સુરત :એક તરફ સુરત મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના દાવા કરે છે, તો બીજી તરફ રૂસ્તમપુરામાં ગંદકીના ઢગલા આ દાવાઓની પોલ ખોલી રહ્યા છે. વોર્ડ નં. 13માં ઉર્દૂ માધ્યમ શાળા ક્રમાંક-20 અને કુમાર કેન્દ્ર નં. 5 પાસે કચરાના ઢગલા ખડકાતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શાળાની આસપાસ ફેલાયેલી ગંદકી અને દુર્ગંધથી વિદ્યાર્થીઓ સહિત આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં કચરાની સમસ્યા નવી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં સફાઈની વ્યવસ્થા કાયમી ધોરણે થતી નથી. મનપાની સફાઈ ટીમ દ્વારા કચરો ઉઠાવવામાં આવે છે, પરંતુ ગણતરીના સમયમાં ફરી એ જ સ્થળે કચરાના ઢગલા ખડકાઈ જાય છે. પરિણામે સફાઈ પાછળ થતી કામગીરી અને ખર્ચ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.સૌથી ગંભીર બાબત એ છે કે શાળાની નજીક જ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. જ્યાં બાળકો શિક્ષણ મેળવવા આવે છે ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને દુર્ગંધ વચ્ચે અવરજવર કરવાની ફરજ પડી રહી છે. સ્વચ્છતાના નામે માત્ર દેખાવ પૂરતી સફાઈ થતી હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકોએ રાજકીય નેતાઓ સામે પણ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે મત માંગવા માટે નેતાઓ અને તેમના કાર્યકરો ઘરે-ઘરે પહોંચી જાય છે, પરંતુ લોકોની પાયાની સમસ્યાઓ ઉકેલવાની વાત આવે ત્યારે કોઈ ડોકાતું નથી.સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે કચરો એક વખત ઉઠાવીને સંતોષ માનવાને બદલે આ સ્થળે કાયમી સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે અને કચરો ઠાલવતા લોકોને અટકાવવા અસરકારક પગલાં લેવામાં આવે.