મારું શહેર

તક્ષશિલા અગ્નિકાંડ: તપાસ અધિકારી એસીપી સરવૈયાની જુબાની પૂર્ણ

સુરત: તક્ષશિલા અગ્નિ કાંડ કેસમાં તપાસ અધિકારી એસીપી આર આર સરવૈયાની કોર્ટમા જુબાની પૂર્ણ થઈ હતી. સાત વર્ષ પહેલાં સુરતમાં સર્જાયેલાં ભયાનક અગિનકાંડે સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખ્યું હતું. આ અગ્નિકાંડમાં ૧૮ વિધાર્થી સહિત ૨૨ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. તપાસ અધિકારી સરવૈયાની જુબાની શરું થઈ ત્યારબાદ બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈ, કિરીટ પાનવાલા, કેતન રેશમવાલા, રાજેશ ઠાકરિયા, મનીષ દેસાઈ એ તપાસ અધિકારીની ઉલ્ટ તપાસ લીધી હતી. તપાસ અધિકારી સરવૈયાની જુબાની અને ઉલ્ટ તપાસ પૂર્ણ થતાં આ કેસમાં હવે આગામી તારીખે વધુ સાક્ષી તપાસવા કે કેમ? એ અંગે સુનાવણી થશે. આ કેસની વધુ સુનાવણી માટે આગામી તા. ૪થીની મુદ્ત પડી છે.અત્રે નોંધનીય છે કે આ કેસમાં તા. ૨૩ જુલાઈ, ૨૦૧૯ના રોજ ૪૨૦૦થી વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ ગુનામાં તક્ષશિલાના બિલ્ડરો, ફાયર વિભાગ તેમજ મનપાના અધિકારીઓ સહિત કુલ્લે ૧૪ લોકોની સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં ૮૨ જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતાં. છેલ્લે તપાસ અધિકારીની જુબાની થઈ હતી.

સુરતીઓ તક્ષશિલા કાંડને યાદ કરીને આજે ય થથરી ઉઠે છે

૨૪ મે, ૨૦૧૯ ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા 'તક્ષશિલા આર્કેડ' નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં ૨૨ નિર્દોષ વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા. આ કોમ્પ્લેક્સના ચોથા માળે ગેરકાયદેસર રીતે શેડ બનાવીને ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવતા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જે પ્લાસ્ટિક અને ફ્લેક્સ બેનર જેવા જ્વલનશીલ મટિરિયલને લીધે ગણતરીની મિનિટોમાં વિકરાળ બની ગઈ હતી.

આગ અને ધુમાડાના ગોટેગોટાથી બચવા માટે વિદ્યાર્થીઓ ચોથા માળેથી નીચે કૂદવા મજબૂર બન્યા હતા. ફાયર બ્રિગેડ પાસે પૂરતી ઊંચાઈની સીડીઓ કે સેફ્ટી નેટ ન હોવાથી અને સ્થાનિક લોકોએ પોતાના જીવના જોખમે બચાવ કામગીરી કરવા છતાં ૨૨ યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. સુરતીઓ તક્ષશિલા કાંડને યાદ કરીને આજે ય થથરી ઉઠે છે

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો