મારું શહેર

GST-DGGI-CGSTની તપાસ, સર્ચ કે પૂછપરછ દરમિયાન દરોડામાં CCTV બંધ હશે તો કાર્યવાહી ગેરકાયદે ગણાશે

વેપારીઓ માટે મહત્ત્વના સમાચાર છે. GST-DGGI-CGSTની તપાસ, સર્ચ કે પૂછપરછ દરમિયાન હવે CCTV કેમેરા ફરજિયાત છે. જો CCTV બંધ હોય, ફૂટેજ ન મળે કે રાત્રે પૂછપરછ થાય, તો તે કાર્યવાહીને કોર્ટમાં પડકારી શકાશે. આ અંગેના સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના તમામ મહત્ત્વના ચુકાદાઓનું કેસ કમ્પાઇલેશન "સીસીટીવી સેફગાર્ડસ ઈન ધ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઈન્વેસ્ટિગેશન" બહાર પડ્યું છે, જે CA, વકીલો અને વેપારીઓ માટે ખાસ ઉપયોગી થશે.

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્સટાઈલ માર્કેટ, ડાયમંડ યુનિટ અને એમ્બ્રોયડરી એકમો પર DGGI અને CGSTની અનેક તપાસ થઈ છે. ઘણીવાર વેપારીઓ ફરિયાદ કરે છે કે, તપાસમાં દબાણ કરીને નિવેદન લેવાય છે, લાંબા કલાકો સુધી બેસાડી રખાય છે. આ પુસ્તક આવા જ કેસોમાં વેપારીઓને કાનૂની રક્ષણ આપશે.

વેપારી માટે શું કામનું?

- CCTV વગર નિવેદન નહીં: સુપ્રીમ કોર્ટના પરમવીર સિંગ સૈની કેસ મુજબ DGGI, CGST, DRI, ED સહિતની તપાસ એજન્સીની ઓફિસમાં જ્યાં પૂછપરછ થાય છે ત્યાં CCTV ફરજિયાત છે. ફૂટેજ ઓછામાં ઓછા 6 મહિના સાચવવું પડે. કોઈ ઓફિસમાં CCTV બંધ હશે તો તેને કોર્ટમાં મજબૂત ગ્રાઉન્ડ બનાવી શકાશે.

- રાત્રે પૂછપરછ નહીં: પંજાબ-હરિયાણા હાઈકોર્ટે DGGI કેસમાં CCTV બંધ હોવા, રાત્રે નિવેદન લેવા અને 30 કલાક કસ્ટડીમાં રાખવા બદલ ધરપકડને ગેરકાયદે ઠેરવી હતી. ઓફિસ ટાઈમમાં જ નિવેદન આપવાનો અધિકાર છે.

- ઘરના CCTVની પ્રાઈવસી: દિલ્હી હાઈકોર્ટના જીનીસીસ એન્ટરપ્રાઈઝ કેસમાં કોર્ટે કહ્યું કે, ઘરના CCTVની હાર્ડ ડિસ્ક પરિવારના સભ્યની હાજરીમાં જ જોવાશે. જરૂરી ભાગ જ કોપી થશે, બાકીનું ફૂટેજ પરત અપાશે. ઘરે સર્ચ થાય ત્યારે આ ચુકાદો પરિવારની પ્રાઈવસી બચાવશે.

- વકીલનો અધિકાર: પૂછપરછ દરમિયાન વકીલને વિઝ્યુઅલ રેન્જમાં રહેવાનો અધિકાર છે.

- BNSS કલમ-105: સર્ચ-સીઝરનું રેકોર્ડિંગ ફરજિયાત છે.

સુરતના CAનું શું કહેવું છે?

સુરતના ટેક્સ પ્રેક્ટિશનરોનું કહેવું છે કે, હવે કોઈ પણ તપાસમાં વેપારીએ પહેલા CCTV ચાલુ છે કે નહીં તેની ખાતરી કરવી, ફૂટેજની માંગ લેખિતમાં કરવી અને નિવેદનની કોપી લેવી જોઈએ. આ કમ્પાઇલેશનમાં રેકોર્ડિંગ, પ્રિઝર્વેશન અને પ્રાઈવસીના તમામ કેસ એક જગ્યાએ મળશે, જેનાથી વેપારીને કોર્ટમાં બચાવ કરવામાં સરળતા રહેશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો