો, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને ઝોનલ હેડ્સનો ઉધડો લેતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હવે કામગીરી માત્ર કાગળ પર નહીં, પરંતુ ફિલ્ડ પર નક્કર રીતે દેખાવી જોઈએ.

​બેઠક દરમિયાન કમિશનરે અધિકારીઓની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા આકરી ટકોર કરી હતી કે, શું શહેરમાં ગંદકી કે કચરાના ઢગલા અંગે અધિકારીઓને ત્યારે જ ખબર પડે છે જ્યારે તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે? અધિકારીઓએ ઓફિસમાં બેસી રહેવાને બદલે નિયમિતપણે ફિલ્ડ પર ઉતરીને સફાઈ કામગીરીનું જાતે નિરીક્ષણ કરવું પડશે. સફાઈ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. આ સાથે જ, શહેરના જે સ્થળોએથી કચરો ઉપાડી લેવામાં આવે છે ત્યાં ફરીથી કચરાના ઢગલા થઈ જવાની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરતા કમિશનરે આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા આદેશ આપ્યો હતો. જાહેરમાં ગંદકી અને કચરો ફેંકનાર તત્વો સામે હવે કડક દંડનીય કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

​મહાનગરપાલિકાના ફરિયાદ નિવારણ તંત્રમાં ફોન કોલ મારફતે ડ્રેનેજની ફરિયાદોનો મોટો રાફડો ફાટ્યો હોવાની વિગતો સામે આવતા કમિશનરે ડ્રેનેજની સમસ્યાઓનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવા તાકીદ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ડ્રેનેજ અને સફાઈની ફરિયાદોના નિરાકરણ માટે માત્ર એન્જિનિયરો જ નહીં, પરંતુ સંબંધિત ઝોનલ હેડ પણ સીધા જવાબદાર રહેશે. નાગરિકોની ફરિયાદોને અત્યંત ગંભીરતાથી લઈને અધિકારીઓએ સ્થળ પર જઈને તેનું યોગ્ય નિરાકરણ લાવવું પડશે, અને જો સમયમર્યાદામાં ફરિયાદનો ઉકેલ નહીં આવે તો જવાબદાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

​નકારાત્મક ટીકાઓ વચ્ચે સકારાત્મક અભિગમ અપનાવવાનું સૂચન કરતા કમિશનરે જણાવ્યું હતું કે જ્યારે મહાનગરપાલિકા દ્વારા કોઈ વિસ્તારમાં સારી સફાઈ કે સુધારાની કામગીરી કરવામાં આવે, ત્યારે તેના 'બીફોર અને આફ્ટર' ફોટોગ્રાફ્સ પાલિકાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવા જોઈએ, જેથી લોકો સુધી તંત્રની સારી કામગીરીની માહિતી પણ પહોંચી શકે. સમગ્ર બેઠકમાં સ્વચ્છતા અને ડ્રેનેજ મુદ્દે કમિશનર એક્શન મોડમાં જોવા મળતા પાલિકાના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો