સુરત:ઉધના વિસ્તારમાં ભાઠેના ખાતે રહેતા જરીકામના કારીગરનો મોબાઈલ ફોન હેક કરી અજાણ્યા સાયબર ઠગે તેમના બેંક ખાતામાંથી રૂ. ૧,૬૪,૫૫૦ની રકમ ઉપાડી લઈ છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર નોંધણી કરાવ્યા બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉધના વિસ્તારમાં ભાઠેના ખાતે સિદ્ધિવિનાયક મંદિરની શેરીમાં શિવશંકર સોસાયટીમાં મકાન નં. ૮૪માં રહેતા કેતનકુમાર જયંતિલાલ રાણા (ઉં.વ. ૩૬) પિતા તથા ભાઈ-ભાભી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે અને ઘરે જરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.ગત તા. ૨૦/૧૧/૨૦૨૬ના રોજ સવારે નવેક વાગ્યે ઉઠ્યા બાદ કેતનકુમાર ઘરે નિયમિત જરીકામ કરી રહ્યા હતા. સાંજના આશરે છ વાગ્યાના અરસામાં તેમનો એમ.આઈ.કંપનીનો મોબાઈલ ફોન ચાર્જિંગમાં મુકેલો હતો, ત્યારે અચાનક ફોન ઓટોમેટિક રિસ્ટાર્ટ થયો હતો અને ફરીથી ઈ-મેલ આઈ.ડી. લોગઈન કરવા માટે જણાવ્યું હતું.
આ ઘટનાથી મોબાઈલ હેક થયાની શંકા જતા કેતનકુમારે પોતાના મોબાઈલમાંથી સિમકાર્ડ કાઢીને ભાઈ નયનભાઈ રાણાના મોબાઈલમાં નાખ્યું હતું અને તેમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી ખાતું ચેક કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કોઈ અજાણ્યા શખ્સે મોબાઈલ હેક કરી તેમની જાણ બહાર બેંક ઓફ બરોડાની ગોપીપુરા ચીપવાડ શાખાના ખાતામાંથી ગત તા. ૧૮/૧૧/૨૦૨૬ના રોજ રૂ. ૯૬,૫૫૦ તેમજ તા. ૨૦/૧૧/૨૦૨૬ના રોજ રૂ. ૬૮,૦૦૦ મળી કુલ રૂ. ૧,૬૪,૫૫૦ ઉપાડી લીધા હતા.
બનાવ અંગે કેતનકુમારે તાત્કાલિક ૧૯૩૦ નંબર પર ફોન કરી ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી અને નજીકના પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ફરિયાદ કરવા જણાવાયું હતું. જેના આધારે તેમણે ઉધના પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.