ગુજરાત

ગુજરાતના યુવાનો માટે ખુશખબર! પોલીસ વિભાગમાં સીધી ભરતીની શાનદાર તક

ગુજરાત પોલીસમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે સારી તક સામે આવી છે. રાજ્યમાં પોલીસ વિભાગની કુલ 12,993 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાં લોકરક્ષક કેડરની 12,752 અને PSI કેડરની 241 જગ્યાઓનો સમાવેશ થાય છે. ગૃહ વિભાગે વધારાની જગ્યાઓને મંજૂરી આપતાં વર્ગ-3ની બંને કેડરમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. PSI ભરતી માટે ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત રહેશે.આ ભરતીથી પોલીસ વિભાગમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ભરાશે અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનોને રોજગારી મળશે.

લોકરક્ષક કેડરમાં 3,000થી વધારી 12,752 જગ્યાઓ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 20 નવેમ્બર, 2026ના રોજ લોકરક્ષક કેડરની 3,000 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ગૃહ વિભાગે વધારાની જગ્યાઓ મંજૂર કરતાં 23 નવેમ્બરે ભરતી બોર્ડ દ્વારા સુધારેલી વિગતો જાહેર કરવામાં આવી હતી. ભરતી બોર્ડના અધ્યક્ષ અને પોલીસ મહાનિર્દેશકની જાહેરાત મુજબ હવે લોકરક્ષક કેડરમાં કુલ 12,752 જગ્યાઓ પર ભરતી થશે.

PSI કેડરમાં પણ 241 જગ્યાઓ પર ભરતી

લોકરક્ષક કેડરની સાથે PSI કેડરમાં પણ ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202627/4 મુજબ PSI કેડરની કુલ 241 જગ્યાઓ ભરાશે. આ ભરતી માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલો હોવો જરૂરી છે. અરજીઓ માત્ર ઓનલાઇન માધ્યમથી સ્વીકારવામાં આવશે.


લોકરક્ષકકેડરમાં કઈ કેટેગરીમાં કેટલીજગ્યાઓ?
બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UPC)ની 8,233 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (APC)ની 1,132 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)ની 3,107 જગ્યાઓ, જેલ સિપાહી (પુરુષ)ની 251 જગ્યાઓ અને જેલ સિપાહી (મહિલા/મેટ્રન)ની 29 જગ્યાઓ આમ,કુલ 12,752 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
લોકરક્ષક કેડરની નવી ભરતીમાં અગાઉની સૂચનાઓ યથાવત્ રાખવામાં આવી છે. ભરતી અંગેની વધુ માહિતી, અરજી અને અન્ય સૂચનાઓ માટે ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in અને OJASની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર મુલાકાત લેવી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો