ગુજરાત વિધાનસભામાં સોમવારે પ્રશ્નોત્તરીકાળ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ મહિલા દિનની ઉજવણીને લઈને મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી. રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં દારૂબંધીના કારણે મહિલાઓ સલામત છે એટલે જ તો દારૂબંધીમાં કોઈ છૂટછાટ આપવામાં આવતી નથી.
તેમણે કહ્યું હતું કે જેમાં ભારત દેશ પોતાની સંસ્કૃતિ મુજબ નારી તું નારાયણી શક્તિ સ્વરૂપ આધ્ય શક્તિની આરાધના આપણે કાયમ માટે કરીએ છીએ અને સ્ત્રી-દાક્ષિણ્ય દાખવીએ છીએ, નારીનું સન્માન કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે હંમેશા આપણે રામ સીતા નહીં પરંતુ સીતારામ, ઉમાશંકર, રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ બોલીએ છીએ એ આપણી પરંપરા છે અને તેનું આપણે સન્માન કરીએ છીએ.
5 ટ્રીલીયન ઈકોનોમિમાં 50 ટકા મહિલાનો ફાળો આવે એ પ્રકારના નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આ માટે રાજ્ય સરકાર જેન્ડર બજેટ લાવી છે. સત્તામાં મહિલા ભાગીદાર બને તેવો અભિગમ અપનાવીને 50 ટકા મહિલા અનામતનો અમલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરવામાં આવ્યો છે.
પોલીસમાં ૩૩ ટકા અનામત આપવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ વિધાનસભામાં પણ વધુ બહેનો આગળ આવે. મુખ્યમંત્રીએ મહિલા ઉત્કર્ષ યોજના પાછળ એક હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વાલી દિકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો, દિકરી વહાલનો દરિયો યોજના હેઠળ આજે જ એલ.આઇ.સીને ૨૨ કરોડ રૂપિયાનું પ્રિમીયમનું ચુકવણું મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યું હતું. બહેનો પશુપાલનથી માંડીને આકાશ સુધી ઉડાન ભરે અને દરેક ક્ષેત્રમાં બહેનો આગળ વધે તે પ્રકારની શુભકામનાઓ પાઠવું છું.
સુરક્ષા અને સલામતી ગુજરાતમાં જ છે આ માટે જો દારૂબંધી માટે છૂટછાટ આપવામાં આવતી નથી. નવરાત્રીના દિવસોમાં રાત્રે બે વાગ્યે મહિલા પોતાના સ્કૂટર ઉપર બહાર નીકળી શકે છે. કાયદામાં કેટલાક બદલાવો મહિલાઓની તરફેણમાં લાવવામાં આવ્યા છે જેમાં ચેઈન સ્નેચીંગના કાયદામાં સાત વર્ષની કેદ બાળકીના બળાત્કાર માટે ફાસ્ટટ્રેક કોર્ટે ફાંસીની સજા મહિલાઓને સ્ત્રી દાક્ષિણ્ય દાખવીને મોડેલ સ્ટેટ બનશે તે પ્રકારની સમાન જેન્ડર સમાનતા આવે તે જરૂરી હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં જણાવ્યું હતું.
નારીને ભણાવી-ગણાવીને વ્યવસાયિક રીતે સ્વાવલંબી કરવાનો સંકલ્પ કરીએ : ધાનાણી
વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વિશ્વ મહિલા દિનની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સંયમ અને સહિષ્ણુતાના સેવા સ્વરૂપ મહિલા શક્તિને વંદન છે. શક્તિની પૂજા કરનારી સંસ્કૃતિમાં મહિલાઓની સુરક્ષાના મુદ્દે માથું શરમથી ઝૂકી જાય છે. આ મહિલા કોઈની દીકરી કે માતા પણ છે અને એ માતાની કૂખે જન્મ લીધો છે શક્તિ સ્વરૂપે નારાયણની સુરક્ષાનો આજે આપણે સંકલ્પ કરીએ કે તેને ભણાવી ગણાવીને વ્યવસાય રીતે સ્વાવલંબી કરવાનો સંકલ્પ કરીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2011ના સેન્સસ મુજબ દરેક પુરુષે ૪૫ ટકા બહેનો જ માત્ર ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ થકી સ્વરોજગારના કામો કરી રહી છે આ બહેનોને આપણે પગભર કરવાનો સંકલ્પ કરીશું. રામાયણની સીતા, મહાભારતની દ્રૌપદી દરેક યુગમાં દાવ પર લાગી છે. દીકરીઓ સમાજના કલ્યાણ માટે વિવિધ સ્તરે સન્માન કરવામાં આવે તેઓ સંકલ્પ જરૂરી છે. સ્ત્રીના સ્વાભિમાનને ઠેસ પહોંચે છે તેવા અનેક બનાવો બને છે અને તેને સ્વતંત્રતા મળે વિચારોને આગળ કરવા જોઈએ.