શિક્ષણ શું છે તે જાણવા ફિનલેન્ડ જઈ આવો

બ્રિટીશ-કાળ પૂરો થયા બાદ આપણી સરકારના વિવિધ નેતાઓ- અમલદારોએ એમના જુદા- જુદા સપ્તરંગી-તરંગો, શિક્ષણના ક્ષેત્રમાં વહેતાં મૂક્યા અને સમગ્ર શિક્ષણતંત્રને ‘વલોવી’ કાઢયું, પરંતુ આજ સુધી ‘માખણ’ પ્રાપ્ત થયું નથી. શિક્ષણનાં ક્ષેત્રમાં જાતજાતના ને ભાત-ભાતના અખતરાઓ થતાં ગયાં. એ બધામાં વિદ્યાર્થી વલોવાઈ ગયો અને શિક્ષણ વગોવાયું!

અવારનવાર વિવિધ પ્રકારના બહાને પરદેશ-પ્રવાસ ગોઠવતા તંત્રને સાચી સલાહ આપવાની કે એકવાર ‘ફિનલેન્ડ’ ના પ્રવાસે જઈ આવો. ત્યાંની શિક્ષણ પ્રથા અને શિક્ષણ વ્યવસ્થાનો તલસ્પર્શી અભ્યાસ કરીને આવો. ફિનલેન્ડમાં શાળામાં સાત (સાતડે સાત!) વર્ષની ઉંમરે જ પ્રવેશ. શરૂઆતના શિક્ષણથી માંડીને ઉચ્ચતર સુધીનું શિક્ષણ સાવ મફત! સમગ્ર શાળા જીવન દરમિયાન ફક્ત ત્રણ જ પરીક્ષા! બાળકો માટે સાચે સાચ ભાર વગરનું ભણતર પૌષ્ટિક નાસ્તો વગેરે સાવ ફ્રી…. ફિનલેન્ડમાં ઘરે પણ હોમવર્ક નહીં જેવું જ શિક્ષકો શ્રેષ્ઠ કક્ષાના. શિક્ષકની પસંદગીનો છેલ્લો અધિકાર બાળકોની પાસે શાબાશ! આવા શક્તિશાળી ભણતર માટે  ફિનલેન્ડ, જપાન ને યાદ કરવા પડે. હવે આપણે મોદીજીને એક નમ્ર સૂચન કરી શકીએ કે આપણા આખા 137 કરોડને તો નહીં, પણ કોઈ એક મોટા શહેરમાં, અથવા એકાદ નાના રાજ્યમાં આ પ્રકારની શિક્ષણ પધ્ધતિ લાવી શકીએ તો કેમ? કદાચ મોદીજી આમાં નવો રેકર્ડ કરી શકે ખરો… બાકી મારી 40 વર્ષની શૈક્ષણિક કારકિર્દીનો નીચોડ એવું કહે છે બાળમંદિર-મોન્ટેસોરી સ્કૂલથી જ બાળક પ્રત્યે બરાબર-પૂરતું ધ્યાન આપવામાં આવે તો ભવિષ્યમાં 20 વર્ષ પછી એક આદર્શ નાગરિકોની પેઢી તૈયાર થઈ શકે. સમયની રાહ જોઈએ, સૌ સારા વાના થશે.

સુરત     – રમેશ એમ. મોદી          -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts