ભરૂચ: જંબુસરથી વડોદરા તરફ જતા માર્ગ પર સોમવારે સાંજે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાન ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જંબુસર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મૂળ દાહોદના શીંગવડના માસેતોયણી ગામના વતની અને હાલ જંબુસરમાં રહી બાન્કો ગાસકેટ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ પંકજભાઈ બારીઆ (ઉં.વ.૧૯) ગત તા.૨૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે આશરે ૭:૧૫ વાગ્યે કંપની તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે મોટરસાઈકલ નં.(જીજે 38 એઇ 6754) પર દાહોદના દેવગઢ બારીઆના વતની મેહુલભાઈ રાજુભાઈ કનાસીયા (ઉં.વ.૨૬) અને કમલેશભાઈ બળવંતભાઈ કનાસીયા (ઉં.વ.૧૯) પણ સવાર હતા, જેઓ કંપનીમાં નોકરીની તપાસ અર્થે સાથે આવ્યા હતા. જંબુસરસ્થિત ફૂડ ઇન હોટેલની આગળ વડોદરા તરફ જતા ડામરના રોડ પર પાર્કિંગ સિગ્નલ લાઈટ ચાલુ કર્યા વગર ઊભેલી એક લક્ઝરી બસ અચાનક નજરે પડતાં બાઈક ચાલકે જમણી બાજુ કટ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મોટરસાઈકલ બસના પાછળના ખૂણા સાથે ધડાકાભેર અથડાતાં ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. ફરિયાદમાં પાછળથી પૂરઝડપે આવી રહેલી લક્ઝરી બસની ટક્કરથી અકસ્માત સર્જાયાનો અને ચાલક બસ લઈને ફરાર થઈ ગયાનો પણ ઉલ્લેખ કરાયો છે.
અકસ્માત બાદ સ્થાનિક રાહદારીઓની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઈજાગ્રસ્તને પ્રથમ જંબુસર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ ૨૩ નવેમ્બરે રાત્રે ૧૧:૩૦ વાગ્યે કમલેશભાઈ કનાસીયાને મૃત જાહેર કર્યા હતા, જ્યારે વિપુલભાઈ અને મેહુલભાઈ હાલ સારવાર હેઠળ છે. આ બનાવમાં જંબુસર પોલીસે અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.