મારું શહેર

તું મારા માટે લકી છે’ તેમ કહી વિશ્વાસ જીત્યો, વિદેશી ગિફ્ટની લાલચ આપી વિધવા મહિલા સાથે રૂ.14.59 લાખની ઠગાઈ

સોશિયલ મીડિયા પર અજાણ્યા શખ્સની મીઠી વાતો અને વિદેશી ગિફ્ટની લાલચ વાઘોડિયા તાલુકાના પીપળીયા સ્થિત પ્રાઇમ વાટિકામાં રહેતી 30 વર્ષીય વિધવા મહિલા માટે લાખો રૂપિયાની મુસીબત બની ગઈ હતી. ફેસબુક પર ઓળખાણ કેળવી વોટ્સએપ સુધી પહોંચેલા ઠગે ‘તું મારા માટે લકી છે’ કહી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ યુકેમાં કારનો શોરૂમ ખોલ્યો હોવાની વાત કરી મોંઘી ગિફ્ટ, સોનું અને ડોલર મોકલવાની લાલચ આપી હતી. જોકે, ગિફ્ટની રાહ જોતી મહિલાને કસ્ટમ ક્લિયરન્સ, ડિલિવરી ચાર્જ અને NOCના નામે વારંવાર નાણાં ભરવાનું કહેવામાં આવ્યું હતું. આખરે વિદેશી પાર્સલ તો મળ્યું નહીં, પરંતુ અલગ-અલગ બેંક ખાતાંમાં ટુકડે-ટુકડે રૂ.14.59 લાખ ટ્રાન્સફર કરાવી સાયબર ઠગોએ મહિલા સાથે છેતરપિંડી આચરી હતી.

વાઘોડિયા તાલુકાના પીપળીયા સ્થિત પ્રાઇમ વાટિકામાં રહેતી 30 વર્ષીય ગૃહિણી સાથે આ છેતરપિંડી થઈ હતી. આશરે ત્રણ મહિના પહેલાં મહિલાને ફેસબુક પર અંકિત પટેલ નામના શખ્સનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ હતી. બે મહિના પહેલાં અંકિતે વોટ્સએપ કોલ કરીને પોતે યુકેમાં કારનો શોરૂમ ખોલ્યો હોવાનું જણાવ્યું હતું. મહિલાને લકી ગણાવી તેના માટે વિદેશથી ખાસ ગિફ્ટ મોકલવાની વાત કરી આધારકાર્ડનો ફોટો પણ મેળવી લીધો હતો.

આરોપીઓએ સાતેક દિવસ બાદ કસ્ટમ ઓફિસર બની મહિલાનો સંપર્ક કર્યો હતો અને યુકેથી આવેલું પાર્સલ છોડાવવા રૂ.5 હજાર ભરવાનું કહ્યું હતું. મહિલાએ QR કોડ મારફતે નાણાં ચૂકવ્યા બાદ અંકિતે ડિલિવરી ચાર્જ અને કાગળોના ખર્ચના નામે વધુ રૂ.1,500 અને રૂ.2,500 પડાવ્યા હતા. ત્યારબાદ પાર્સલમાં સોનું અને ડોલર હોવાનું જણાવી NOC મેળવવાના બહાને વધુ નાણાંની માંગણી શરૂ કરી હતી.

આ રીતે આરોપીઓએ અલગ-અલગ તારીખે આપેલા વિવિધ બેંક ખાતાઓમાં RTGS મારફતે રૂ.14.50 લાખ અને UPI મારફતે રૂ.9 હજાર મળી રૂ.14.59 લાખ પડાવી લીધા હતા. લાંબા સમય સુધી ગિફ્ટ નહીં મળતાં અને નાણાં પરત નહીં આવતાં મહિલા સાથે છેતરપિંડી થઈ હતી. આ મામલે મહિલાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો