ભારત

કાર્તિક દીપમ: સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દીપથૂન પર દીવો ન પ્રગટાવાયો, મંદિરના ટ્રસ્ટી મંડળે મંજૂરી ન આપી હોવાનો વિવાદ

તમિલનાડુના તિરુપ્પરનકુંડ્રમમાં કાર્તિક દીપમ ઉત્સવ દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પહાડી પર આવેલા 'દીપથૂન' નામના પથ્થરના સ્તંભ પર ધાર્મિક દીવો પ્રગટાવવામાં આવ્યો નહોતો. આ મામલે મદુરાઈના જિલ્લા કલેક્ટર નિશાંત કૃષ્ણાએ સુપ્રીમ કોર્ટમાં પ્રાથમિક અહેવાલ રજૂ કરીને બિનશરતી માફી માગી છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રે દીવો પ્રગટાવવા માટે જરૂરી વ્યવસ્થા કરી હતી, પરંતુ મંદિરના ટ્રસ્ટી મંડળે આ માટે મંજૂરી આપી નહોતી.

આ સમગ્ર વિવાદને પગલે તમિલનાડુ સરકાર પર રાજકીય દબાણ પણ વધ્યું છે. ભાજપે રાજ્ય સરકાર અને તેના સહયોગીઓ પર હિંદુ ધાર્મિક પરંપરાઓ વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો છે રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની પુનર્વિચારણા (Review)કરવાની માગ કરવામાં આવી હતી, જેને લઈને પણ રાજકીય વિવાદ ઊભો થયો છે.

સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે આદેશ આપ્યો હતો કે 24 નવેમ્બરે સાંજે 6થી 6.30 વાગ્યા દરમિયાન દીપથૂન સ્તંભ પર દીવો પ્રગટાવી શકાય છે. જોકે, આ ધાર્મિક વિધિ મંદિર દ્વારા અધિકૃત કરવામાં આવેલી ટીમ મારફતે જ કરવાની હતી. બીજી તરફ, મંદિરના ટ્રસ્ટી મંડળે 24 નવેમ્બરે ઠરાવ પસાર કરીને ઉચિપિલ્લૈયાર મંદિર નજીકના પરંપરાગત સ્થળે જ દીવો પ્રગટાવવાનો નિર્ણય લીધો હતો.

5,000થી વધુ પોલીસકર્મીઓ તહેનાત કરાયા હતા
કલેક્ટરના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જિલ્લા વહીવટીતંત્રે પોલીસ, મહેસૂલ વિભાગ, હિંદુ ધાર્મિક અને સખાવતી એન્ડોમેન્ટ્સ વિભાગ તથા ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ના અધિકારીઓ સાથે ત્રણ બેઠકો કરી હતી. દીવો પ્રગટાવવાની તૈયારી માટે 27 સભ્યોની ટીમ અને ત્યારબાદ મંદિરના બે પૂજારીઓની આગેવાની હેઠળ 10 સભ્યોની ટીમ તહેનાત કરવાની યોજના હતી.

આ ઉપરાંત, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પહાડી વિસ્તાર અને તેની આસપાસ 5,000થી વધુ પોલીસકર્મીઓ, 20 કાર્યપાલક મેજિસ્ટ્રેટ, તબીબી ટીમો અને ફાયર વિભાગના કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા.

જોકે, 24 નવેમ્બરે સવારે 6 વાગ્યે તૈયારી માટેની ટીમ પહાડી પર પહોંચી નહોતી. ત્યારબાદ કલેક્ટરે મંદિરના કાર્યકારી અધિકારીને ઈ-મેઇલ કરીને વિલંબ અંગે ખુલાસો માગ્યો હતો. અધિકારીએ જવાબમાં જણાવ્યું હતું કે 10 સભ્યોની ટીમ માટે ટ્રસ્ટી મંડળની મંજૂરી માગવામાં આવી છે અને તેના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.

ટ્રસ્ટે જૂની પરંપરાનું કારણ આપ્યું
આ દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે પણ કલેક્ટર, પોલીસ કમિશનર અને મંદિરના અધિકારીઓને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની જવાબદારી યાદ અપાવી હતી. કોર્ટમાં આદેશની સમીક્ષા માટે અરજી દાખલ થઈ હોવાને કારણે તેના અમલમાં વિલંબ કરી શકાય નહીં તેમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

આટલી તૈયારીઓ છતાં સાંજે 6થી 6.30 વાગ્યા સુધી દીપથૂન સ્તંભ પર દીવો પ્રગટાવવામાં આવ્યો નહોતો. મંદિરના ટ્રસ્ટી મંડળે બાદમાં જણાવ્યું હતું કે મંદિરની વર્ષો જૂની ધાર્મિક પરંપરા અને આગમ શાસ્ત્રના નિયમો મુજબ કાર્તિક મહાદીપમ ઉચિપિલ્લૈયાર મંદિર નજીક આવેલા દીપ મંડપમાં જ પ્રગટાવવામાં આવે છે. તેથી આ વર્ષે પણ ત્યાં જ દીવો પ્રગટાવવામાં આવ્યો હતો.

કલેક્ટરે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે મંદિર દ્વારા અધિકૃત ટીમ વિના જિલ્લા વહીવટીતંત્ર પોતાની રીતે અન્ય કોઈ વ્યક્તિને દીવો પ્રગટાવવાની મંજૂરી આપી શકે તેમ નહોતું. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનો જાણીજોઈને અનાદર કર્યો હોવાનો ઇનકાર કર્યો હતો અને દીપથૂન પર દીવો પ્રગટાવી ન શકાયો તે બદલ માફી માગી હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો