ભારત

‘શું અમે ભિખારી છીએ?’ અખિલેશે યુપી ચૂંટણી માટે ૨૬ સીટો ઓફર કરતાં કોંગ્રેસના નેતાઓમાં ભારે રોષ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ-સપા વચ્ચે તણાવ દિવસે દિવસે વધતો જણાઈ રહ્યો છે. સમાજવાદી પાર્ટીએ આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ યુપી કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ ઇમરાન મસૂદે પોતાનો અસંતોષ સ્પષ્ટ કર્યો છે. તેમણે કહ્યું કે, “શું અમે ભિખારી છીએ?” કોંગ્રેસને માત્ર 'જીતી શકાય એવી ૨૬ સીટ્સ' ફાળવવાના અખિલેશ યાદવના નિર્ણય સામે કોંગ્રેસ નેતાએ આક્રો વાંધો ઉઠાવ્યો છે. ઇન્ડિયા બ્લોકના બંને સાથીઓ વચ્ચે હજી સીટ-શેરિંગની વાટાઘાટો ચાલુ જ છે. સમાજવાદી પાર્ટીની ઈચ્છા કોંગ્રેસને માત્ર ૨૬ સીટ્સ ફાળવવાની છે. બીજી તરફ કોંગ્રેસની માંગ લગભગ ૧૨૦-૧૩૦ સીટોની હોવાનું જણાય છે. પરંતુ કોંગ્રેસ પોતાની વાત મૂકે એ પહેલા જ અખિલેશે ૨૬ સીટ્સની જાહેરાત કરી દીધી હોવાનું મનાય છે.

દિલ્હીમાં એસપી નેતાઓ સાથેની મીટિંગમાં કોંગ્રેસે ૧૨૦ બેઠકોની યાદી આપી હતી, જેમાં સહારનપુરની બે સીટો (જ્યાં એસપીએ પહેલેથી ઉમેદવારો જાહેર કર્યા છે) તેમજ રાયબરેલી અને અમેઠીની કેટલીક સીટો પણ સામેલ છે. આ દરમિયાન મસૂદે કહ્યું, “ગઠબંધન ક્યાં છે? જો તમે આ રીતે વર્તશો તો ગઠબંધન ક્યાં રહ્યું? અમારું નેતૃત્વ નક્કી કરશે કે અમારે શું કરવું છે. અહીં એક વાત કહેવાય છે અને ત્યાં બીજું થાય છે. અંતિમ નિર્ણય કોંગ્રેસના નેતૃત્વનો રહેશે. અખિલેશજી શું કરે છે કે નથી કરતા એ મારા માટે મોટો મુદ્દો નથી. હું મારી પાર્ટી સાથે જોડાયેલો છું અને પાર્ટી જે કહેશે તે હું કરીશ."

રાહુલ અને પ્રિયંકા ગાંધીની આગામી મુલાકાતોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે પાર્ટી કાર્યકર્તાઓ નેતૃત્વના નિર્દેશોનું પાલન કરશે. “રાહુલ ગાંધી આવશે, પ્રિયંકા ગાંધી આવશે અને અમારું નેતૃત્વ જે સૂચના આપશે તે અમે પાલન કરીશું. એસપીની જાહેરાતથી અમને કોઈ ફરક નથી પડતો. અખિલેશ યાદવે એ નક્કી કરવું જોઈએ કે સપાની લડાઈ ભાજપ સામે છે કે કોંગ્રેસ સામે!” અખિલેશન આ વલણને મસૂદે આત્મસમ્માન ઉપર ઘા સમાન ગણાવ્યું હતું.

બીજી તરફ કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં રાજકીય સમીકરણ, જીતની સંભાવના અને ઉમેદવારોની પસંદગી જેવા પરિબળો ધ્યાનમાં લેવા પડશે. આ ઘટના મંગળવારે નવી દિલ્હીમાં બંને પક્ષો વચ્ચે સાડા ત્રણ કલાકની મીટિંગ બાદ સામે આવી છે. મીટિંગ બાદ બંને પક્ષોએ ચર્ચામાં પ્રગતિ થઇ હોવાનું કહ્યું, પણ કોઈ ચોક્કસ જાહેરાત ન થઈ શકી.

એસપીએ જણાવ્યું છે કે સીટ-શેરિંગમાં જીતની સંભાવના મુખ્ય પરિબળ રહેશે. પ્રથમ યાદી જાહેર કર્યા બાદ અખિલેશ યાદવે કહ્યું કે પાર્ટીએ કોંગ્રેસને ૨૬ જીતી શકાય તેવી બેઠકો ઓફર કરી છે અને વાતચીત ચાલુ રહેશે. તેમણે એક્સ પર હિન્દીમાં લખ્યું: “પ્રથમ ‘૨૬ સીટો’ સાથે વિજયની શરૂઆત થઈ છે. સાથે મળીને સમજદારીથી કામ કરીશું તો આગળ વધશે.”

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો