વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાનાં દોણ ગામનાં દાદરી ફળિયામાં પ્રોવિઝન સ્ટોરની આડમાં દારૂનો (Alcohol) વેપલો કરતા ઇસમને ત્યાં ગાંધીનગરનાં સ્ટેટ મોનીટરીંગ સેલએ ચોક્કસ બાતમીનાં આધારે તા.૨૭/૦૫/૨૦૨૩નાં રોજ બપોરે ૪:૪૫ વાગ્યાનાં અરસામાં દરોડો પાડ્યો હતો. જેમાં ભીમસીંગ ઉર્ફે ગીમ્બીયા સરાદીયા ગામીતના દુકાનમાંથી તેમજ વાડીમાં પાર્ક કરેલ નંબર પ્લેટ વગરની સ્કોર્ફિયોમાંથી વિદેશી દારૂનો (Liquor) જથ્થો મળી આવ્યો હતો.
- સોનગઢના દોણ ગામે રૂ. 2.90 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો
- ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલનો સપાટો, ચારને વોન્ટેડ જાહેર કરાયા
સ્ટેટ મોનીટરીંગ સેલએ વિદેશી દારૂની નાની-મોટી ૨૨૯૦ બોટલો તેમજ બીયર નંગ ૪૮૫ મળી કુલ્લે રૂ. ૨,૯૦,૪૬૦ નો પ્રોહી. મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલએ આ દારૂ પ્રકરણમાં દોણગામનાં દાદરી ફળિયામાં રહેતા ભીમસીંગ ગામીત (ઉ.વ.૪૧ વિદેશીદારૂનું વેચાણ કરનાર)ને સ્થળેથી રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો પુરો પાડનાર પ્રવિણભાઇ (રહે. નવાપુર, મહારાષ્ટ્ર), વિદેશી દારૂનો જથ્થો ગાડીમાં લાવનાર પરેશ ગાવિત (રહે.નવાપુર, મહારાષ્ટ્ર), વિદેશી દારૂનો જથ્થો પકડાયેલ આરોપી પાસેથી ખરીદનારાઓ મયંક ગામિત (રહે. ચિખલીગામ તા.વ્યારા જી. તાપી), દિનેશ નેંડાડા ગામીત (રહે. જામખડીગામ તા. સોનગઢ જી.તાપી)ને વોન્ટેડ જાહેર કર્યાં છે.
ડોલવણ ચુનાવાડી ગામેથી વિસ્ફોટક સામગ્રી સાથે બે ઝડપાયા
વ્યારા: ડોલવણ ચુનાવાડી ગામની સીમમાં ધોબી ફળીયા પાસે અંબિકા નદીનાં કિનારે સ્ટોન ક્વોરીમાં બ્લાસ્ટીંગ માટે વપરાતી વિસ્ફોટક સામગ્રી સાથે બે ઇસમો ઝડપાઇ ગયા હતા. જેમાં આ વિસ્ફોટક સામગ્રી સપ્લાય કરનાર એકને વોન્ટેડ જાહેર કર્યો છે.
તા.૨૭/૦૫/૨૦૨૩નાં રોજ બપોરે ૨ વાગ્યાનાં અરસામાં નારણ લક્ષ્મણ ચૌધરી (ઉ.વ.૬૦ રહે. ખરજઇ કણબી ફળીયુ, તા.વાંસદા જી,નવસારી), અશોક કાંતિલાલ ગામીત (ઉ.વ.૪૪ રહે. ભેંસકાત્રી, નાકા ફળીયું, તા.વઘઇ, જી.ડાંગ)ને વગર પાસ પરમીટે જીલેટીન ટોટામાંથી કાઢેલ વિસ્ફોટક પદાર્થ સાથે પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી વિસ્ફોટક સામગ્રીની પ્લાસ્ટીકની પોટલીઓ નંગ-૦૫, કિં.રૂ. ૫૦૦, સાદી વાટવાળી કેપ નંગ-૦૩, કીં. રૂ.૪૫ નો જથ્થો મળી આવ્યો છે. વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપાયેલ આ શખ્સો પાસેથી પોલીસે મોબાઇલ નંગ- ૦૨, કિં.રૂ. ૨૫૦૦ મળી કુલ્લે કિં.રૂ. ૩,૦૪૫નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઈસમોને સ્ફોટક પદાર્થનો જથ્થો સુમન ગામીત (રહે. સાદડકુવા, તા.સોનગઢ, જી.તાપી)એ પુરો પાડ્યો હોય તેને વોન્ટેડ જાહેર કરાયો છે. આ તમામ આરોપીઓ વિરૂધ્ધ પોલીસે ઈ.પી.કો. કલમ તથા સ્ફોટક પદાર્થ અધિનિયમની કલમ તથા સ્ફોટક અધિનિયમની કલમ મુજબ ગુન્હો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.