મારું શહેર

મોર્નિંગ વોક વખતે યુવકના માર્ગ અકસ્માત મોત કેસમાં પરિવારને રૂ. ૫૦.૯૧ લાખનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

સુરત:વરાછા  યોગી ચોક વિસ્તારમાં મોર્નિંગ વોક દરમિયાન કારની ટક્કરથી ૨૬ વર્ષીય યુવકના થયેલા માર્ગ અકસ્માત મોત મામલે સુરતની મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલે મૃતકના પરિવારને રૂ. ૫૦,૯૧,૦૬૭નું વળતર વ્યાજ સહિત ચૂકવવા કાર ચાલક અને માલિકને આદેશ કર્યો હતો. આ કેસની વિગત મુજબ તા. ૪ એપ્રિલ ૨૦૧૯ના રોજ સવારે ૬:૪૫ વાગ્યે યોગી ચોક સ્થિત મહાવીર સર્કલ નજીક જાહેર રોડ પર ૨૬ વર્ષીય ચેતનભાઈ ડોબરીયા મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તેઓ રસ્તાની બાજુમાં ચાલી રહ્યા હતા ત્યારે રવિભાઈ વઘાસીયાએ પોતાની કાર પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી તેમને પાછળથી ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં માથા અને શરીરે થયેલી ઈજાને કારણે ચેતનભાઈનું મોત નીપજ્યું હતું.

મૃતકના પત્ની ધારાબેન તેમજ માતા ગીતાબેન અને માતા-પિતા હિંમતભાઈએ વળતર મેળવવા માટે વર્ષ ૨૦૧૯માં MACP વળતર દાવો દાખલ કર્યો હતો. કોર્ટની નોટિસ છતાં કાર ચાલક રવિભાઈ વઘાસીયા અને કાર માલિક ચુનિલાલ રૂપાજી કટારા હાજર રહ્યા નહોતા કે કોઈ બચાવ રજૂ કર્યો નહોતો. પોલીસ દસ્તાવેજો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમાં લઈ કોર્ટે ઠરાવ્યું હતું કે આ અકસ્માત માત્ર કાર ચાલકની બેદરકારીથી જ સર્જાયો છે.

મૃતક 'યોગી મેડીકલ' નામથી મેડિકલ સ્ટોર ચલાવતા હતા. મૃતકની આવક અને રજુ થયેલા પોલીસ દસ્તાવેજોને ધ્યાને રાખી ટ્રીબ્યુનલે કાર ચાલક અને માલિકને મૃતકનાં પરિવારને રૂપીયા ૫૦.૯૧ લાખ ચુકવવા હુકમ કર્યો હતો.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો