સુરત: રિઅલ ડાયમંડની સાથે સાથે વિશ્વમાં હવે કૃત્રિમ હીરાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. સારી બાબત એ છે કે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં સુરત હવે કાઠું કાઢી રહ્યું છે. સુરતમાં હવે ખૂબ મોટા પ્રમાણમાં કૃત્રિમ હીરાનું ઉત્પાદન થઈ રહ્યું છે. સુરતમાંથી પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણમાં લેબગ્રોન ડાયમંડની નિકાસ થવા માંડી છે ત્યારે હવે સુરતના ઉત્પાદકો યુનિક લેબગ્રોન ડાયમંડનું પણ ઉત્પાદન કરવા લાગ્યા છે.
(Surat) સુરતની લેબમાં (Lab) તૈયાર થયેલા 30 કેરેટના લેબગ્રોન ડાયમંડને (Lab Grown Diamond) દુનિયાના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડનું સર્ટિફિકેટ (Certificate) આપવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ (IJI) દ્વારા કાર્પ ઇમ્પેક્ષની (Carp Impex ) લેબોરેટરીમાં વિકસિત કરવામાં આવેલા 30.18 કેરેટના ડાયમંડને વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડ તરીકે માન્યતા આપી છે.
- સુરતની કાર્પ ઈમ્પેક્ષની લેબોરેટરીમાં 30.18 કેરેટનો લેબગ્રોન ડાયમંડ વિકસિત કરાયો
- ડાયમંડ તૈયાર કરવામાં 28 દિવસનો સમય લાગ્યો, તે કેમિકલ વેપોર ડિપોઝિશનથી તૈયાર કરાયો
- આ સિવિડી ડાયમંડ એચ કલર અને વીએસટુ ક્લેરિટી ધરાવે છે
- સૌથી મોટા લેબગ્રોન ડાયમંડને અમેરિકાના લાસવેગાસના જેસીકે – શોમાં મુકાયો
અગાઉ 2021માં આજ કંપની દ્વારા 14.6 કેરેટનો લેબ ગ્રોન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો હતો. તે અત્યાર સુધીનો સૌથી મોટો લેબમાં બનાવવામાં આવેલો હીરો માનવામાં આવે છે. તે સમયે પણ આઈજીઆઇ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. એથેરિયલ ગ્રીન ડાયમંડના એમરેલ્ડ કટ લેબ ગ્રોન 10 જૂનથી 13 જૂન સુધી અમેરિકાના (America) લાસ વેગાસમાં (Las vegas) શરૂ થયેલા વેટિકન જેસીકે લાસ વેગાસ શોમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે.
ક્રિશ્ટલ રફમાંથી આ લેબગ્રોન ડાયમંડ તૈયાર કરાયો
એથેરિયલ ગ્રીન ડાયમંડ એલએલપીના એમડી. હીરવ અનિલ વિરાણીએ કહ્યું હતું કે, આ હીરો કેમિકલ વેપોર ડિપોઝિશનથી તૈયાર કરવામાં આવ્યો છે. જે સિવિડી ડાયમંડ છે. જે H કલર, VS2 ક્લેરિટી ધરાવે છે. લેબમાં તૈયાર થયેલી ક્રિશટલ રફમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. આ લેબગ્રોન ડાયમંડ તૈયાર કરવમાં 28 દિવસ લાગ્યા હતાં. કંપનીએ વર્ષ 2021માં 14.6 કેરેટનો ડાયમંડ તૈયાર કર્યો હતો.
વિશ્વમાં લેબગ્રોન ડાયમંડનું માર્કેટ વધ્યું
વિશ્વમાં લેબગ્રોન ડાયમંડની હવે બોલબાલા રેહશે એની માર્કેટ સાઈઝ સતત વધી રહી છે. 2020માં 19.3 બિલિયન ડોલરનું માર્કેટ હતું એ આગામી 10 વર્ષમાં 49.9 બિલિયન ડોલર સુધી જઈ શકે છે. 9.4 ટકાના ગ્રોથ સાથે આ સેક્ટર આગળ વધી રહ્યું છે.