મનોરંજન

રિલીઝ પહેલાં જ ‘Eetha’એ રચ્યો ઇતિહાસ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મેળવ્યું સ્થાન અને સન્માન

શ્રદ્ધા કપૂર પોતાની આગામી ફિલ્મ ‘Eetha’ને લઈને ચર્ચામાં છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 4 ડિસેમ્બરે રિલીઝ થશે, જેમાં શ્રદ્ધા જાણીતા લાવણી કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરની ભૂમિકામાં જોવા મળશે. રિલીઝને હજુ એક અઠવાડિયાથી વધુ સમય બાકી છે, ત્યારે જ ફિલ્મે મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ‘Eetha’ના પ્રથમ ગીત ‘જી જી રે જી’નું નામ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું છે.

પુણેમાં યોજાયો હતો ઈવેન્ટ
પુણેની ઝીલ યુનિવર્સિટીમાં ‘ઈઠા’નો પ્રમોશનલ ઈવેન્ટ યોજાયો હતો, જેમાં શ્રદ્ધા કપૂર અને નિર્દેશક લક્ષ્મણ ઉતેકર હાજર રહ્યા હતા. આ દરમિયાન પરંપરાગત વેશભૂષામાં સજ્જ સેંકડો મહિલાઓએ એકસાથે લગભગ એક મિનિટ સુધી ‘જી જી રે જી’ ગીતના લાવણી હૂક સ્ટેપ કર્યા હતા.
આયોજન દરમિયાન એશિયા બુક ઓફ રેકોર્ડ્સના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમણે આ નવા રેકોર્ડની જાહેરાત કરી અને ત્યારબાદ મેડોક ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ તેમજ કઠપૂતલી ક્રિએશન્સ મહારાષ્ટ્રને સન્માન આપ્યું.
શ્રદ્ધા કપૂર અને લક્ષ્મણ ઉતેકરને અપાયું સર્ટિફિકેટ
આ કાર્યક્રમમાં હાજર એશિયા બુક ઓફ રેકોર્ડ્સના અધિકારીઓએ શ્રદ્ધા કપૂર, લક્ષ્મણ ઉતેકર અને ફિલ્મની ટીમને સર્ટિફિકેટ સાથે ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કર્યા હતા. ત્યારબાદ શ્રદ્ધાએ ઈવેન્ટમાં ભાગ લેનારી મહિલાઓ અને અન્ય સહભાગીઓ સાથે તસવીરો પડાવી હતી. આ પ્રસંગે શ્રદ્ધા પરંપરાગત નૌવારી સાડીમાં જોવા મળી હતી. એમરાલ્ડ ગ્રીન રંગની નૌવારી સાડીમાં શ્રદ્ધા કપૂરનો લુક ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. તેણે ટ્રેડિશનલ જ્વેલરી અને કોલ્હાપુરી ચંપલ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. એટલું જ નહીં, શ્રદ્ધાએ સ્ટેજ પર પોતાના ગીતના હૂક સ્ટેપ્સ કરીને લાવણીની સુંદર ઝલક પણ રજૂ કરી હતી, જેના કારણે કાર્યક્રમનો ઉત્સાહ વધી ગયો હતો.

ક્યારે રિલીઝ થશે ‘Eetha’?
લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી ‘Eetha’ 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ મહારાષ્ટ્રનાં જાણીતા તમાશા અને લાવણી કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવનથી પ્રેરિત છે. ફિલ્મનું પ્રથમ ગીત ‘જી જી રે જી’ 17 નવેમ્બરે રિલીઝ થયું હતું, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

નિર્દેશક લક્ષ્મણ ઉતેકરના જણાવ્યા મુજબ, આ ગીતના રિહર્સલ દરમિયાન શ્રદ્ધાએ પગમાં 4-4 કિલોના ઘૂંઘરૂ પહેર્યાં હતાં. તેના કારણે પગમાં સોજો અને મસલ ટિયર થતાં તેને લગભગ એક મહિનો આરામ કરવો પડ્યો હતો.

ગીતની કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી છે. ફિલ્મમાં શ્રદ્ધા સાથે રણદીપ હુડ્ડા, સિદ્ધાર્થ જાધવ અને ઝીશાન અય્યૂબ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો