Madhya Gujarat

જાંબુઘોડા પંથકમાં 10 ઇંચ વરસાદ થતાં જળબંબાકાર

જાંબુઘોડા : જાંબુઘોડા પંથકમાં સતત બીજા દિવસે પણ જળબંબાકાર મેઘ વરસાદ થતા નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. પંથકમાં 245 મીમી એટલે કે એક જ દિવસમાં 10 ઈંચ વરસાદ નોંધાતા જળબંબાકાર થઇ ગયું હતું. જાંબુઘોડા વિસ્તારના ગોરી ફળિયામાં ઘરોમાં જ્યારે બીજી બાજુ કુંભારવાડા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અને આંબાવાડિયા સહિત નીચાણન વાળા વિસ્તારોમાં પાણી ભરાતા પ્રજા આકુળ વ્યાકુળ થઈ હવે મેઘરાજા ખમ્મા કરે તેવી પ્રાર્થનાઓ થઈ હતી.

ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જાંબુઘોડાના યુવા સરપંચ જીત કુમાર દ્વારા યુદ્ધના ધોરણે તાત્કાલિક જે.સી.બી.કામે લગાડી જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેવા વિસ્તારોમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે જેસીબીની મદદથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે તાલુકાના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થતા કેટલાક લોકો અટવાયા પણ હતા.જાંબુઘોડાથી કરા તરફ જવાના કોઝવે ઉપર પાણી ફરી વળતા આ વિસ્તારની પ્રજા સંપર્ક વિહોણી થઈ હતી. આવી જ રીતના તાલુકાના ઘણા ગામડાઓનો સંપર્ક તૂટ્યો હતો. જાંબુઘોડા માં આભ ફાટ્યું સવાર ના છ થી બપોર ના બે વાગ્યા સુધીમાં 201 મીમી વરસાદ નોંધાયો હતો અને બે વાગ્યા પછી 44 મીમી આમ ટોટલ 245 મીમી એટલે કે એક જ દિવસમાં 10 ઈંચ જેટલો વરસાદ નોંધાતા જ્યાં જુવો ત્યા પાણી જ પાણી જોવા મળ્યું હતું.

ત્યારે જાંબુઘોડા થી બોડેલી સ્ટેટ હાઇવે ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડતું હતું અને આસપાસના ખેતરોમાં થી પણ રોડ ઉપર પાણી ફરી વળતા નાના વાહન ચાલકોને રોડ ક્રોસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે બોડેલીથી હાલોલ રોડ ઉપર આવેલા કકરોલિય, ખાંડીવાવ, વિસાડી, રણભૂમઘાટી, નારુકોટ, ઝબાન, સહિત ના અનેક કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ને ભારે અસર પડી હતી. તેવામાં 108 ઇમરજન્સી સેવા પણ પ્રજાની સેવામાં ખડે પગે રહી પેટ્રોલિંગમાં નીકળી હતી.

ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા ખાંડીયા ગામ પાસેથી પસાર થતી કુણ નદીનો ચેક ડેમ ઓવરફ્લો થયો
શહેરા : શહેરા તાલુકાના ખાંડીયા ગામ પાસે પસાર થતી કુણ નદીમાં પાણીના નવા નીર આવ્યા હતા.નદીના ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ રહેતા ચેક ડેમ ઓવરફ્લો થયો હતો. શહેરા તાલુકામાં સારો એવો વરસાદ થતા નદી અને કોતરમાં પાણીના નવા નીર આવ્યા હતા.

જ્યારે ખાંડીયા ગામ પાસે પસાર થતી કુણ નદીના ઉપરવાસમાં સારો એવો વરસાદ થતાં નદીમાં નવા પાણીની આવક થવા સાથે નદી પરનો ચેક ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક ગ્રામજનોમાં પણ ખુશીની લહેર છવાઈ હતી.જ્યારે નદીમાં પાણીની આવક શરૂ હોવાથી માછીમારો માછલીઓ પકડતા જોવા મળી રહ્યા છે. તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સુકી ભટ જોવા મળતી નદીઓમાં પણ પાણી વહેતુ જોવા મળતા પશુઓને પીવા માટે પાણી મળતા પશુપાલકોને થોડી ગણી રાહત થવા પામી છે.

Most Popular

To Top