મારું શહેર

સુરત ભાજપમાં કથિત તોડકાંડનો વિવાદ ઘેરો બન્યો, ભાજપ પ્રમુખે કિસાન મોરચાના સભ્યને શો-કોઝ નોટીસ ફટકારી

સુરત શહેર ભાજપમાં વોર્ડ નંબર 27ના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયેલી ₹19 લાખના કથિત તોડકાંડની ચેટનો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. વોર્ડના કિસાન મોરચાના શહેર કાર્યકારી સભ્ય મનીષ નાયકને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે કારણદર્શક નોટિસ ફટકારી છે. નોટિસમાં સોશિયલ મીડિયા પોસ્ટ, મીડિયા સાથેની વાતચીત અને વોર્ડમાંના વર્તનથી પક્ષને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાનો ઠપકો આપી સાત દિવસમાં લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. અસંતોષજનક જવાબ મળે તો શિસ્તભંગના પગલાં લેવાની ચીમકી પણ છે.

વિવાદની શરૂઆત વોર્ડ 27ના ‘ભારતીય જનતા પાર્ટી ચુનાવ’ ગ્રુપમાં કોર્પોરેટર ભાઈદાસ પાટીલ અને મનીષ નાયક વચ્ચેની ચેટથી થઈ. કૈલાસ બંગ્લોઝ (લિંબાયત ઝોન) ખાતે ગેરકાયદે શટર સેટલમેન્ટ પેટે ₹19 લાખ લેવાના આક્ષેપો સાથે દરેક કોર્પોરેટરને ₹2-2 લાખ અને ધારાસભ્યના નામે ₹10 લાખ કોણે લીધા તેના સવાલો ઉઠ્યા હતા. મનીષ નાયકે દાવો કર્યો છે કે તેમણે અગાઉ પ્રમુખને વોટ્સએપ પર બે વાર ફરિયાદ કરી હતી, પરંતુ તપાસને બદલે મીડિયાને નોટિસની ધમકી આપવામાં આવી.

નોટિસ બાદ મનીષ નાયકે ફેસબુક પર “ચોર કોટવાળને દંડે...”ને લગતી પોસ્ટ મૂકી, જેને પ્રમુખ પરેશ પટેલને ઉદ્દેશીને ગણાઈ. આથી ભાજપ વર્તુળોમાં તર્ક-વિતર્ક વહેતા થયા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ આ મામલે તપાસની માંગ કરી છે. હવે જોવું રહ્યું કે આ વિવાદ કાર્યકરો સામે શિસ્તભંગના પગલાં સુધી જાય છે કે પ્રમુખ પરેશ પટેલ પાણીમાં બેસી જાય છે. સુરત ભાજપની આંતરિક એકતા પર આ પ્રકરણે પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો