ભારત

સુપ્રીમ કોર્ટમાં ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને વચગાળાના જામીન મુદ્દે ઝટકો, દિલ્હી પોલીસને નોટિસ

ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલાં રમખાણોના કથિત મોટા ષડયંત્રના કેસમાં જેલમાં બંધ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને સુપ્રીમ કોર્ટમાંથી તાત્કાલિક રાહત મળી નથી. બુધવારે (25 નવેમ્બર) સુપ્રીમ કોર્ટે બંનેની વચગાળાના જામીનની માગણી પર તાત્કાલિક નિર્ણય આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, કોર્ટે તેમની નિયમિત જામીન અરજીઓ પર દિલ્હી પોલીસને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.

સુનાવણી દરમિયાન ઉમર ખાલિદ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે લાંબા સમયથી જેલમાં હોવાનો ઉલ્લેખ કરીને વચગાળાના જામીનની માગણી કરી હતી. શરજીલ ઈમામ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવેએ પણ સમાન રાહતની માગ કરી હતી. જોકે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે, 'આજે નહીં.' બેન્ચે સ્પષ્ટ કર્યું કે વચગાળાના જામીન અંગે વિચારણા કરતાં પહેલાં દિલ્હી પોલીસનો પક્ષ સાંભળવામાં આવશે.

ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ કેસની સુનાવણી થઈ શકે
સુપ્રીમ કોર્ટે આ કેસને વહીવટી પ્રક્રિયા હેઠળ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી ત્રણ ન્યાયાધીશોની બેન્ચની રચના અંગે નિર્ણય લઈ શકાય. આ કાર્યવાહી 'તસ્લીમ અહેમદ વિરુદ્ધ રાજ્ય' (Tasleem Ahmed v. State) કેસમાં 22 મે, 2026ના રોજ આપવામાં આવેલા સંદર્ભ આદેશને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

આ કેસમાં UAPA હેઠળ જામીન આપવાના કાયદાકીય માપદંડો અને લાંબા સમય સુધી આરોપી જેલમાં રહેવા છતાં ટ્રાયલમાં વિલંબ થવાની સ્થિતિમાં જામીન આપી શકાય કે નહીં તે મુદ્દે અલગ-અલગ ન્યાયિક અભિપ્રાયો વચ્ચે દેખાતી અસંગતતાનો વિચાર થવાનો છે.

2020માં બંનેની ધરપકડ કરવામાં આવી હતી
અનકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ નોંધાયેલા આ કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 25 ઓગસ્ટ, 2020ના રોજ શરજીલ ઈમામની અને 13 સપ્ટેમ્બર, 2020ના રોજ ઉમર ખાલિદની ધરપકડ કરી હતી.

ફેબ્રુઆરી 2020માં નાગરિકતા સુધારા કાયદા (CAA) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)ના વિરોધ દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા ફાટી નીકળી હતી. આ રમખાણોમાં 53 લોકોનાં મોત થયાં હતાં જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હિંસા પાછળ મોટા ષડયંત્રમાં સામેલ હોવાનો બંને સામે આરોપ છે.

અગાઉ પણ જામીન અરજીઓ ફગાવી દેવાઈ હતી
આ પહેલાં 5 જાન્યુઆરી, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે બંનેની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. જોકે કોર્ટે તેમને સુરક્ષિત સાક્ષીઓની જુબાની પૂર્ણ થયા બાદ અથવા એક વર્ષનો સમયગાળો પૂરો થયા બાદ બેમાંથી જે શરત વહેલી પૂર્ણ થાય તેના આધારે ફરીથી જામીન માટે અરજી કરવાની છૂટ આપી હતી.

ત્યારબાદ ટ્રાયલ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટે પણ તેમની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. હવે સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસનો જવાબ માગ્યો છે અને કેસની વધુ સુનાવણી માટે ત્રણ ન્યાયાધીશોની બેન્ચની રચના અંગે પ્રક્રિયા શરૂ કરી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો