ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે સોમવારે 2 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે, “બાંગ્લાદેશમાં એક નાનકડો વર્ગ ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે, પણ તેનાથી ભારતનું હિત પ્રભાવિત નહીં થાય.” દિલીપ ઘોષે કહ્યું હતું કે ભારત એ બાંગ્લાદેશમાં બટેટા, ડુંગળી, દવા, પાણી અને કપાસ જેવી જરૂરી વસ્તુઓ મોકલવાનું બંધ કરી દેશે તો બાંગ્લાદેશમાં તેની ઘણી ખરાબ અસર થશે. ઘોષે એમ પણ કહ્યું હતું કે, “ભારતે બાંગ્લાદેશ સાથે સંબંધો એટલે નથી તોડ્યા કારણ કે બંને દેશોના ઐતિહાસિક સંબંધો રહ્યા છે. જો બાંગ્લાદેશમાં આવી જ રીતે અત્યાચાર શરૂ રહેશે તો અંતે બાંગ્લાદેશની સ્થિરતા અને સમગ્ર અર્થતંત્રને પણ નુકસાન પહોંચશે.” બાંગ્લાદેશની જેવી ભૌગોલિક સ્થિતિ છે એ જોતાં તેના ભારત સાથેના સંબંધો અતિશય મહત્ત્વના બની જાય છે. બાંગ્લાદેશને ‘ઇન્ડિયા લૉક્ડ’ દેશ કહેવામાં આવે છે. બાંગ્લાદેશની 94 ટકા સરહદ ભારત સાથે જોડાયેલી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લગભગ 4367 કિમી લાંબી સરહદ છે અને બાંગ્લાદેશની કુલ આંતરરાષ્ટ્રીય સરહદનો આ 94 ટકા ભાગ છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે બાંગ્લાદેશ સુરક્ષા અને વેપારના મામલામાં ભારત પર નિર્ભર છે. બીજી તરફ બાંગ્લાદેશના કારણે ભારતને પૂર્વોત્તરનાં રાજ્યોમાં સસ્તો અને સુલભપણે સંપર્ક સાધવામાં મદદ મળે છે.
ભારતના અન્ય ભાગને પૂર્વોત્તરનાં રાજ્યો સાથે જોડવામાં બાંગ્લાદેશની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. જોડાયેલી ભૌગોલિક સ્થિતિને કારણે આ મુદ્દા બંને દેશો માટે મહત્ત્વના છે. બાંગ્લાદેશ એ ચોખા, ઘઉં, ડુંગળી, લસણ, ખાંડ, કપાસ, અનાજ, શુદ્ધ પેટ્રોલિયમ, ઇલેક્ટ્રિક સાધનો, પ્લાસ્ટિક અને સ્ટીલ માટે ભારત પર નિર્ભર છે. કોવિડ મહામારી પહેલાં, બાંગ્લાદેશનું અર્થતંત્ર ખૂબ મજબૂત સ્થિતિમાં હતું અને તેમાં સૌથી મોટો ફાળો બાંગ્લાદેશથી પશ્ચિમી દેશોમાં થતી કપડાંની નિકાસનો હતો. બાંગ્લાદેશનો કાપડઉદ્યોગ એ ભારતના કાચા માલ પર નિર્ભર છે. દિલીપ ઘોષ આ વાત જાણે છે અને તેને જ ટાંકી રહ્યા છે.
આથી, જો બાંગ્લાદેશના ભારત સાથેના સંબંધો વધુ બગડશે તો તેની નિકાસને પણ અસર થશે. તેનાથી જીડીપી પર અસર થશે અને પછી મોંઘવારી સાથે બેરોજગારી વધશે. ભારત સાથે બગડતા સંબંધોની કિંમત ચૂકવવી બાંગ્લાદેશ માટે સરળ નહીં હોય. બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે અને ભારત એશિયામાં બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. બાંગ્લાદેશ એશિયામાં ભારતમાં સૌથી વધુ નિકાસ કરે છે. બાંગ્લાદેશે નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાં બે અબજ ડૉલરની નિકાસ કરી હતી. નાણાકીય વર્ષ 2022-23માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 15.9 અબજ ડૉલર હતો. 2021માં બાંગ્લાદેશમાં ભારતની નિકાસ 14 અબજ ડૉલર હતી, જે 2022માં 13.8 અબજ ડૉલર રહી હતી.
આ નિકાસ 2023માં ઘટીને 11.3 અબજ ડૉલર રહેવાનું અનુમાન છે. બાંગ્લાદેશમાં ભારતની નિકાસ ઘટવા પાછળનું મુખ્ય કારણ માગમાં આવેલો ઘટાડો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે માગમાં આ ઘટાડો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પુરવઠાતંત્રમાં આવેલા વિક્ષેપને કારણે થયો છે. બાંગ્લાદેશનું અર્થતંત્ર હજી પણ કોવિડ પહેલાંની સ્થિતિમાં આવી શક્યું નથી. ત્યાર બાદ શેખ હસીનાને સત્તા પરથી હઠી જવાની ફરજ પડી એવા સંજોગો સર્જાયા હતા. ભારત સાથે બગડતા સંબંધોના કારણે બાંગ્લાદેશને આર્થિક મોરચે વધુ એક ફટકો પડી શકે છે. ભારતે છેલ્લાં આઠ વર્ષમાં બાંગ્લાદેશને આઠ અબજ ડૉલરની મદદ કરી છે. ભારતે આ મદદ બાંગ્લાદેશમાં વિકાસ પરિયોજનાઓ માટે આપી છે. તેમાં રોડ, રેલ, શિપિંગ અને પૉર્ટ્સનું નિર્માણ સામેલ છે. શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશની આર્થિક પ્રગતિની ખૂબ પ્રશંસા થતી રહી છે.શેખ હસીનાના 2009થી જુલાઈ,2024 સુધીના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશનું અર્થતંત્ર 6.3 ટકાના દરે વૃદ્ધિ પામી હતી.
જીડીપીનું કદ 123 અબજ ડૉલરથી વધીને 455 અબજ ડૉલર થયું હતું. બાંગ્લાદેશનો માથાદીઠ જીડીપી પણ 2009માં 841 ડૉલરથી વધીને 2024માં 2650 ડૉલર થયો છે.ભારત માટે હંમેશાં એ ચિંતાનો વિષય રહ્યો છે કે બાંગ્લાદેશ ચીનની વધુ નજીક ચાલ્યું જશે તો શું થશે. જ્યાં સુધી શેખ હસીના વડાં પ્રધાન હતાં ત્યાં સુધી તેમણે ચીન અને ભારતના સંબંધોમાં સંતુલન જાળવી રાખ્યું હતું, પરંતુ હવે ભારતની ચિંતા વધુ વ્યાપક બની છે. હવે બાંગ્લાદેશની નિકટતા માત્ર ચીન સાથે જ નહીં, પરંતુ પાકિસ્તાન સાથે પણ વધી રહી છે. થોડા મહિના પહેલા પાકિસ્તાનનું એક માલવાહક જહાજ કરાચીથી બાંગ્લાદેશના દક્ષિણ-પૂર્વ કિનારેસ્થિત ચિત્તાગોંગ બંદરે પહોંચ્યું હતું.
1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે આ પ્રથમ દરિયાઈ સંપર્કની ઘટના હતી. અગાઉ બંને દેશો વચ્ચેનો દરિયાઈ વેપાર સિંગાપુર અથવા કોલંબો મારફતે થતો હતો. આ ઘટનાને પાકિસ્તાનથી બાંગ્લાદેશના નજીક આવવાની નક્કર શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. ચીન બાંગ્લાદેશમાં રોકાણનો સૌથી મોટો સ્રોત છે. બાંગ્લાદેશ ચીનની ‘બેલ્ટ ઍન્ડ રોડ’ પહેલનો એક ભાગ છે. ચીને બાંગ્લાદેશમાં સાત અબજ ડૉલરનું રોકાણ કર્યું છે અને 2023માં ચીને બાંગ્લાદેશમાં 22 અબજ ડૉલરની નિકાસ કરી હતી. તજજ્ઞોના જણાવ્યા અનુસાર, “છેલ્લા દોઢ દાયકામાં બાંગ્લાદેશે આર્થિક પ્રગતિમાં જે ગતિ પકડી હતી તેને ભારત સાથે તેના બગડી રહેલા સંબંધોને કારણે અસર થશે તેવું મનાય છે.” “ભારત એક મોટો દેશ છે. નાના દેશ સાથેના સંબંધો બગડે તો મોટા પર તેની અસર ઓછી પડે છે. છેલ્લાં સાત વર્ષથી ભારતના પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો નથી, પરંતુ તેની અસર ભારત પર પડી નથી. પણ તેની અસર પાકિસ્તાન પર ચોક્કસપણે થઈ છે. પણ જો બાંગ્લાદેશે નક્કી કરી લીધું હોય કે તે ભારત સાથેના સંબંધો બગાડવાની દરેક કિંમત ચૂકવવા તૈયાર છે તો પછી તેને કોણ રોકી શકે?”
ગઇ કાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ ભારતનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થયું હતું. જેમાં ભારત સરકારે કેન્દ્રીય બજેટ 2026-27માં બાંગ્લાદેશને અપાતી મદદમાં મોટો ઘટાડો કર્યો છે. આ વર્ષે બાંગ્લાદેશ માટે માત્ર 60 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે, જ્યારે ગયા વર્ષે 120 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે કે ભારતે બાંગ્લાદેશની મદદ અડધી કરી દીધી છે. ત્યારે અહાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ભારતે બાંગ્લાદેશને 60 કરોડની મદદ પણ શા માટે કરવી જોઇએ?
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. તેનું કારણ બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુ સમુદાય વિરુદ્ધ થઈ રહેલી હિંસા અને ત્યાંની વિદેશ નીતિમાં બદલાવ આવી રહ્યો છે. 2024માં શેખ હસીનાની સરકાર પડ્યા પછી બાંગ્લાદેશે પાકિસ્તાન સાથેના પોતાના સંબંધો મજબૂત કરવાનું શરૂ કર્યું છે. બાંગ્લાદેશ ઉપરાંત માલદીવને 550 કરોડ રૂપિયા મળશે, પરંતુ તે ગયા વર્ષ કરતાં ઓછું છે. મ્યાનમાર માટે 300 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે, જે પહેલાં કરતાં ઓછા છે. આ બજેટમાં ભારતે ભૂટાન માટે 2,288.55 કરોડ રૂપિયા રાખ્યા છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 138 કરોડ રૂપિયા વધુ છે. વિદેશ મંત્રાલયે 29 જાન્યુઆરીએ રાજ્યસભાને જણાવ્યું કે ભારત સરકાર બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓના અહેવાલો પર સતત નજર રાખી રહી છે.
આ હુમલાઓમાં તેમના ઘરો, દુકાનો, સંપત્તિઓ અને પૂજા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે ભારતે અનેકવાર રાજકીય અને રાજદ્વારી સ્તરે બાંગ્લાદેશ સરકાર સમક્ષ લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે PM મોદીએ 4 એપ્રિલ 2025ના રોજ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત દરમિયાન આ મામલો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટીકા કરતા કહ્યું કે ત્યાં અવારનવાર લઘુમતીઓ પરના હુમલાઓને અંગત અદાવત અથવા રાજકીય મતભેદ ગણાવીને ટાળી દેવામાં આવે છે. મંત્રાલય અનુસાર, તેનાથી ગુના કરનારાઓનો ઉત્સાહ વધે છે અને લઘુમતીઓમાં ડર અને અસુરક્ષા વધે છે.
આ દરમિયાન બાંગ્લાદેશની વર્તમાન સરકાર પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ એક મોટો બદલાવ માનવામાં આવી રહ્યો છે, કારણ કે 1971માં બાંગ્લાદેશના અલગ થવા દરમિયાન ગંભીર અત્યાચારો થયા હતા. બંને દેશો વચ્ચે સીધા કાર્ગો જહાજો ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં સીધી ફ્લાઇટ્સ પણ શરૂ થવાની છે. પાકિસ્તાની એરલાઇન્સ ફ્લાય જિન્નાહ અને એર સિયાલને આ ફ્લાઇટ્સ માટે મંજૂરી મળી ચૂકી છે. તાજેતરમાં ઢાકાથી એક વિમાન કરાચી પહોંચ્યું, જેનાથી 14 વર્ષ પછી બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવા ફરી શરૂ થઈ. આ ઘટનાઓ વચ્ચે 2024થી ભારત અને બાંગ્લાદેશના સંબંધો સતત બગડતા ગયા છે. ભારત સરકારે યુનિયન બજેટ 2026-27માં ઈરાનના ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ માટે આ વખતે કોઈ પૈસા રાખ્યા નથી, ન્યૂઝ એજન્સી PTIએ આ માહિતી આપી છે.
જ્યારે દર વર્ષે ભારત આ પ્રોજેક્ટ માટે લગભગ 100 કરોડ રૂપિયા આપતું રહ્યું છે. ચાબહાર પોર્ટ ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન વિસ્તારમાં છે અને તેના વિકાસમાં ભારતની મહત્વની ભૂમિકા રહી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે અમેરિકાએ ઈરાન પર નવા અને કડક પ્રતિબંધો લગાવ્યા છે. 13 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે જે પણ દેશ ઈરાન સાથે વેપાર કરશે, તેના પર 25% સુધીનો વધારાનો ટેક્સ લગાવી શકાય છે. ત્યારથી ભારત ચાબહાર પોર્ટ પ્રોજેક્ટને લઈને અન્ય વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાએ ઈરાન પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. જોકે, ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ માટે ભારતને છ મહિનાની ખાસ છૂટ આપવામાં આવી હતી, પરંતુ આ છૂટ 26 એપ્રિલે પૂરી થવાની છે.