એક સવાલ ‘કોના જેવા બનવું છે ??’

વર્ગમાં શિક્ષક આવ્યા ને નિબંધ લખવા કહ્યું ‘હું મોટો થઇ શું બનીશ ??’ આ નિબંધની પૂર્વ તૈયારી રૂપે શિક્ષકે વર્ગમાં બધાને એક પછી એક પૂછ્યું તમારે કોના જેવા બનવું છે…કોઈકે કહ્યું મારે અમિતાભ બચ્ચન  જેવા કલાકાર બનવું છે …કોઈક બોલ્યું હું સચિન તેંડુલકર જેવો ક્રિકેટર બનવા માંગું છું…એક છોકરી બોલી મારે લતા મંગેશકર જેવી ગાયિકા બનવું છે…એક છોકરાએ કહ્યું હું મારા મોટા ભાઈની જેમ સૈનિક બનવા માંગું છું ….શિક્ષકે દરેકને વાર ફરતી પૂછ્યું અને બધાએ કોઈને કોઈ મોટી હસ્તી કે કોઈ મોટા સ્વજનનું નામ લઇ કહ્યું કે મારે આમના જેવા બનવું છે.

એક સવાલ ‘કોના જેવા બનવું છે ??’

એક છોકરી ચુપચાપ બેઠી હતી શિક્ષકે તેને પૂછ્યું, ‘અનીકા, તારે શું બનવું છે ??તને કોના જેવા બનવું ગમે ???’ અનીકાએ ઉભા થઈને કહ્યું, ‘સર, હું અનીકા ઠાકર બનવા માંગું છું…મારે કોઈના જેવા નથી બનવું… મારે પોતાની અલગ આગવી ઓળખ બનાવવી છે.’ અનીકાનો આત્મવિશ્વાસ સભર જવાબ સાંભળી શિક્ષક અને આખો વર્ગ એક ક્ષણ માટે ચૂપ થઇ ગયા.પછી અમુક વિદ્યાર્થીઓ હસ્યા …અમુકે તે ઘમંડી છે એમ વિચારી મોઢું બગાડ્યું …અમુકે વિચાર્યું હમણાં સર અનીકાને ખીજાશે…’ પણ એમ ન થતાં સરે તાળી પાડી અનીકાના જવાબને બિરદાવ્યો.તેની પાસે જઈને તેને આ જવાબ માટે શાબાશી આપી.

શિક્ષકે અનીકાને પૂછ્યું, ‘અનીકા, તારામાં ગજબનો આત્મવિશ્વાસ છે કે તે આ પોતાની આગવી ઓળખ બનાવવાનો જવાબ આપ્યો …. આટલો વિશ્વાસ તારામાં ક્યાંથી આવ્યો.’અનીકાએ કહ્યું, ‘સર, મારી મમ્મીએ મને શીખવ્યું છે કે દરેક જણ યુનિક હોય છે.દરેકમાં ખાસ ગુણ અને અવગુણ બંને હોય છે.આપને આપણી ખાસીયતને ઓળખી તેને વિકસાવવી જોઈએ.કોઈના જેવા બનવાની ..કોઈની નકલ ક્યારેય ન કરવી કારણ કે ઈશ્વરે બધાને ખાસ બનાવ્યા છે.મારી મમ્મીએ આજ સુધી મારા માર્ક કે મારી કોઈ આવડતની સરખામણી અન્ય કોઈ સાથે કરી જ નથી.તેને મને શીખવ્યું છે કે જે કઈ કરે ..તેમાં ૧૦૦ % મહેનત કરી સારામાં સારું કામ કરવું…એવું કામ કરવું જે તારી અનીકા ઠાકરની ઓળખાણ બની જાય…અને બસ સર એટલે જ મેં કહ્યું મારે કોઈ જેવા નહિ મારે અનીકા ઠાકર બનવું છે.’ અનીકાની વાત સાંભળી શિક્ષક અણે વર્ગના બધા વિદ્યાર્થીઓએ તેને તાળીઓથી વધાવી લીધી. જાત પર વિશ્વાસ રાખી આગળ વધો જીવનમાં અન્ય કોઈની નકલ ન કરતા પોતાની આગવી ઓળખ જમાવો.

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts