જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકી હુમલા પહેલાં અને પછી ચીનના સર્વેલન્સ સેટેલાઇટ્સની અસામાન્ય હિલચાલ સામે આવી છે. હુમલાના દિવસો પહેલાં ચીનના અનેક પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહોએ પોતાની ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યા હતા. 'ધ પ્રિન્ટ'ના અહેવાલ મુજબ, બેંગલુરુ સ્થિત સ્પેસ સર્વેલન્સ કંપની દિગંતરા (Digantara)ના વિશ્લેષણમાં આ માહિતી સામે આવી છે. આ હુમલામાં કુલ 26 લોકોનાં મોત થયાં હતાં.
દિગંતરાના વિશ્લેષણમાં 15થી 30 એપ્રિલ, 2025 દરમિયાન ચીનની અંતરિક્ષ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 37 અસામાન્ય ઓર્બિટલ મેન્યુવર્સ નોંધાયાં હતાં, જેના કારણે પહલગામ અને આસપાસના વિસ્તારો ઉપરથી સેટેલાઇટ્સ પસાર થવાની આવૃત્તિમાં વધારો થયો હતો. અહેવાલ મુજબ, હુમલાના દિવસે પણ ચીનના બે સેટેલાઇટ્સે પોતાની ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યો હતો.
આ તારણો ચીનની કુલ 1,332 અંતરિક્ષ વસ્તુઓના વિશ્લેષણ પર આધારિત છે. તેમાંથી 190 વસ્તુઓએ આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછો એક વખત પોતાની ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યો હતો. આ પૈકીની 37 હિલચાલને અસામાન્ય ગણવામાં આવી હતી, કારણ કે તેના કારણે સેટેલાઇટ્સની સામાન્ય ગતિમાં ફેરફાર થયો હતો અને પહલગામ વિસ્તારમાં તેમની દેખરેખની આવૃત્તિ વધી હતી.
હુમલાના છ દિવસ પહેલાં જ સેટેલાઇટની હિલચાલમાં ફેરફાર
અહેવાલ મુજબ, સૌથી પહેલાં 16 એપ્રિલે ચીનના યાઓગાન-35 01A સેટેલાઇટે પોતાની ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યો હતો. ચીન સત્તાવાર રીતે યાઓગાન શ્રેણીના સેટેલાઇટ્સનો ઉપયોગ વૈજ્ઞાનિક પ્રયોગો, જમીનનાં સંસાધનોનું સર્વેક્ષણ, પાકના ઉત્પાદનનો અંદાજ, પર્યાવરણની દેખરેખ અને આપત્તિ નિવારણ જેવી કામગીરી માટે થતો હોવાનું જણાવે છે. જોકે, આ શ્રેણીના અનેક સેટેલાઇટ્સનો ઉપયોગ લશ્કરી ગુપ્તચર માહિતી મેળવવા, દેખરેખ રાખવા અને જાસૂસી સંબંધિત કામગીરી માટે પણ થતો હોવાની માન્યતા છે.
16 એપ્રિલે ચીનના યાઓગાન-35 01A સેટેલાઇટે પોતાની ભ્રમણકક્ષામાં જે ફેરફાર કર્યો, એ પછી સેટેલાઇટ પહલગામ ઉપરથી અગાઉની સરખામણીએ બમણી વખત પસાર થવા લાગ્યો હતો. ત્યારબાદ 22 એપ્રિલે હુમલાના દિવસે ચીનની યાઓગાન-39 શ્રેણીના અન્ય બે સેટેલાઇટ્સ યાઓગાન-39 01B અને યાઓગાન-39 01Cએ પણ પોતાની ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યો હતો. આ ફેરફારો અનુક્રમે સાંજે 5:14 અને 5:59 વાગ્યે નોંધાયા હતા. અહેવાલ અનુસાર, આ બંને સેટેલાઇટ્સે હુમલાની ઘટના બાદ પોતાની ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યો હતો.
સેટેલાઇટનો ઓર્બિટલ મેન્યુવર એટલે તેની ભ્રમણકક્ષા, ગતિ અથવા દિશામાં નિયંત્રિત રીતે ફેરફાર કરવો. સામાન્ય રીતે જમીન પર આવેલા કંટ્રોલ સ્ટેશનમાંથી આપવામાં આવતા આદેશ દ્વારા સેટેલાઇટના થ્રસ્ટર્સની મદદથી આવો ફેરફાર કરવામાં આવે છે. તેના કારણે સેટેલાઇટ કોઈ ચોક્કસ વિસ્તાર ઉપરથી પસાર થવાના સમય અને આવૃત્તિમાં ફેરફાર કરી શકે છે. આ રીતે કોઈ ચોક્કસ વિસ્તાર પર વધુ વખત નજર રાખવાની તક મળે છે.
પહલગામ આતંકી હુમલો
22 એપ્રિલ, 2025ના રોજ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહલગામ નજીક આવેલા બૈસરન મેદાનમાં આતંકવાદીઓએ બપોરના બપોરના સુમારે (અંદાજે 2:30 થી 3:00 વાગ્યાની આસપાસ) ના સમયે પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 26 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં મોટા ભાગના પ્રવાસીઓ હતા. અહેવાલો અનુસાર, હુમલાખોરોએ પીડિતોની ધાર્મિક ઓળખ પૂછીને તેમને નિશાન બનાવ્યા હતા.
આ કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ જૂન 2025માં હુમલાખોરોને આશરો આપવાના આરોપસર બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. NIAના સત્તાવાર નિવેદન મુજબ, પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ હુમલામાં સામેલ ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓની ઓળખ અને તેમની પાકિસ્તાની નાગરિકતા અંગે માહિતી આપી હતી. એજન્સીએ આ આતંકવાદીઓને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા ગણાવ્યા હતા.
આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતે 7 મે, 2025ના રોજ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. આ કાર્યવાહી હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી માળખાંને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.