એ ખુશમિજાજ એવો છે કે તેની પાસે અમને, વધુ સમય રહેવું પણ અલ્પ (મુખ઼્તસર) સમય રહેવા જેવું લાગે. ખુશીથી વાતચીત(ખ઼ુશ-કલામ) કરનારાની સાથેનો સંગાથ જેટલો વધુ હોય તેટલો સારો સંગાથ લાગે. તેની પાસે તમે લાંબા (તવીલ) સમય માટે રહો તો પણ જાણે ખૂબ ઓછો સમય રહ્યા હોઈએ તેવો અહેસાસ થાય. કેટલીક વ્યકિતઓની વાતચીત કરવાની રીતભાત એવી હોય કે તમને તેવી વ્યકિતની સાથે વાતચીત કરવાનું ગમે. તમને તેની વાતચીત વધુ ને વધુ સાંભળવાની ગમે. આવી વ્યક્તિઓ ખૂબ ઓછું બોલતા હોય તો પણ તમને તેના એક એક શબ્દમાં જાણે કોઈ સંત સાથે સંવાદ કર્યાનો અહેસાસ થાય.
આવી વ્યકિતઓ જ્યાં હોય ત્યાં વાતાવરણ હળવું થઈ જાય. તેની આસપાસના બધા જ લોકો તેની વાતચીતને સાંભળીને હર્ષની લાગણી અનુભવે. આવી વ્યકિતની વાતો સંતવાણી જેવો અનુભવ કરાવે. પ્રિયજન સાથેની વાતચીત પણ આવો અહેસાસ કરાવે. તેની દરેક વાતમાં ખુશી જોવા મળે. તેની દરેક વાત વ્યાપક હોય તો પણ ખૂબ અલ્પ લાગે. જાણે એવું થાય કે એ બોલ્યા જ કરે અને આપણે સાંભળતા રહીએ. પ્રિયજન સાથેની વાતચીત પણ આવી જ હોય. જાણે ગઝલ કહેતા હોઈએ તેવો અહેસાસ કરાવે. અહીં લાગણી રાજ કરતી હોય.
અહીં હૃદયના સિંહાસન પર પ્રેમની અનુભૂતિ રાજ કરતી હોય. અહીં પ્રિયજન બોલે તો સંતુરના મધુર સૂર સંભળાવા લાગે. પ્રેમની વાતચીત ગમે તેટલી લાંબી હોય તો પણ એ ટૂંકી જ લાગે. જે રીતે પ્રિયજન સાથેની મિલનની ઘડી ગમે તેટલી લાંબી હોય તો પણ આશિકને તે અલ્પ જ લાગે. અહીં ખુશમિજાજ સ્વભાવનો અનુભવ થાય. કોઈ સાથે વાતચીત કરો ત્યારે તમને એ વાતચીત ગમવા લાગે તો સમજવું કે એ માણસ દિલનો ચોખ્ખો છે. અહીં દરેક વાતમાં તમને સ્નેહનો અનુભવ થાય. દરેક વાતમાં તમને લાગણીવશ હૃદયનો અહેસાસ થાય. સાચા હૃદયનો વાર્તાલાપ સંતવાણી જેવો હોય છે.