ભારત

પુણે કોર્ટ બહાર હત્યાના આરોપી પર જીવલેણ હુમલો, હાથ કાપી ગોળીબાર કર્યો; 6 હુમલાખોરો ફરાર

બુધવારે બપોરે 1:15 વાગ્યે પુણેની શિવાજીનગર કોર્ટ બહાર હત્યાના આરોપી મંદાર મારુતિ કિવલે પર ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેના બંને હાથ કપાઈ ગયા હતા અને તેના પર ગોળીબાર પણ કરાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, છ હુમલાખોરો બે સ્કૂટર પર આવી હુમલો કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બે શખ્સો મંદાર પર કુહાડીથી વારંવાર હુમલો કરતા જોવા મળે છે. લોહીલુહાણ હાલતમાં મંદાર લથડતા પગે રસ્તો ઓળંગી ફૂટપાથ પર ઢળી પડ્યો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી બે પિસ્તોલ અને એક મેગઝિન જપ્ત કર્યા હતા.

મંદાર ચાર દિવસ પહેલાં જ જેલમાંથી મુક્ત થયો હતો
મંદાર કિવલે એપ્રિલ 2025માં પુણેના સંતોષનગર-કાત્રજ વિસ્તારમાં થયેલી શુભમ સુભાષ ચવ્હાણની હત્યાના કેસમાં આરોપી હતો. પોલીસ મુજબ, જમીન અને પૈસાના વિવાદને કારણે આ હત્યા થઈ હતી. આ કેસમાં જેલમાં રહેલો મંદાર ચાર દિવસ પહેલાં જ મુક્ત થયો હતો. પોલીસને શંકા છે કે જૂની દુશ્મનીને કારણે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસનું નિવેદન: ગોળી વાગ્યાના કોઈ નિશાન મળ્યા નથી
પુણે પોલીસના જણાવ્યા મુજબ, કોર્ટ પરિસરમાં તૈનાત કર્મચારીઓએ ઘાયલ મંદારને સસૂન હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોને તેના શરીર પર ધારદાર હથિયારની ઈજાઓ મળી છે, પરંતુ ગોળી વાગ્યાના કોઈ નિશાન મળ્યા નથી. પોલીસે ઘટનાસ્થળેથી બે હથિયારો જપ્ત કર્યા છે.DCP (ક્રાઈમ) ગૌહર હસને જણાવ્યું કે શંકાસ્પદોની ઓળખ થઈ ગઈ છે અને તેમને પકડવા માટે પોલીસ ટીમો કામે લાગી છે.

કોંગ્રેસ અને NCPએ સરકાર સામે ઉઠાવ્યા સવાલો
આ ઘટના બાદ કોંગ્રેસ અને NCP (SP)એ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નિશાન બનાવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા વિજય વડેટ્ટીવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે પુણેમાં ગુનાખોરી વધી રહી છે અને હવે કોર્ટની બહાર પણ હુમલા થઈ રહ્યા છે, જે ગુનેગારોમાં કાયદાનો ડર ન હોવાનો સંકેત આપે છે. NCP (SP)ના પ્રવક્તા ક્લાઇડ ક્રાસ્ટોએ પણ ગુનેગારોને કાયદાનો ડર ન હોવાનું જણાવી ફડણવીસને સક્રિય પગલાં લેવા અપીલ કરી હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો