ભારત

મુંબઈમાં ગુનેગારો પર હવે AIની બાજ નજર, પોલીસને હોટલ અને મોલ્સના CCTV કેમેરાનો સીધો એક્સેસ મળશે

ગુનેગારો પર હવે કેમેરાની સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા પણ નજર રાખવામાં આવશે. રાજ્ય સરકાર ફેબ્રુઆરી 2027 સુધીમાં શહેરમાં 5,000 AI-સક્ષમ CCTV કેમેરા લગાવશે. સામાન્ય કેમેરાથી વિપરીત, આ કેમેરા ગુનાની આશંકા જણાતાં જ પોલીસને રિયલ-ટાઇમ એલર્ટ આપશે. તેમાં ચહેરાની ઓળખ, થર્મલ ઇમેજિંગ અને વાહનોની નંબર પ્લેટ ઓળખવાની ટેક્નોલોજી હશે.

શહેરના તમામ મુખ્ય કેમેરા એક જ નેટવર્ક સાથે જોડવામાં આવશે.
AI-સક્ષમ CCTV કેમેરાથી વોન્ટેડ ગુનેગારોને ભીડભાડવાળા વિસ્તારોમાં પણ ઓળખી શકાશે અને તરત જ કંટ્રોલ રૂમને એલર્ટ મળશે.વધુ ઝડપે વાહન ચલાવવું, રેડ લાઈટ તોડવી કે હેલ્મેટ વગર મુસાફરી કરવા બદલ આપમેળે ટ્રાફિક દંડ ફટકારવામાં આવશે. પોલીસ પોતાના કેમેરા ઉપરાંત ફાઈવ-સ્ટાર હોટલો, કોર્પોરેટ ઓફિસો, મોલ અને મોટા રહેણાંક સંકુલના CCTV ફૂટેજ પણ મેળવી શકશે. આમ, શહેરના મુખ્ય કેમેરા એક જ નેટવર્ક સાથે જોડાશે.

તો પછી કુર્લાની ઘટના બની જ ન હોત!
થોડા દિવસો પહેલાં કુર્લાના પ્રમોદ મહાજન ગાર્ડનમાં એક યુવાન યુગલ પર હુમલો થયો હતો. ફોનિક્સ મોલ પાછળ આવેલા આ બગીચામાં તસવીરો લઈ રહેલા યુગલ પર 8થી 10 યુવાનોના જૂથે ટિપ્પણીઓ કરી હતી. વિરોધ કરતાં જૂથે લાકડીઓ, લાતો અને મુક્કાથી હુમલો કર્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થતાં ઘટના સામે આવી, ત્યારબાદ પોલીસે 8 સગીરોને કસ્ટડીમાં લઈ BNSની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

પ્રશ્ન એ છે કે જો બગીચામાં સ્માર્ટ કેમેરો હોત, જે સંઘર્ષ શરૂ થતાં જ એલર્ટ આપી શકતો તો શું યુગલ પરનો હુમલો અટકાવી શકાયો હોત? અધિકારીઓના જણાવ્યા મુજબ, નવી પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ્ય ઘટના બન્યા પછી નહીં, પરંતુ તે પહેલાં જ કાર્યવાહી કરવાનો છે.AI સિસ્ટમ શંકાસ્પદ પ્રવૃત્તિ, અચાનક ભીડ એકઠી થવી, કોઈ વ્યક્તિનું ભાગવું કે હથિયારોની હાજરી જેવી બાબતો ઓળખીને પોલીસને તાત્કાલિક એલર્ટ આપશે.

ગોપનીયતા અંગે ઊભા થયા સવાલો
હાઇ-ટેક સર્વેલન્સને કારણે ગોપનીયતા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. દરેક ચહેરાનું સ્કેનિંગ અને હોટલ-મોલના CCTV ફૂટેજ સુધી પોલીસની પહોંચથી સુરક્ષા અને દેખરેખ અંગે સવાલો ઊભા થયા છે. સરકારનો દાવો છે કે આ વ્યવસ્થાનો ઉપયોગ માત્ર ગુના નિવારણ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે થશે. કુર્લાની ઘટના બાદ મુંબઈવાસીઓની સુરક્ષા માટે હવે AI કેમેરા દ્વારા પણ નજર રાખવામાં આવશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો