Editorial

ભારતમાં હવામાન ચિંતાજનક હદે બગડી રહ્યું છે

આ વર્ષે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઉનાળો ખૂબ જ સખત રહ્યો છે. નવી પેઢીના લોકોએ તો આવી સખત ગરમી ક્યારેય જોઇ ન હશે. રાજસ્થાનમાં તો કેટલાક સ્થળે પારો પ૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી ગયો. દેશની  રાજધાની દિલ્હીમાં આ રવિવારે તો હદ થઇ ગઇ, ત્યાં કેટલાક સ્થળે તે દિવસે તાપમાન ૪૯ ડીગ્રી સેલ્સિયસને પણ વટાવી ગયું અને રાજધાનીના બીજા અનેક વિસ્તારોમાં તાપમાન ૪૭ ડીગ્રીની ઉપર ગયું. ઉત્તર પ્રદેશના  બાંદામાં પણ રવિવારે પારો ૪૯ ડીગ્રીને પાર ગયો. એવુ નથી કે દેશમાં પહેલી જ વાર આટલી સખત ગરમી પડી છે. દાયકાઓ પહેલા પણ આવી સખત ગરમીના બનાવો નોંધાયા છે પણ તે કવચિત અને છૂટા છવાયા રહેતા  હતા. પરંતુ ઘણા બધા વિસ્તારોમાં અને વારંવાર સખત ગરમીના મોજા એ અભૂતપૂર્વ પ્રકારની બાબત છે અને નિષ્ણાતો કહે છે કે આ બાબત હવામાન પરિવર્તનની જ અસર છે જે હવામાન પરિવર્તન માટે પ્રદૂષણ જેવા  કારણોસર સર્જાયેલ ગ્લોબલ વૉર્મિંગને જવાબદાર ગણવામાં આવે છે.

ભારતમાં હવામાન પરિવર્તનની અસરો સ્પષ્ટ દેખાવા માંડી છે અને હવામાન પરિવર્તનને કારણે હવામાન અંગેની વધુ બગડી રહી છે એવી ચેતવણી હવામાન નિષ્ણાતોએ આપી છે. રવિવારે દિલ્હીના બે હવામાન મથકોએ તાપમાન ૪૯ ડીગ્રી સેલ્સિયસની સપાટીને વટાવી જતું  નોંધ્યું તેના બીજા દિવસે ભારતમા઼ તીવ્ર હવામાનની ઘટનાઓનું નિષ્ણાતોએ વિશ્લેષણ કર્યું હતું અને સખત ચેતવણીના સૂર કાઢ્યા હતા. દક્ષિણ એશિયામાં ગ્લોબલ વૉર્મિંગના પરિણામે વધતું તાપમાન અને ગરમી તથા ભેજના  સામાન્ય લેવલો વટાવી જવાની વારંવાર બનતી ઘટનાઓ પરથી આગાહી કરી શકાય છે કે આપણે ભારતમાં વધુ સઘન, વધુ લાંબા અને વારંવાર આવતા હીટવેવ્ઝનો સામનો કરવો પડશે એમ પર્યાવરણશાસ્ત્રી અને હવામાન  વૈજ્ઞાનિક શકીલ રોમશૂએ કહ્યું હતું.

કાશ્મીર યુનિવર્સિટીના આ પ્રોફેસરના કહેવા પ્રમાણે તીવ્ર હવામાનની ઘટનાઓની વધતી આવૃતિ એ હવામાન પરિવર્તનનું ઇન્ડિકેટર છે અને હીટ વેવ એ તીવ્ર હવામાનની ઘટના છે અને  હવામાન પરિવર્તનનું સીધું સૂચક છે. જ્યારે પુણેના ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટ્રોપિકલ મીટરોલોજીના રોક્શી મેથ્યુ કોલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ગ્લોબલ વૉર્મિંગની ઝડપ વધી છે અને તેના નિશાન ૨૦૦૦ના  દાયકાથી વૈશ્વિક હવામાનના કોઇ પણ દિવસમાં જોઇ શકાય છે. નિષ્ણાતોએ એમ પણ જણાવ્યું છે કે હવામાન પરિવર્તન એ ફક્ત તાપમાન જ વધારતું નથી અને ભારતના હીટવેવ્ઝને વધુ ગરમ જ બનાવતું નથી પરંતુ  હવામાનની પેટર્ન પણ તે બદલી રહ્યું છે અને વધુ ભયંકર તીવ્ર હવામાનની ઘટનાઓ સર્જી રહ્યું છે.

આપણે આ વર્ષે કેટલીક વિચિત્ર હવામાનની ગતિવિધિ જોઇ છે જેમાં મુંબઇ પર ધૂળના તોફાનનો પણ સમાવેશ થાય છે એ  મુજબ હવામાન નિષ્ણાત રઘુ મુર્તુગુડેએ જણાવ્યું હતું. મુંબઇમાં ધૂળનું તોફાન સર્જાય તે એક નવાઇ જેવી બાબત છે. સખત ગરમીના મોજાઓની અસરો આરોગ્ય, કામકાજ, જીવનની ગુણવત્તા અને અર્થતંત્ર પર કેવી થાય છે તે  જાણીતી બાબત છે. કાળઝાળ ગરમીમાં ઓફીસોમાં કામ કરનારાઓને પરેશાની થાય છે અને તેમની કામની ગુણવત્તા ઘટે છે તો ખુલ્લામાં સખત તડકામાં જેમને કામ કરવાનુ હોય છે તેમની સ્થિતિ કેવી થતી હશે તે કલ્પના  કરવાની રહે છે.

સત્તાવાર નોંધણીઓ પ્રમાણે ભારતમાં ૧૯૯૨થી લઇને ૨૦૧૫ સુધીમાં ગરમીના મોજાઓથી ૨૪૦૦૦ કરતા વધુ મૃત્યુઓ નોંધાયા છે. ભૂવિજ્ઞાન મંત્રાલયનો તાજેતરના એક અહેવાલ એ તરફ નિર્દેશ કરે છે કે  છેલ્લા ચાર દાયકામાં ગરમીના મોજાઓને કારણે પ્રતિ દસ લાખ લોકોએ નોંધાતો મૃત્યુનો દર ૬૨.૨ ટકાથી વધ્યો છે. આ બાબતો દર્શાવે છે કે સખત ગરમીના મોજાઓ જનજીવનને કેવું જોખમમાં મૂકી રહ્યા છે. પશુઓ અને  પક્ષીઓની પણ સ્થિતિ ખૂબ ખરાબ થઇ જાય છે. અને હવામાન પરિવર્તનને કારણે સખત ગરમી જ નહીં પરંતુ ભયંકર પૂરો, ખેંચાઇ જતો અને કયારેક અચાનક ખૂબ વરસી જતો વરસાદ જેવી ઘટનાઓ પણ બને છે અને તેમની  તીવ્રતા ભારતમાં વધતી જાય છે.

વધતા પ્રદૂષણ વચ્ચે બગડતા હવામાનને રોકવા માટેના પગલાઓ ખૂબ ટાંચા પડે છે. પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોની સંખ્યા ઘટાડવાની વાતો થાય છે પરંતુ તે દિશામાં કામ ખૂબ ઓછું થાય છે. બેટરી સંચાલિત વાહનો  સમસ્યાઓ સર્જી રહ્યા છે અને લોકોમાં તે વાહનો અપનાવવા પ્રત્યેનો ખંચકાટ છે. વળી આ વાહનો પણ આડકતરી રીતે તો પ્રદૂષણમાં કંઇક તો હિસ્સો આપે જ છે. ખરેખર તો શહેરી વિસ્તારોમાં સાયકલના વપરાશને ઉત્તેજન  આપવાની જરૂર છે પરંતુ તે દિશામાં સરકાર તરફથી કોઇ નકકર કાર્ય થતું નથી અને લોકોમાં પણ ઉત્સાહ નથી. વૃક્ષારોપણ ખૂબ વધારવાની જરૂર છે તે કાર્ય પણ હાસ્યાસ્પદ કહી શકાય તેટલી હદે જ થાય છે. પરંતુ આ  ઉનાળાનો અનુભવ જોતા લાગે છે કે જો સમયસર ચેતીને નક્કર પગલા નહીં ભરવામાં આવે તો આગામી થોડાક વર્ષો પછી કદાચ સાચા અર્થમાં દેશના અનેક વિસ્તારો ભઠ્ઠી બની જશે.

Most Popular

To Top