વલસાડ: (Valsad) મુંબઈથી રાજસ્થાન જઇ રહેલી વિજય લક્ષ્મી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસના (Bus) ચાલકે શનિવારે મોડી રાત્રે બસને ગફલતભરી રીતે હંકારતાં વલસાડના ડુંગરીના સોનવાડા ગામ પાસે ગત મોડી રાત્રે અકસ્માત (Accident) થયો હતો. જેમાં લકઝરી બસ મકાન સાથે અથડાતા બસમાં સવાર મુસાફરો પૈકી આઠ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જ્યારે એક યાત્રીનુ મોત થયુ હતું. તો અંધારાનો લાભ લઇ ડ્રાઇવર (Driver) ફરાર થઇ ગયો હતો.
રાજસ્થાનના યાત્રીઓને લઈને જતી વિજય લક્ષ્મી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસના ચાલકે વલસાડ હાઇવે ઉપર આવેલી એક હોટલમાં જમ્યા બાદ બસ ચલાવવાની શરૂઆત કરી હતી. માત્ર 5 કિ.મી આગળ ડુંગરીના સોનવાડા ગામ પાસે બ્રિજની કામગીરી ચાલી રહી છે. જેને લઈને સર્વિસ રોડ ઉપર ટ્રાકીકને ડાયવર્ઝન આપ્યું હતું. જોકે ડ્રાયવરે બસને બેફિકરાય પૂર્વક હંકારતા બસના સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા સર્વિસ રોડની બાજુમાં બની રહેલા નવા મકાન સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના પગલે મોટો અવાજ આવતા આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોની પણ ઊંઘ ઊડી ગઈ હતી.
ઘર માલિકે ઘરની બહાર નીકળીને ચેક કરતા પોતાના ઘરની આગળના પિલર અને સ્લેબ વચ્ચે 5 ફૂટ જેટલી ઘુસી ગઈ હતી. જોકે અકસ્માત થતાં બસનો ચાલક આંધરાનો લાભ લઈને તમામ યાત્રીઓને અને બસને મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં વતનમાં મરણ પ્રસંગે જઇ રહેલા કેવિલાલ રોડાજી પટેલ (ઉ.40, રહે, વીરપુરા, તા.છરડા, જી.ઉદેપુર)નું મોત નિપજ્યું હતું. બનાવ અંગે લોકોએ 108 અને ડુંગરી પોલીસને જાણ કરતા પોલીસ અને સ્થાનિકોએ બસમાં ફસાયેલા યાત્રીઓને કાચ તોડી બસમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં આઠ યાત્રીઓને ઇજાઓ પહોચતા 108માં હોસ્પિટલ લઈ જવાયા હતા. ઘટના અંગે ગંગારામ પટેલ (રહે, ગજીવડી, મુંબઈ)એ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ડુંગરી પોલીસ કરી રહી છે.