સુરત: શહેરના નાના વરાછા વિસ્તારમાં કિરણ ચોક પાસે સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા બ્રિજે ટ્રાફિકની સમસ્યા હલ કરવાને બદલે વધારી છે. સાકેતધામ ખાડી પરના આ બ્રિજ પાસે જૂનો રસ્તો બ્રિજ બનાવવા માટે બંધ કરાયો હતો અને હાલમાં ૨૪ મીટરનો રસ્તો ખુલ્લો છે. પરંતુ જૂનો રસ્તો બંધ થતાં વાહનચાલકોને બ્રિજ પર ચડ્યા પછી જ ખબર પડે છે કે આગળનો રસ્તો બંધ છે. પરિણામે તેઓને ત્યાંથી જ રોંગ સાઇડમાં યુ-ટર્ન મારવો પડે છે.
પોલીસે વન-વે કરવા માટે બૅરિકેડ લગાવ્યા છે, જેના કારણે મુશ્કેલી વધુ વકરી છે. બૅરિકેડને કારણે બ્રિજ પર ગયેલા વાહનો જૂના રસ્તા પર જઈ શકતા નથી. તેથી વાહનચાલકોને ફરજિયાત બ્રિજ પર જ યુ-ટર્ન લેવો પડે છે. આથી બ્રિજ પર જ ટ્રાફિક જામ થવા માંડ્યો છે. રોજ-રોજની આ સ્થિતિથી વાહનચાલકો કંટાળી ગયા છે. નાગરિકોનું કહેવું છે કે ટ્રાફિક નિવારવા માટે બનાવેલા આ બ્રિજ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ખર્ચ પાણીમાં ગયો હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે. બ્રિજ બનાવ્યા પછી પણ ટ્રાફિક ઘટવાને બદલે વધ્યો છે. યુ-ટર્નને કારણે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે અને રોજિંદા મુસાફરોને અનાવશ્યક વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકાના આ આયોજનમાં સ્પષ્ટ ખામી દેખાઈ રહી છે. બ્રિજ બનાવતી વખતે જૂના રસ્તાના વિકલ્પ અને ટ્રાફિક ફ્લોની યોગ્ય વ્યવસ્થા નહીં કરવાથી આજે નાગરિકો હેરાન થઈ રહ્યા છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે મનપા તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરે અને વાહનચાલકોની મુશ્કેલી ઘટાડે. અન્યથા કરોડોના ખર્ચે બનેલો આ બ્રિજ માત્ર કાગળ પરની સુવિધા સાબિત થશે.
બ્રિજ બનતો હતો ત્યારે જ વિપક્ષે આ સમસ્યા બાબતે ધ્યાન દોર્યું હતું
સાંકેતધામ ખાડી પરનો બ્રિજ જયારે બનતો હતો ત્યારે જ જુનો રસ્તો બંધ કરી દેવાતા આ બાજુ આવતા વાહનો કેવી રીતે આગળ જશે ? તેવા સવાલ સાથે વિપક્ષ આપના તે સમયના સ્થાનિક નગરસેવકો દ્વારા વીડીયો બનાવી રજુઆત કરાઇ હતી.મનપાના તંત્રવાહકોના ધ્યાને આ સંભવિત સમસ્યા ધ્યાને મુકાઇ હતી, આામ છતા મનપાના સબંધિત અધિકારીઓ દ્વારા બ્રિજની ડીઝાઇન બાબતે પુન: વિચાર કરવાને બદલે આંધળે બહેરુ કુટયું હોય આ સ્થિતી ઉભી થવા પામી છે.