સુરત:કતારગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય વિનોદ મોરડીયાનાં કાર્યાલય બહાર સૂત્રોચ્ચાર સાથે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. ધારાસભ્ય વિનોદ મોરડીયાની ગેરહાજરી વચ્ચે પોલીસ સાથે આમ આદમી પાર્ટીનાં કાર્યકરોની જીભાજોડી પણ થવા પામી હતી. જો કે, આપનાં કાર્યકરો દ્વારા શહેરમાં ડ્રગ્સનાં દૂષણ અને વ્યાજખોરોનાં ન્યુશન્સ સહિત મોંઘવારી મુદ્દે ધારાસભ્યને આવેદન આપવા માટે પહોંચ્યા હોવાનો સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આજે વહેલી સવારે સિંગણપોર પોલીસ ચોકી ખાતે આમ આદમી પાર્ટીનાં નેતાઓ - કાર્યકરો પ્લે કાર્ડ સાથે એકઠાં થયા હતા અને મોંઘવારી સહિતનાં મુદ્દે રાજ્ય - કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા બાદ કતારગામનાં ધારાસભ્ય વિનોદ મોરડીયાની ઓફિસ સુધી રેલી કાઢી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીનાં નેતાઓએ જણાવ્યું હતું કે, હાલમાં સુરત સહિત દેશભરમાં મોંઘવારીએ માજા મુકી છે. દુધ - તેલથી માંડીને કરિયાણા સહિતનાં ભાવો આસમાને આંબતાં ગૃહિણીઓનું ઘરનું બજેટ પણ ખોરવાઈ જવા પામ્યું છે. બીજી તરફ શહેરમાં ડ્રગ્સ અને દારૂના વેપલો ઠેર - ઠેર જોવા મળી રહ્યો છે અને વ્યાજખોરોનાં ચંગુલમાં નાગરિકો બર્બાદ થઈ રહ્યા છે. આ સ્થિતિમાં સ્થાનિક ધારાસભ્ય વિનોદ મોરડિયાને આવેદન પત્ર પાઠવવા માટે સરઘસાકારે આમ આદમી પાર્ટીનાં નેતા- કાર્યકરો તેમનાં કાર્યાલય પર પહોંચ્યા હતા. અલબત્ત, વિનોદ મોરડિયાની ગેરહાજરી વચ્ચે સ્થાનિક પોલીસ કર્મચારીઓએ આમ આદમી પાર્ટીનાં કાર્યકરોને અટકાવતાં વાત એક તબક્કે વણસી હતી.