સુરત : પલસાણા ગ્રામ પંચાયતની આગામી ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી મતદાર યાદીમાં વિસ્તાર અને હદ મુજબ વોર્ડની ફાળવણીમાં ગંભીર ક્ષતિ હોવાના આક્ષેપ સાથે શ્રી કોળી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ગુજરાત-દક્ષિણ ગુજરાત દ્વારા જિલ્લા કલેક્ટરને વાંધા અરજી આપવામાં આવી છે.
વર્ષ 2021ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે મતદારોએ પોતાના વિસ્તારના વોર્ડના ઉમેદવાર અને સરપંચને મત આપ્યો હતો, તે જ મતદારોને વર્ષ 2026ની નવી મતદાર યાદીમાં અન્ય વોર્ડમાં ફાળવી દેવામાં આવ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. આના કારણે ચૂંટણીમાં મતદારોની વહેંચણી થતાં સરપંચ અને સભ્યપદના ઉમેદવારોને સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે પલસાણા ગામના નવયુવાનો, સમાજના આગેવાનો અને વડીલોએ ટ્રસ્ટના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી પ્રમુખ ઉમેશભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખ ઉમેશ અમરતભાઈ પટેલે અરજદારો સાથે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ રૂબરૂ જઈ કલેક્ટર સમક્ષ સમગ્ર બાબત રજૂ કરી હતી. રજૂઆતમાં ટ્રસ્ટના પલસાણા ઉપપ્રમુખ મુન્નાભાઈ પટેલ, મંત્રી કેતનભાઈ પટેલ સહિત ગામના વડીલો અને નવયુવાનો જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે પલસાણામાં મતદાર યાદીની વોર્ડ ફાળવણીમાં આવી ક્ષતિ રહી છે તો દક્ષિણ ગુજરાતનાં અન્ય ગામોમાં પણ આવી સ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી મતદારોના વિસ્તાર અને ગ્રામ પંચાયતની હદને આધારે વોર્ડની ફાળવણીની ચકાસણી જરૂરી છે. કલેક્ટરે રજૂઆત શાંતિથી સાંભળી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતાં ટ્રસ્ટ દ્વારા તેમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ પલસાણા ગ્રામ પંચાયતની મતદાર યાદીની પુનઃચકાસણી કરી યોગ્ય વોર્ડ ફાળવણી સાથે સુધારેલી યાદી નવેસરથી જાહેર કરવા હુકમ કરવાની માગ કરાઈ છે. આ અરજીની નકલ પલસાણાના ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને પણ મોકલવામાં આવી છે.