મારું શહેર

લિક્વિડ ક્રિસ્ટલ ક્ષેત્રે સંશોધન યોગદાન બદલ સુરતના નિવૃત્ત પ્રોફેસર ડૉ. ભરત ઠાકરને સુવર્ણ ચંદ્રક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના રસાયણશાસ્ત્ર વિભાગના નિવૃત્ત પ્રોફેસર ડૉ. ભરતકુમાર ટી. ઠાકરને લિક્વિડ ક્રિસ્ટલ ક્ષેત્રે નોંધપાત્ર સંશોધન અને શૈક્ષણિક યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગ્રેટર નોઈડાની શારદા યુનિવર્સિટી ખાતે યોજાયેલી ઇન્ડિયન લિક્વિડ ક્રિસ્ટલ સોસાયટીની 33મી નેશનલ કોન્ફરન્સમાં તેમને આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરાયું હતું. 19થી 21 નવેમ્બર, 2026 દરમિયાન યોજાયેલી આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશભરના સંશોધકો, વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ. ઠાકરને તેમની સંશોધન સિદ્ધિઓ અને લિક્વિડ ક્રિસ્ટલ વિજ્ઞાનના ક્ષેત્રમાં લાંબા સમયથી આપેલા યોગદાનની કદરરૂપે ‘શિવરામ કૃષ્ણ ચંદ્રશેખર મેમોરિયલ લેક્ચર’ માટે સુવર્ણ ચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

શું છે લિક્વિડ ક્રિસ્ટલ?

લિક્વિડ ક્રિસ્ટલ એ પદાર્થની એવી વિશિષ્ટ અવસ્થા છે, જેમાં પ્રવાહીની જેમ વહેવાની ક્ષમતા હોય છે, પરંતુ તેના અણુઓમાં ઘન ક્રિસ્ટલ જેવી ચોક્કસ દિશામાં ગોઠવણ જોવા મળે છે. આ અનોખા ગુણધર્મોને કારણે લિક્વિડ ક્રિસ્ટલનો ઉપયોગ એલસીડી ટેલિવિઝન, મોબાઇલ ફોનની સ્ક્રીન, ડિજિટલ ઘડિયાળો, ડિસ્પ્લે ટેક્નોલોજી અને વિવિધ ઓપ્ટિકલ ઉપકરણોમાં થાય છે. આધુનિક ઇલેક્ટ્રોનિક્સ અને મટિરિયલ સાયન્સમાં આ ક્ષેત્રનું વિશેષ મહત્ત્વ છે. લિક્વિડ ક્રિસ્ટલ જેવા અદ્યતન વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રમાં ડૉ. ઠાકરના યોગદાનને રાષ્ટ્રીય સ્તરે મળેલી આ માન્યતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સુરતના શૈક્ષણિક જગત માટે ગૌરવની બાબત બની છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો