કોઈ વ્યક્તિ તમારી સામે બગાસું ખાય અને થોડી જ ક્ષણોમાં તમને પણ બગાસું આવવા લાગે! રસપ્રદ વાત એ છે કે ઊંઘ કે થાક ન હોવા છતાં માત્ર કોઈને બગાસું ખાતા જોવાથી કે તેનો અવાજ સાંભળવાથી પણ આપણામાં આવી પ્રતિક્રિયા થઈ શકે છે. મનોવિજ્ઞાનમાં આ ઘટનાને 'Contagious Yawning' કહેવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે બગાસું ખરેખર ચેપી છે કે પછી તેની પાછળ મગજની કોઈ સામાજિક પ્રક્રિયા કામ કરે છે?
બગાસું માત્ર ઊંઘની નિશાની નથી!
સામાન્ય રીતે થાક કે કંટાળાને બગાસા સાથે જોડવામાં આવે છે, પરંતુ બીજાને જોઈને બગાસું આવવું એ અલગ પ્રકારની પ્રતિક્રિયા છે. આ ઘટના માત્ર દૃશ્ય પૂરતી સીમિત નથી; કેટલાક પ્રયોગોમાં બગાસાનો અવાજ સાંભળ્યા પછી પણ લોકોને બગાસું આવ્યું હોવાનું નોંધાયું છે.
બાળકોમાં આ પ્રતિક્રિયા ક્યારે વિકસે છે?
વર્ષ ૨૦૧૦માં 'Child Development'માં પ્રકાશિત એકથી છ વર્ષનાં ૧૨૦ બાળકો પરના અભ્યાસમાં આશરે ચાર વર્ષની ઉંમરથી Contagious Yawningમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ સૂચવે છે કે બીજાને જોઈને બગાસું આવવાની ક્ષમતા જન્મથી વિકસેલી હોતી નથી; બાળવિકાસ સાથે તે કેળવાય છે.
અજાણી વ્યક્તિ કરતાં પોતાના માણસનું બગાસું વધુ અસર કરે છે?
ઇટાલીના સંશોધકો ઇવાન નોર્શિયા અને એલિઝાબેટા પાલાગીએ ૨૦૧૧માં ૧૦૯ પુખ્ત વયના લોકોનું નિરીક્ષણ કર્યું હતું. તેમાં પરિવારજનો પ્રત્યે બગાસું આવવાની પ્રતિક્રિયા સૌથી વધુ જોવા મળી, ત્યારબાદ મિત્રો, પરિચિતો અને અજાણ્યા લોકોનો ક્રમ હતો.
તેવી જ રીતે, ૨૦૨૦ના એક અભ્યાસમાં ૨૯૪ શ્રાવ્ય બગાસાંનું વિશ્લેષણ કરતાં જણાયું કે માત્ર અવાજ સાંભળીને (જેમ કે ફોન પર) પણ બગાસું આવી શકે છે—અને અહીં પણ પરિવારજનો તથા મિત્રો વચ્ચે આ પ્રતિક્રિયા વધુ જોવા મળી હતી.
શું બગાસું આવવું એટલે વધુ સહાનુભૂતિ હોવી?
ઘણા માને છે કે બીજાને જોઈને બગાસું આવવું એ 'Empathy' (સહાનુભૂતિ)ની નિશાની છે, પરંતુ સંશોધનો આ વાતને સંપૂર્ણ સમર્થન આપતાં નથી. ૨૦૧૭ની એક સમીક્ષામાં બંને વચ્ચે સીધો સંબંધ સાબિત કરવા પૂરતા પુરાવા મળ્યા નહોતા. ૨૦૨૩ના અભ્યાસમાં પણ બગાસું આવનારાઓમાં મદદ કરવાની વૃત્તિ વધુ દેખાઈ, પરંતુ સહાનુભૂતિની માત્રામાં સ્પષ્ટ તફાવત જોવા મળ્યો નહોતો.
સંશોધકોના મતે બીજાની ક્રિયા જોવાથી મગજમાં 'Action Observation' અને 'Mimicry' (નકલ) જેવી પ્રક્રિયાઓ સક્રિય થાય છે, જોકે તેનું એક જ ચોક્કસ કારણ હજી સ્થાપિત થયું નથી.
આખરે, બગાસું હવા દ્વારા ફેલાતો ચેપ નથી, છતાં એક વ્યક્તિની ક્રિયા બીજામાં એવી જ પ્રતિક્રિયા જગાડી શકે છે. તો આગલી વાર કોઈને બગાસું ખાતા જોઈને તમને પણ બગાસું આવે, ત્યારે વિચારજો—આ માત્ર શરીરની નકલ છે કે પછી બીજાની ક્રિયા પ્રત્યે તમારા મગજની એક અજાણી સામાજિક પ્રતિક્રિયા?