Columns

શરદપૂર્ણિમાએ ‘દૂધપૌંઆ’ જ કેમ?

નવરાત્રી પતે એટલે શરદ પૂનમ અને ચંદી પડવાની તૈયારી આપણા સુરતીઓ કરવા માંડે! પૂનમે ભજિયાં ને દૂધપૌંઆ અને પડવે ઘારી અને ભૂસું. વર્ષોથી સુરતીઓની પરંપરા રહી છે. આવો આજે શરદ પૂનમે ખાસ ખવાતા દૂધપૌંઆનું પૌરાણિક દૃષ્ટિએ અને પોષણશાસ્ત્રની દૃષ્ટિએ મહત્ત્વ સમજીએ. આ યુર્વેદ પ્રમાણે શરદ ઋતુ એ ગુજરાતી મહિનાના અંતિમ 2 મહિના ભાદરવો અને આસોનો સમયગાળો માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ થતો હોય છે. જેના કારણે જ આ સમય દરમિયાન આપણા શરીરમાં પિત્તથી થનારા રોગોનું પ્રમાણ પણ વધી જાય છે. જેમ કે આ ઋતુમાં તાવ, શરીરમાં ગરમીનું પ્રમાણ વધવું, શરીરમાં ચામડીના વિકારો, મૂત્રમાર્ગમાં બળતરા કે ઇન્ફેકશન, એસીડીટી જેવા રોગો વધુ જોવા મળે છે. આ ઉપરાંત મેલેરિયા, ફલૂ, ડેન્ગ્યુ જેવા વિવિધ વાયરલ રોગોનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે.
આથી જ આયુર્વેદમાં તો આ ઋતુને રોગોની માતા ગણવામાં આવી છે.

આટલું જ નહિ પરંતુ આપણા ઋષિમુનિઓએ શરદ ઋતુની શરૂઆત એટલે કે ભાદરવા મહિનામાં પિત્ત ના વધે તે હેતુથી દૂધનો ખોરાકમાં સમાવેશ કર્યો છે. પૌંઆ એ ઠંડી પ્રકૃતિનો આહાર ગણાય છે. શરદ ઋતુમાં થતી બીમારીઓમાં તાવનો પ્રકોપ વધે છે. વળી મેલેરિયા, ડેન્ગ્યુથી બચવા માટે પરંપરાગત રીતે પુષ્કળ ગરમ ઔષધિઓ લેવામાં આવે છે અથવા તબીબી ભાષામાં કહીએ તો આ રોગો મટાડવા ડૉકટરો એન્ટી બાયોટીક દવાઓ તથા પેઇનકિલર દવાઓ આપે છે. આ દવાઓ શરીરમાં પુષ્કળ ગરમી (એસિડ) ઉત્પન્ન કરે છે. આ ગરમી કે એસિડને ઠારવા માટે દૂધ + પૌંઆ જેવો ઠંડો આહાર લેવાની આયુર્વેદમાં સલાહ આપવામાં આવી છે .

હું એક ડાયટિશ્યન તરીકે હાઇપર એસિડિટીથી પીડાતાં પેશન્ટોને વર્ષોથી દૂધપૌંઆ આરોગવાની સલાહ આપું છું અને તેના દ્વારા ચમત્કારિક ફાયદા પણ થતાં જોવા મળે છે. દૂધપૌંઆને વધુ હેલ્ધી બનાવવા માટે નીચે મુજબના ફેરફારો તેની બેઝિક રેસિપીમાં કરી શકાય. ફૂલ ફેટ ભેંસના દૂધને બદલે સ્કીમ્ડ મિલ્કનો અથવા ગાયના દૂધનો ઉપયોગ કરી શકાય. ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરી શકાય. અલબત્ત, ખાંડ અને ગોળની કેલરી માત્રા લગભગ સરખી જ રહેશે પણ ગોળ ઉમેરવાથી કેલરી ઉપરાંત આયર્ન અને કેલ્શિયમ પણ ઉમેરી શકાય. ઘણા લોકો દૂધપૌંઆમાં સ્વાદ માટે ઘી ઉમેરે છે જેની અહીં કોઈ જરૂરિયાત હોતી નથી. તો એવી એક્સ્ટ્રા કેલરીને ટાળી શકાય.

વીગન ડાયટ કરતા અને લેકટોઝ ઇનટોલરન્સ ધરાવતા લોકો બદામના દૂધ અથવા સોયા મિલ્કના દૂધપૌંઆ ખાઈ શકે. હા, સ્વાદમાં જરૂર કોમ્પ્રોમાઈઝ કરવું પડે! પણ એમ કરતાં દૂધપૌંઆની પ્રોટિન વેલ્યુ જરૂર વધારી શકાય. અન્ય મીઠાઈઓની જેમ દૂધપૌંઆ ઘી ધરાવતા ન હોય પ્રમાણમાં ઓછી કેલરી અને વધુ પોષક તત્ત્વો આપે છે. વર્ષે એક વાર મન ભરીને ખાઈ શકાય. કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ થોડું વધુ અને ફાઇબરનું પ્રમાણ ઓછું હોય ડાયાબિટીસના દર્દીઓએ ડાયટીશ્યનની સલાહ મુજબ લેવા.

Most Popular

To Top