આણંદ : આણંદ શહેરના પૂર્વ વિસ્તાર અને ખાસ કરીને ઇસ્માઇલનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક વરસોથી દબાણો સહિતના કારણોને લીધે વરસાદના પાણીનો નિકાલ ન થતો હોવાની ફરિયાદ ઉઠી છે. ખાસ કરીને ઇસ્માઈલનગર વિસ્તારમાં વરસાદ રોકાયા બાદ પણ દિવસો સુધી પાણી ઉતરતાં નથી. જેના કારણે લોકોને પાણી ઉલેચી અવર જવર કરવી પડે છે. આથી, ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અનેક રજુઆત છતાં પગલાં ભરવામાં ન આવતાં રોષની લાગણી જન્મી છે.
આણંદના ભાલેજ ઓવર બ્રિજના છેડેથી લઇને માણેજવાલા સ્કૂલ સુધીના ખખડધજ બની ગયેલા માર્ગ પર વરસાદ પડતાં જ ઘૂંટણસમા પાણી ભરાઇ જતા હોય છે. જેના કારણે દેશનું ભવિષ્ય ગણાતા અનેક બાળકો સ્કૂલે જતા- આવતા હોય છે, જેમને આ વરસાદી પાણીમાંથી પસાર થવું પડે છે અને તેમાં પણ ખખડધજ રોડના કારણે આવતા-જતા વાહનોના કારણે બાળકોને અકસ્માતનો ભય રહે છે. રાત્રી દરમિયાન આ માર્ગ પર પણ એકપણ સ્ટ્રીટલાઇટ ચાલુ ન હોવાથી વાહનચાલકો પડવાના, ઇજાગ્રસ્ત થવાના બનાવો પણ બને છે. તેમજ જે સ્ટ્રીટલાઇટોના થાંભલા છે, તેની વચ્ચે અંતર વધુ છે. જેથી સ્ટ્રીટલાઇટના વધુ થાંભલા નાંખવા અને જે સ્ટ્રીટલાઇટો બંધ છે તે વહેલી તકે ચાલુ કરવા તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી છે. જેથી કોઇ ઘટના બને તો જવાબદાર કોણ ? નગરપાલિકા વહેલી તકે રોડ બનાવે, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરે અને રોડ બનાવે તેવી વિસ્તારના રહીશોની માંગ છે.
આણંદ શહેરના 24 કલાક વાહનોથી ધમધમતા ભાલેજરોડ ઓવરબ્રિજ તેમજ બ્રિજથી લઇને માણેજવાલા સ્કૂલ સુધીના માર્ગ છેલ્લા એક મહીનાથી લાઇટો ન હોવાથી આજુબાજુની સોસાયટીના રહીશોને અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે. વોર્ડ નં. 4માં આ વિસ્તારમાં ડ્રેનેજ, પીવાના પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાથી આ વિસ્તારના રહીશો વંચિત રહ્યાં છે. આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની પણ કોઇ જ વ્યવસ્થા ઉભી કરાયેલ નથી.
આણંદના ભાલેજરોડ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો નાંખેલ છે, તેમાં પણ કેટલીક તો બંધ હાલતમાં છે. તો વળી જે ચાલુ છે તે લાઇટો પણ ઓછા વોલ્ટેજ વાળી હોવાથી લાઇટ બરાબર અજવાળુ પાથરતી ન હોવાથી રાત્રે બ્રિજ પર અંધારૂ જેવું જ હોય છે અને આ બ્રિજ પરથી મોટા મોટા વાહનો જતા હોવાથી તેઓની લાઇટ ફુલ હોય તો સામેના વાહનચાલકને દેખાતું ન હોવાથી અકસ્માતનો ભય રહે છે. જેથી ઓવરબ્રિજ ઉપર વધુ વોલ્ટેજવાળી લાઇટો નાંખવી જરૂરી છે.