ચીંથરેહાલ બખ્તર પહેરી લડો જવાનો, હમ તુમ્હારે સાથ હૈ! સુશાંતસિંહ

નરેન્દ્ર મોદીને ફરી ગાદી પર બેસાડનાર ચૂંટણીનો પ્રચાર ઉન્માદ ગયા વર્ષના એપ્રિલમાં પરાકાષ્ઠા તરફ જતો હતો ત્યારે ભારતીય સેનાના ભૂતપૂર્વ ઉપસરસેનાપતિ લેફટેનંટ જનરલ શરદચંદ્ર વિધિવત્‌ રીતે ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા. એક ટોચના ભૂતપૂર્વ અફસર ભારતીય જનતા પક્ષમાં જોડાય એ નવું નથી પણ નવું એ છે કે શરદચંદ્રે પોતાની નિવૃત્તિના થોડા મહિનાઓ પહેલાં એટલે કે ૨૦૧૮ ના ફેબ્રુઆરીમાં સંસદની સંરક્ષણ ખાતાની સ્થાયી સમિતિ સમક્ષ ધડાકો કર્યો હતો કે ભારતીય સૈન્યનો મોટા ભાગનો શસ્ત્રસરંજામ જૂનો-પુરાણો છે!

ચીંથરેહાલ બખ્તર પહેરી લડો જવાનો, હમ તુમ્હારે સાથ હૈ! સુશાંતસિંહ

તેમણે કહ્યું હતું કે, કોઇ પણ આધુનિક સશસ્ત્ર દળ પાસે પોતાનો ૧/૩ શસ્ત્ર સરંજામ જૂનો-પુરાણો હોઇ શકે બાકીનામાંથી ૧/૩ પ્રવર્તમાન શ્રેણીમાં અને ૧/૩ અદ્યતન શ્રેણીમાં હોવો જોઇએ. તેને બદલે આજે આપણી પાસે ૬૮ ટકા શસ્ત્રસરંજામ જરી પુરાણો, ૨૪ ટકા વર્તમાન અને માત્ર આઠ ટકા જ અદ્યતન છે. મતલબ કે આપણાં સશસ્ત્રદળો લઘરવઘર બખ્તર સાથે દેશના દુશ્મનો સામે લડી રહ્યા છે. વગર યુદ્ધે કાયમ યુદ્ધ જેવી સ્થિતિ રાખતા પાકિસ્તાન જેવા દુશ્મન હોવા છતાં આપણે આપણા જ મોંઘેરા જવાનોની જિંદગી વહીવટી પ્રમાદીપણાને ચરણે ધરી દઇએ છીએ.

ચંદ્રે જાત અનુભવના શસ્ત્રમાંથી ધડાકો કર્યાને આજે અઢી વર્ષથી વધુ સમયગાળો થઇ ગયો પણ નિર્ણયમાં વિલંબ, આયાત પર અવલંબન, વહીવટી આંટીઘૂંટી, ભંડોળની તંગી વગેરે અનેક કારણો આ પહેલાં હતાં તેવાં જ આજે પણ યથાવત્ છે અને સરકારના પેટનું પાણી પણ નથી હાલતું.

ચંદ્રે પોતાનો બળાપો જે સંસદીય સંરક્ષણ સ્થાયી સમિતિ સમક્ષ ઠાલવ્યો તેના અધ્યક્ષપદે બિરાજતા બી.સી. ખંડુરી તે વખતે ભારતીય જનતા પક્ષના સંસદ સભ્ય હતા અને તે પહેલાં મેજર જનરલ હતા. તેમણે કહ્યું કે, ૨૦૧૬ થી આ સ્થિતિ છે. મારો જીવ કકળી જાય છે. મેં જયારે જયારે સંરક્ષણ મંત્રી પાસેથી માહિતી માંગી ત્યારે મને ગુપ્તતાના બહાના હેઠળ ઇન્કાર કરવામાં આવ્યો છે અથવા માહિતી મારી પાસે જ રાખવા તાકીદ કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય ખંડુરી અને ખાસ કરીને શરદચંદ્ર પર ખફા તો થઇ ગયું છે પણ બંને ખોટી વાત કરે છે એવું કયાંય કહી શકાયું નથી.

ચંદ કહે છે કે નાણાંમંત્રી (તે સમયે) અરુણ જેટલીએ આધુનિકીકરણના નામે એટલી ઓછી ફાળવણી કરી છે કે તેનાથી તાજી શીંગ પણ નહીં આવે! અત્યારે જે ૧૨૫ આધુનિકીકરણ પ્રોજેકટો ચાલે છે તેની પાછળ રૂા. ૨૯,૦૩૩ કરોડનો ખર્ચ નિશ્ચિત છે પણ કેન્દ્ર સરકારે અંદાજપત્રમાં ફાળવ્યા માત્ર રૂા. ૨૧,૩૩૮ કરોડ – કામ કયાંથી આગળ ચાલે? જૂના કરારના પૈસા નિયમિત નહીં ચૂકવાય તો નવા તો થાય જ કયાંથી?

તે સમયના સંરક્ષણ મંત્રી નિર્મલા સીથારમને નાણાં પ્રધાન અરુણ જેટલીને કસ્ટમ જકાત ચૂકવણી, રૂપિયાનું અવમૂલ્યન અને તેલના વધતા ભાવોને ધ્યાનમાં રાખી વધારાના અનિવાર્ય અને ફરજીયાત ખર્ચાને પહોંચી વળવાની જોગવાઇ કરવાની વિનંતી કરતો પત્ર લખ્યો. વધારાના સુધારેલા અંદાજેામાં આ બાબતને ધ્યાનમાં લેવાઇ છે પણ મૂડીપ્રાપ્તિ યાને કે સશસ્ત્ર દળો માટે શસ્ત્રોની ખરીદી માટે રૂા. ૭૪,૧૧૫.૯૯ કરોડને બદલે રૂા. ૭૩,૮૮૨.૮૫ કરોડ જ ફાળવાયા પરિણામે સંરક્ષણ સેવાઓ પર માઠી અસર પડી. વર્ષોવર્ષ આવા ખેલ ચાલતા રહેવાથી સંરક્ષણ સેવાઓમાં તમામ સ્તરે અસર પડી છે. સંરક્ષણ ખાતાના જાહેર ક્ષેત્રનાં એકમો સંરક્ષણ મંત્રાલયના નેજા હેઠળ કામ કરે છે.

તેમને પણ પુરવઠો મોડો આપવાની ફરજ પડે છે.  કેટલીક વાર ખાનગી ક્ષેત્ર દ્વારા બનાવી અપાયેલી જણસોના પૈસા ચૂકવવા ન પડે તે માટે તેને ટેકનિકલ ક્ષતિનું કારણ બતાવી માલ પાછો મોકલવો પડે છે. વિદેશી પેઢીઓ સાથે આવી લુચ્ચાઇ કરે તો મામલો અદાલતમાં જાય અને આબરુના ધજાગરા થાય તે અલગ. ૧૯૯૯ માં પાકિસ્તાન સાથે કારગીલ મર્યાદિત યુદ્ધ લડાયું ત્યારે તે સમયના સરસેનાપતિ વી.પી. મલિકે જાહેરમાં કહ્યું હતું કે અમે અમારી પાસે જે શસ્ત્ર સરંજામ છે તેનાથી લડીશું. હવે ચીન જેવો વધુ ભયંકર દુશ્મન આપણી સરહદ પર ટાંપીને બેઠો છે છતાં પરિસ્થિતિ સુધરી નથી.

૨૦૧૯ ની ચૂંટણી પછી નવી સંરક્ષણ સ્થાયી સમિતિના અધ્યક્ષ ભારતીય જનતા પક્ષના સંસદસભ્ય જુઆલ ઓરામે જૂની જવાબદારીઓ અને નવી યોજનાઓ માટે અલગ ફાળવણી બંધ કરાઇ હોવાની જાહેરાત કરી. જો કે શરદચંદના ઘટસ્ફોટ પછી પણ પરિસ્થિતિમાં સુધારો નથી થયો. સરસેનાપતિ બિપિન રાવત સહિતના વરિષ્ઠ અફસરોએ કહ્યું કે શસ્ત્ર સરંજામના આધુનિકીકરણ માટે પૈસાની તંગી પડી છે. સંરક્ષણ મંત્રાલય કહે છે કે નાણાં મંત્રાલય અમને પૂરતા પૈસા નહીં આપે તો અમે શું કરીએ? મોટા ભાગનો ખર્ચ સૈન્ય પાછળ થાય છે.

આધુનિક એસોલ્ટ રાઇફલ કોઇ પણ સૈનિક માટે પાયાનું શસ્ત્ર છે અને અત્યારે ૧૯૯૦ ના દાયકાથી જે રાઇફલ વપરાય છે તે નબળી છે. સૈનિકોને તેના કરતાં સસ્તી એ.કે. ૪૭ રાઇફલોથી ચલાવી લેવું પડે છે. ખુદ સૈન્યે હાલની રાઇફલોને જૂની પુરાણી ગણાવી છે. સૈન્ય પેટે પાટા બાંધે તો ય નાણાંમંત્રાલયના હાથમાંથી દમડી છૂટે તેમ નથી. સૈન્યને આઠ લાખ રાઇફલોની જરૂર હતી અને સરસેનાપતિ બિપીન રાવતે તેમાં કરકસર કરી આઠ લાખને બદલે અઢી લાખ રાઇફલો જ પૈસાની તાણને કારણે મંગાવી. એસ.આઇ.જી. ૭૧૬ પ્રકારની આ રાઇફલો માત્ર પસંદગીના આગલી હરોળના જવાનો માટે જ હતી. બાકીનાને અમેઠીમાં રશિયન સહકારથી બનેલી એ.કે. ૨૦૩ રાઇફલો આપવાની હતી.

પણ આ અઢી લાખ રાઇફલોની અત્યંત તાતી જરૂરિયાત પણ ૨૦૧૯ માં ઘટાડીને ૬૬,૪૦૦ રાઇફલોની કરી દેવાઇ. તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે રૂા. ૭૮૦ કરોડના ખર્ચે બીજી ૭૨૦૦૦ સિગ આવર અમેરિકન રાઇફલની આયાતની મંજૂરી આપી. રશિયા એ.કે. ૨૦૩ રાઇફલોના ઉત્પાદન માટેના પરવાનાની ફી અવિચારીપણે ભારે માંગે છે. સરકારની ચીંગુસાઇથી સંરક્ષણ મંત્રાલય વાજ આવી ગયું છે. તે કહે છે કે એકંદર ઘરેલુ ઉત્પાદનના ૧૬ ટકા રકમ ૨૦૧૩ માં સંરક્ષણ અંદાજો માટે ફાળવવામાં આવતી હતી તે ૨૦૧૮-૧૯ માં ૧૩ ટકા પર આવી ગઇ છે!

મનોહર પર્રિકર ઇન્સ્ટીટયુટ ઓફ ડીફેન્સ સ્ટડીઝ પોતાના ઉકત અહેવાલ પછી ઉમેરે છે કે ચૂંટણીનાં વચનોની પૂર્તિ અને સરકારના ઉડાઉ ખર્ચાને કારણે સંરક્ષણ ખર્ચમાં કાપ પડયો હોઇ શકે. પેન્શનનો ખર્ચ પણ અત્યારે ભારે પડી રહ્યો છે. વન રેન્ક વન પેન્શન સ્કીમ અને સાતમા પગાર પંચની ભલામણો પછી સૈન્યમાં પગાર અને પેન્શનનો ખર્ચ માઝા મૂકી રહ્યો છે.

સૈન્યને રૂા. ૧,૭૮,૨૪૮ કરોડ ખર્ચ રૂપે ફાળવવામાં આવ્યા છે તેમાંથી માત્ર રૂા. ૩૨,૪૬૨ કરોડ મૂડી ખર્ચ પેટે છે. સૈન્યે રૂા. ૫૦૩૭૩ કરોડ માંગ્યા છે. રૂા. ૨૬,૦૦૦ કરોડ મૂડી પ્રાપ્તિ દ્વારા લશ્કરના આધુનિકીકરણ માટે ફાળવાયા છે.

કોવિડ-૧૯ અર્થતંત્રનું ગળું ભીંસી રહ્યો છે. સરકારે નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રથમ ત્રણ માસમાં ખર્ચમાં ૨૦ ટકા કાપ મૂકવાનો સૈન્યને આદેશ આપ્યો છે. ચીનના અડપલાએ તે પછી બધી ગણતરીઓ ઊંધી વાળી દીધી. સરકારે પગાર – પેન્શન પરના મોંઘવારી ભથ્થાં સ્થગિત કર્યાં છે પણ સંકોચાતા અર્થતંત્ર, માનવશકિતનો ભારે ખર્ચ અને વધુ મૂડી ખર્ચની જરૂરિયાતને પહોંચી વળાય તેમ નથી. પંદરમા નાણાં પંચે સંરક્ષણ અને આંતરિક સુરક્ષા માટે અલગ ભંડોળ કઇ રીતે સ્થાપી શકાય તેની વિચારણા કરવા અનુરોધ કર્યો છે.

બની શકે કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર જ સંરક્ષણ ખર્ચ ભોગવતી હતી. હવે રાજય સરકારોને પણ જોડવામાં આવે. રાજયો પોતે જ કેન્દ્ર સરકારનો ગૂડઝ એન્ડ સર્વિસ ટેકસમાં પોતાના હિસ્સા માટે જીવ ખાઇ રહ્યા છે. અર્થતંત્રને મજબૂત કરી સૈન્યના ખર્ચને મર્યાદિત કરવા વચ્ચેથી કોઇ રસ્તો શોધવો પડશે.

            – લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts