દીવ,દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ચૌધરી અને પાટીદાર સમાજને એક થવાની હાંકલ કરી હતી. સાબરકાંઠામાં આંજણા ચૌધરી સમાજના મા અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી સહિતનાની ઉપસ્થિતિમાં જાહેર સભાને સંબોધતા દીવ,દમણ, દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે જાહેર મંચ પરથી પાટીદારો અને ચૌધરી સમાજને એક થવા હાકલ કરી હતી.
પ્રફુલ્લ પટેલે કહ્યું કે મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો છે તો ત્રણેય સગી બહેનોના સંતાનો કેમ અલગ હોય? કડવા અને લેઉવા પટેલનો ભેદ ભૂલવાની સાથો સાથ ચૌધરીને પણ પટેલ ગણવા અપીલ કરી હતી. આટલું જ નહીં એવી પણ ટકોર કરી કે રાજકીય રીતે એક થવાની વાત નથી પણ સામાજિક રીતે એક થવાની જરૂર છે.
આ સાથે જ એમણે કહ્યું કે અટક ભલે અલગ-અલગ હોય પણ વ્યવસાયે ખેતી કરતા હોય તે તમામને પાટીદાર ગણવા જોઈએ. આ અંગે તેમણે સમાજના આગેવાનોને પણ વિશાળ હ્રદયે વિચારણાની અપીલ કરી હતી.
બનાસ ડેરીના ચેરમેન અને ચૌધરી સમાજના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ પણ પ્રફુલ્લ પટેલની અપીલને સમર્થન આપતા કહ્યું કે મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય મા જગદંબાના જ અલગ- અલગ સ્વરૂપો છે. ત્યારે તમામને સાથે રાખીને આગળ વધવા અપીલ કરી હતી. આ સાથે જો તમામ સાથે મળીને આગળ વધે તો આવનારી પેઢીનું પણ ભવિષ્ય ઉજ્જવળ હશે.
ફ્રીઝમાં દૂધ જ શોભે, બીજું કશું નહિ
પ્રફુલ્લ પટેલે પોતાના સંબોધનમાં ટકોર કરતાં જણાવ્યું હતું કે, આપણા ઘરના ફ્રીજમાં દૂધ શોભે, દૂધ સિવાયની કોઈપણ વસ્તુ શોભતી નથી. તો બીજી તરફ શંકર ચૌધરીએ પણ વ્યસનમુક્તિ માટે અપીલ કરતાં કહ્યું કે, સમાજનું ગૌરવ પ્રાપ્ત કરવું હોય તો ફ્રીજમાં માત્ર દૂધ જ રાખવું જોઈએ. તેમણે દારૂના સેવનને લઈને પણ કડક શબ્દોમાં ટકોર કરી હતી. આ સાથે બંને આગેવાનોએ સમાજમાં એકતા, સંસ્કાર અને વ્યસનમુક્તિનું મહત્વ સમજાવ્યું હતું.