સુરત : શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, આક્રમક વર્તન અને હિંસાના બનાવો ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતી ગુસ્સાની વૃત્તિ અને આક્રમક માનસિકતા શિક્ષણ જગત માટે પડકાર બની રહી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓની હિંસક વૃત્તિને શિક્ષા કે શિસ્તના દંડાત્મક અભિગમને બદલે સંગીત દ્વારા નિયંત્રિત કરી શકાય તેવો નવો વિચાર સુરતના આચાર્ય ડૉ. હિમાંશુ સુરેશચંદ્ર પારેખે પોતાના સંશોધન મારફતે રજૂ કર્યો છે.
ડૉ. પારેખને કર્ણાટકના મૈસુર ખાતે NCERT દ્વારા ભારતીય જ્ઞાન પ્રણાલી વિષય પર આયોજિત રાષ્ટ્રીય સેમિનારમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. અહીં તેમણે 'Achieving Goals of NEP-2020 by Ending Violence in Schools at Secondary Level Using Hindustani Classical Vocal Music: a Case Study' વિષય પર સંશોધન પત્ર રજૂ કર્યો હતો. તેમણે સંશોધનમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય કંઠ્ય સંગીતના વિવિધ રાગોના ઉપયોગથી વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ, ગુસ્સો અને હિંસાત્મક વૃત્તિઓને નિયંત્રિત કરવાની સંભાવનાઓ સમજાવી હતી. સંગીતના માધ્યમથી વિદ્યાર્થીઓમાં માનસિક શાંતિ, સંવેદનશીલતા અને સકારાત્મક અભિગમ વિકસાવી શાળાઓમાં હિંસામુક્ત વાતાવરણ ઊભું કરી શકાય તેવો અભિગમ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓમાં વધતી હિંસક વૃત્તિ વચ્ચે શિક્ષણ સાથે સંગીત અને ભારતીય જ્ઞાન પરંપરાનો સમન્વય કરવાની આ પહેલ નોંધપાત્ર બની શકે છે.