Comments

ઉત્તરાયણ એટલે ધાબા-દર્શન

પતંગ નવો હોય કે જુનો, ફાટેલો હોય કે લૂંટેલો, કાળો હોય કે સફેદ, બહુ વરણાગી નહિ કરવાની. મફતમાં મળે તો માશુકાનો હાથ મળ્યો હોય એમ ‘ગલગલિયાં’ કરી લેવાના. બાળક બનીને જીવીએ તો પતંગમાંથી પણ સંવેદના ઊભી થાય. એમને કોઈ ભેદભરમ જ નહિ!  માનવીએ પોતે પણ પોતાની વસંત ઘડવા માટે આત્મનિર્ભર બનવું પડે દાદૂ..!

સમયના ગીત સમયે ગાવા માટે ગળું સુંવાળું રાખવું પડે. પછી એ હોળીનો સમય હોય, દિવાળીનો સમય હોય કે ઉત્તરાયણમાં કાપો..ખેંચો..લગાવ જેવા ગગનનાદનો સમય હોય. જો કે, એના માટે યુવા અવસ્થા પણ જોઈએ. હરિદર્શન કરવાની ઉંમરે ‘ધાબા-પ્રવાસ’ કરી પતંગ ચગાવવાની જીદ કરીએ તો, મહોલ્લાનું પણ ભસે..!

આ મામલામાં ચ્યવનપ્રાસના ડબલાં કેટલાં ખાલી કર્યાં, એ મહત્ત્વનું નથી. ઘરનો ઓટલો ચઢતાં જેને ફીણ આવી જતું હોય, એમણે આંખ આગળ હાથની છાજલી કરીને ઊડતાં પતંગ જ જોવાના. પછી તો જેવી જેની ઈમ્યુનીટી..! બાકી, તલના લાડુ ચાવવા કરતાં, વાગોળવા જેટલી જ ‘ઈમ્યુનીટી’ બચી હોય, એમને તલના લાડુનું ‘જ્યુસ’ આપવું સારું. એટલા માટે કે, સમ ખાવા પૂરતો માંડ એકાદ દાંત બચ્યો હોય, એ પણ આપઘાત કરવા માંડે, તો મોંઢામાં બચે શું..? 

ધાબા સાથે ભલે ને જૂના ખરજવાની માફક અનેક સ્મૃતિઓ જડાયેલી હોય, એ ભૂલી જવાની..! ઉત્તરાયણ એટલે ધાબે માત્ર પતંગ ચગાવવાની મૌજ જ કરવી, એ માન્યતા દમ વગરની છે.  ધાબામાં ક્યાં ક્યાં ‘ગાબડ-ગુબડ’ કરવાનું છે, એની ખબરઅંતર કાઢવાનો દિવસ એટલે પણ  ઉત્તરાયણ! અમુકને તો ઘરને એક ધાબું પણ આવેલું છે, એની પણ ખબર ના હોય, એ ઉત્તરાયણમાં સમજાય!

કારણ વગર હરામ બરાબર જો ‘ધાબા-પ્રવાસ’ કરતા હોય તો..?  ક્યાં ક્યારે, કેવી ગુલાંટ ખવાય, એની સમજ ઉત્તરાયણ આપે. કાઈપો..કાઈપોની એક ગુંજ ઊઠે એટલે ભલભલા ‘સેવન્ટી પ્લસ’ વાળાની પણ ભેખડ ધસવા માંડે. યુદ્ધે ચઢવા માટે જેમ રાણા પ્રતાપ ભાલો-બખ્તર ને અશ્વ લઈ રણભૂમિમાં જઈ ચઢે, એમ પતંગ-રસિયાઓ દોરો ફીરકી ને પતંગ લઈને ધાબે ધબાકધમ્મ કરવા માંડે..! 

પતંગનું એક જ દુઃખ, એ જીદ્દી બહુ. પવનની દિશામાં રહેવું ને પવન સાથે માથાકૂટ કરવી. એમાં પછી વાસ્તુશાસ્ત્રની દિશા પણ નહિ ચાલે. ઉત્તરાયણમાં ખાસ યાદ રાખવું કે, પાડોશી ગમે એટલો સારો હોય, ગમે એવો વાડકી વ્યવહાર હોય, પણ આપણો પતંગ વધારેમાં વધારે એ જ કાપે! 

 શ્રીશ્રી ભગો કહે એમ, નીચું જોઈ જોઇને જેને ઉબકા આવતા હોય, એમના માટે ઉતરાયણ એટલે ઊંચું જોવાનો દિવસ. બાકી પતંગ ચગાવવાનું તો એક બહાનું! સૂર્ય મકર રાશિમાં જાય કે, મગરના મોઢામાં જાય છે, એ જોવાનો આજે ક્યાં કોઈ પાસે સમય છે? 

યુવાન હૈયાં માટે તો પ્રેમ પાંગરવાની ક્ષણ એટલે જ ઉતરાયણ..! મારા વ્હાલાં ધાબા ઉપર પણ પ્રેમના વાવેતર કરે..! ફેબ્રુઆરીમાં તરત આવતો ‘વેલેન્ટાઇન ડે’ એટલે, પ્રેમ વ્યક્ત કરવાનો માઈલ-સ્ટોન! આકાશ એક જ હોવા છતાં, સાલા દરેકના ધાબા પણ અલગ ને આકાશ પણ અલગ. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ લખે છે એમ….

ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જેવી પતંગની….

સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની..

 આ તો એક તોફાની વિચાર આવ્યો કે, ‘ફીરકીએ જો પતંગને પ્રેમપત્ર લખવો હોય તો કેવો લખે..?’ આવો એક નમૂનો જોઈએ..!

પ્રિય ચાંદલિયા….!                    

દુકાનદારને ત્યાં તો, તું ખુબ ડાહ્યોડમરો થઈને બેસી રહેતો. તું  પંજામાં રહેતો, ને હું જાણે અપરિણીતોના મેળામાં આવી હોય એમ તારી સામે લટકતી રહેતી.  પંજામાં તારી ગણતરી થતી હોવાથી, મને તારા માટે પાંડવ જેટલો આદર હતો. મને મૂઈને એમ કે, તારી સાથે છેડા-ગાંઠી થાય તો હું પણ દ્રૌપદી કહેવાઈશ.

પણ તું તો સાવ દુર્યોધન નીકળ્યો. તારાં ચીર પૂરનારના જ તેં ચીર ખેંચ્યાં..? કેવાં રંગીન અરમાનથી હું તારી સાથે સ્નેહથી બંધાયેલી. જનમ-જનમ સુધી સાથે રહેવાના કોલ આપીને, મને છેતરી જશે, એવું લગીરે નહિ માનેલું. ચીકી ચાવતો હોય એમ તું કાયમ કહેતો કે, વ્હાલી ફદરી..! આપણા છેડા ક્યારેય છૂટવાના નથી.

તું મને છેલ્લા શ્વાસ સુધી સાચવજે ને હું તને સાચવીશ. ને તું બીજી જ કોઈ ફદરીના છેડે ગંઠાયો નપાવટ? તું તો માણસથી પણ ‘ગદ્ધાર’ નીકળ્યો જાલિમ..! મારા ઠમકાના જોરે, તું ૫૬ ની છાતી લઈને આકાશમાં જ્યારે બાથડતો, ને કાપેલા પતંગના ગગનનાદમાં હું કાલી-ઘેલી થઇ જતી. ને તું તો સાવ ‘લપ્પુક‘ નીકળ્યો..!

મને કેવો કેવો હરખ હતો કે, તારા છેડે બંધાઈને હું પણ સતી થઈ જઈશ. મારી પણ એકાદ ખાંભી રચાશે. શ્રદ્ધાળુઓ મારી ખાંભી આગળ, પોતાના પતંગ અખંડ રહે એ માટે  બાધા રાખવા આવશે. પણ તેં તો મને  ત્યકતા બનાવી દીધી ખડ્ડૂસ! તારા કુળની પણ પરવા કર્યા વગર તારી સાથે છેડા-ગાંઠી કરી, તેનો આવો બદલો આપ્યો..? 

તું વીજળીના તારમાં ભેરવાતો, કે ઝાડની ડાળીઓમાં ખીલવાતો, ત્યારે મારું હૈયું કપાઈ જતું, ને તું જ મારા હૈયે છેદ મૂકીને ચાલ્યો ગયો? ત્યકતા બનવા કરતાં તો, મારો ચૂડી-ચાંદલો નંદવાયો હોત, તો હું રાજી થાત.! તને કોઈ બીજી ફદરીના ગંઠાતા જોવાના દિવસો તો નહિ આવ્યા હોત..?

પાંડવો જેવાં પાંડવો પણ દ્રૌપદીને હારી ગયેલા એમ માની મનને મનાવી લઈશ. પણ, તારી છાતી ઉપરના પેલા દેશદાઝના સ્લોગન હવે કાઢી નાંખજે. જેના હૈયામાં જ ઉકરડા હોય, એને દેશદાઝના સ્લોગન નહિ શોભે. તારા દ્રોહની સામે એક અબળા તો શું વિદ્રોહ કરવાની? નારીનો અવતાર છું, એટલે દુ:ખો તો અમારા લમણે જ લખાયેલાં હોય.

લોકોને ક્યાં ફીરકીનો ત્યાગ દેખાય છે? એમને તો ઊડતા પતંગ જ દેખાવાના ને? જ્યારે કપાય છે ત્યારે કોઈ નથી કહેતું કે, દોરી કપાઈ ગઈ એમાં પતંગની હાલત ‘કટી-પતંગ’ થઇ ગઈ. આકાશનું આખ્ખું સામ્રાજ્ય હડપ કરવાની તારી ઘેલછાએ જ મારી આ અવદશા કરી. એટલું જ કહેવાનું કે, મારા જેવી બીજી કોઈ ફદરી સાથે આવો વિશ્વાસઘાત નહિ કરતો. નહિ તો તારા શરીરે કોઈ કન્ના બાંધવા પણ નહિ આવે જાલિમ!

લાસ્ટ ધ બોલ

પતંગ પવન ને પ્રેમી ગમે ત્યારે દિશા બદલી શકે. ભરોસો નહિ.  શ્રીશ્રી ભગો એની વાઈફ સાથે રસ્તે  જતો હતો ને, પાછળ કુતરું પડ્યું. વાઈફને કુતરું ના કરડે એ માટે ‘પત્ની-વ્રતા’  ભગાએ વાઈફને ઊંચકી લીધી. ને કૂતરું ચાલી ગયા પછી નીચે ઉતારી. એને એમ કે, વાઈફ મારો આભાર માનશે. પણ વાઈફે એને ધોઈ નાંખ્યો. ‘ તમે તો કેવા પતિ છો? કૂતરાને ભગાડવા માટે પથ્થર ઉઠાવાય, લાકડી લેવાય. એને મારવા માટે આખે-આખી મને જ ઉપાડી લીધી?

       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top