મારું શહેર

સચિન GIDC ઝેરી કેમિકલ ડમ્પિંગ કેસ: ચાર આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ

સુરત: સચિન GIDC વિસ્તાર નજીક ખાડીમા ગેરકાયદેસર રીતે કેમિકલ ઠાલવવાના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે આરોપી મચ્છિન્દ્રનાથ મુરલીધર ગોરહે (પનવેલ ), પરશુરામ ચાવકુલા (નવી મુંબઈ), અભય સુરેશ દાંડેકર (બોરીવલી), મનસુખ ગોકળભાઈ પટેલની રિવિઝન અપીલ ફગાવી દીધી હતી. ટ્રાયલ કોર્ટે આરોપીને ડિસ્ચાર્જ (મુક્ત) કરવાની અરજી નામંજૂર કરતો જે હુકમ કર્યો હતો તેને કાયદેસર અને યોગ્ય ઠેરવી કાયમ રાખ્યો હતો. આરોપીએ ટ્રાન્સપોર્ટેશન અને સર્વિસ ચાર્જ મંજૂર કર્યા હોવાનો તેમજ ઘટના બાદ ખોટો GPS ટ્રેકિંગ રિપોર્ટ રજૂ કરાયો હોવાનો ઉલ્લેખ ચુકાદામાં થયો હતો.

ડિસેમ્બર ૨૦૨૧માં સુરતના સચિન GIDC નજીક આવેલી ખાડીમા કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવાની બે અલગ-અલગ ઘટના બની હોવાનો આક્ષેપ છે, જેમાં એક દંપતિ દાઝી જવાથી ઈજા પહોંચી હતી. આ મામલે ૧૯ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપીઓ સામે આરોપ મુકાયો હતો કે કંપનીમાં ફેનામિડોનના ઉત્પાદન દરમિયાન બાય-પ્રોડક્ટ તરીકે સોડિયમ હાઈડ્રોસલ્ફાઈડ (NaSH) ઉત્પન્ન થાય છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના નિયમો અને શરતોનો ભંગ કરીને આ કેમિકલ સંગમ એન્વાયરો પ્રાઈવેટ લિમિટેડ (SEPL) ને આપવામાં આવ્યું હોવાનો તેમજ ટેન્કર ચાલકને ધમકી આપી સચિન ખાતે ખાડીમા કેમિકલ ઠાલવવામાં આવ્યું હોવાનો આક્ષેપ ચાર્જશીટમાં મૂકાયો છે. આ ટેન્કર હિકલ લિમિટેડ અને કેમિ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા હોવાનું જણાવાયું છે. આ કેસના ચાર આરોપીએ ટ્રાયલ કોર્ટમાં ડિસ્ચાજ અરજી કરી હતી. જે નામંજૂર થતાં સેશન્સ કોર્ટમાં ચારેય આરોપી દ્વારા અલગ અલગ રિવિઝન અપીલ કરવામાં આવી હતી. જેની સુનાવણી માં સરકાર પક્ષે મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા ઉપસ્થિત રહી દલીલ કરી હતી કે ચાર્જશીટ અને રેકર્ડ પરના પુરાવાઓ પરથી આરોપી વિરુદ્ધ ગુનાહિત કાવતરું, જોખમી પદાર્થ પ્રત્યે બેદરકારી, બનાવટી દસ્તાવેજો અને ઈજા પહોંચાડવા સહિતની કલમો હેઠળ પ્રથમદર્શી કેસ બને છે.

બચાવ પક્ષે આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી કે ટ્રાયલ કોર્ટ રેકોર્ડ પરની સંબંધિત હકીકતો અને સામગ્રીનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગઈ છે અને અપ્રસ્તુત બાબતો પર આધાર રાખ્યો છે. વધુમાં એવી દલીલ કરવામાં આવી છે કે ચાર્જશીટ અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજો કથિત ગુનાઓ માટે અરજદાર વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવા માટે પૂરતી સામગ્રી દર્શાવી નથી. આ તમામ અરજીની સુનાવણી પુર્ણ થયા બાદ સેશન્સ કોર્ટે ચારેય આરોપીની રિવિઝન અપીલ ફગાવી દીધી હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો