મારું શહેર

સુરત-વાપી વચ્ચે બનશે પશ્ચિમ રેલવેનું પહેલું બલ્ક સિમેન્ટ ટર્મિનલ

સુરત: સુરત-વાપી વચ્ચે પશ્ચિમ રેલવેનું પહેલું બલ્ક સિમેન્ટ હેન્ડલિંગ ટર્મિનલ (BCHT) બનવા જઈ રહ્યું છે. આ માટે ઉદવાડામાં 50 હજાર ચોરસ મીટર રેલવે જમીન પર મોટું લોજિસ્ટિક હબ વિકસાવવામાં આવશે. આ ટર્મિનલના નિર્માણ અને સંચાલનની જવાબદારી અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડને સોંપવામાં આવી છે. કંપનીને 19 નવેમ્બર 2026ના રોજ લેટર ઓફ એક્સેપ્ટન્સ (LOA) આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, આ પ્રોજેક્ટથી રેલવેને દર વર્ષે ઓછામાં ઓછા 76.65 કરોડ રૂપિયાનું માલભાડું મળવાની ગેરંટી રહેશે.

રેલવેને ખર્ચ વગર મળશે ટર્મિનલ

આ ટર્મિનલનું સંપૂર્ણ બાંધકામ કંપની પોતાના રોકાણથી કરશે. એટલે કે ટર્મિનલ તૈયાર કરવા માટે રેલવેને બાંધકામ પાછળ એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે. નવી બલ્ક સિમેન્ટ હેન્ડલિંગ ટર્મિનલ નીતિ હેઠળ રેલવેની જમીનનો વ્યાવસાયિક ઉપયોગ કરીને ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ માટે કંપનીએ જમીનની કિંમતના 1.5% વાર્ષિક લીઝ ભાડું આપવું પડશે.

જુલાઈમાં પ્રસ્તાવ, નવેમ્બરમાં કોન્ટ્રાક્ટ

13 જુલાઈ 2026: અલ્ટ્રાટેક સિમેન્ટ તરફથી રેલવેને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) મળ્યો

19 સપ્ટેમ્બર: IREPS પોર્ટલ પર ટેન્ડર બહાર પડ્યું

19 ઓક્ટોબર: ટેન્ડર ખોલવામાં આવ્યું

19 નવેમ્બર: કંપનીને કોન્ટ્રાક્ટ ફાળવાયો

સિમેન્ટની હેરાફેરીમાં આવશે ઝડપ

આ ટર્મિનલથી સિમેન્ટની રેલ આધારિત હેરાફેરીને વેગ મળશે. માલની લોડિંગ-અનલોડિંગ અને પરિવહન વ્યવસ્થા વધુ વ્યવસ્થિત બનશે. સાથે જ રોડ પરિવહન પરની નિર્ભરતા ઘટશે અને રેલવેની માલ હેરાફેરીમાં સિમેન્ટનો હિસ્સો વધશે. રેલવેનું લક્ષ્ય 2030 સુધીમાં 3000 મિલિયન ટન માલ હેરાફેરી હાંસલ કરવાનું છે. આ ટર્મિનલ તે દિશામાં મહત્ત્વનું પગલું ગણાય છે. સુરત-વાપી પટ્ટો ઔદ્યોગિક રીતે ખૂબ મહત્ત્વનો છે. અહીં સિમેન્ટની માંગ સતત વધી રહી છે. આ ટર્મિનલ બન્યા બાદ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને સસ્તા અને ઝડપી પરિવહનનો લાભ મળશે, સાથે રેલવેની આવકમાં પણ મોટો વધારો થશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો